અન્નદાતાની વાતઃ બોરવેલના કેમિકલયુક્ત પાણીથી ખેતી કરવા ખેડૂતો મૂકબધિર તંત્ર સામે બન્યા લાચાર

અમદાવાદઃ ગુજરાતમાં ભૂગર્ભજળને લઇને નેશનલ ગ્રીન ટ્રબ્યુનલે રાજ્ય સરકારને તાજેતરમાં જ નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે તે અહેવાલને લઇને ગુજરાતમાં ભૂગર્ભજળની સ્થિતિને લઇને ચર્ચા જોવા મળી રહી છે. ગુજરાતમા ભૂગર્ભજળમાં ફ્લોરાઇડ, આર્સેનિક, સીસુ, આર્યન, નાઇટ્રેટ સહિતના જોખમી તત્વોની માત્રા જોવા મળી છે. ગુજરાતના ભૂર્ગભજળ જે જોખમી તત્વોથી અસરગ્રસ્ત બન્યા છે, જેમાં 27 જિલ્લામાં ફ્લોરાઇડ, 32 જિલ્લામાં નાઇટ્રેટ, 12 જિલ્લામાં આર્સેનિક, 14 જિલ્લામાં આર્યન, 5 જિલ્લામાં યુરેનિયમ અને 1 જિલ્લામાં સીસા જેવા જોખમી તત્વોની ઉપસ્થિતિ જોવા મળ્યાનો અહેવાલ છે.

જ્યાં એક તરફ દેશના વડા પ્રધાને દેશની કૃષિ વ્યવસ્થાને ઉપર લાવવા સાથે ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય ધરાવે છે, ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજના એક ગામના ખેડૂતો માટે ખેતી કરવી પણ કપરી બની રહી છે, તેમના ખેતરની જમીન બિનઉપજાવ બની રહી છે અને આગળ જતાં સ્થિતિ ગંભીર બની રહેશે તેવો પ્રશ્ન આ ખેડૂતોને સતત સતાવી રહ્યો છે. આ માટે આ ગામના ખેડૂત અગ્રણીઓ પોતાની વાતને જવાબદાર તંત્ર સુધી પહોંચાડી છે, છતાં તેઓના પ્રશ્નનું કોઈ નિરાકરણ આવી રહ્યું નથી. આ વાત પ્રકૃતિ પ્રહરી “પર્યાવરણ ટુડે” સુધી પહોંચતા પર્યાવરણ ટુડેની ટીમ સ્થિતિનો ચિતાર મેળવવા માટે સ્થળની મુલાકાત કરી.

ડિસેમ્બરની એક રાત્રિએ કડકડતી ઠંડી વચ્ચે ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરી અને સાબિતી રૂપ પુરાવા પણ રજૂ કર્યાં. આ સમગ્ર બાબતની ગંભીરતા સમજી તેના દરેક પાસા ચકાસી ગ્રાઉન્ડ ઝીરો પરથી એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. આ રિપોર્ટ આપણા દેશમાં ખેતી અને ઉદ્યોગો વચ્ચેની હરિફાઇમાં ખેતી કેવી રીતે અવગણાઈ રહી છે તેના પર પ્રકાશ પાડે છે. જે આ રિપોર્ટ પરથી આપના ધ્યાનમાં આવતા આપ અહીં જગતના તાતની દશા કેવી હશે તેનો તાગ પણ મેળવી શકશો.

ખેડૂતોની વ્યથાને જાણવા “પર્યાવરણ ટુડે”ની ટીમ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામે પહોંચી. જ્યાં ગામના કેટલાંક ખેડૂતોની ફરિયાદ હતી કે બોરવેલમાંથી રસાયણયુક્ત પાણી આવી રહ્યું છે. જેના કારણે ખેતરની જમીન ધીરે-ધીરે બિનઉપજાવ બની જવાનો ડર તેમને સતાવી રહ્યો છે. આ ઉપરાંત બોરવેલમાંથી આવી રહેલું પાણી પીવાલાયક તો નથી જ રહ્યું પણ ખેતીના ઉપયોગમાં પણ લઇ શકાય તેવું રહ્યું નથી. આ પ્રકારના જળ પ્રદૂષણથી સ્થાનિક રહેશોની સાથેસાથે વન-વગડામાં વસતા વન્ય જીવો માટે પણ જોખમ ઉભુ કરી રહ્યું છે. તેમની વાત સાંભળ્યા બાદ, જ્યારે ખેતરની મુલાકાત લેવાનું નક્કી કરતા અહીં ખેતી માટેની વીજળી રાત્રિના સમયે 10 વાગ્યે આવતી હોવાથી રાત્રિએ ખેતરની મુલાકાત લેવું નક્કી કર્યું.

ડિસેમ્બર મહિનાની શિયાળાની રાત્રે “પર્યાવરણ ટુડે”ની ટીમ ગામના ખેડૂતો સાથે આ ગંભીર પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે તેમના ખેતરમાં પહોંચી. પછી જે દ્રશ્યો જોવા મળ્યા તે ખેરેખર વર્તમાન અને ભાવિ ગંભીર જળ પ્રદૂષણના જોખમની ચાડી ખાઈ રહ્યાં હતા. પાણીનું સેમ્પલ લેવા માટે ખેતરમાં આવેલો બોરવેલ શરૂ કરતાં પાણીનો એકધારો પ્રવાહ શરૂ થતા શિયાળાની રાત્રિની નિરવતા તોડી જળે પોતાનો ઘેઘૂર અવાજ ઉમેર્યો. આ અવાજ પોતાના ખેડૂતની મનની વ્યથાને જાણે વાચા આપી રહ્યો હતો. બોરવેલમાંથી વહી રહેલા પાણીનું સેમ્પલ લેવામાં આવ્યું. અહીં પાણી શરૂઆતમાં રંગહીન જોવા મળ્યું, પરંતુ થોડા સમય બાદ પાણીમાં કેટલાંક કણો દેખાયા ખેડૂતોના કહેવા મુજબ આ કણો કેમિકલના હતા. ત્યારબાદ આ પાણીએ પીળો રંગ ધારણ કરી લીધો. આ સ્થિતિ જોઇને થાય કે આ પાણીથી પેદા થતી ખેત પેદાશો સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક હશે? આ પાણી માનવ સ્વાસ્થ્યની સાથે પશુ-પક્ષીઓ અને પર્યાવરણને પણ નુક્શાન પહોંચાડી રહ્યું છે.

જુઓ વીડિયોઃ

ખેડૂત ઋષિભાઈ પટેલે પોતાની વાત જણાવતા કહ્યું કે અહીં ટ્યૂબવેલમાંથી પાણી દુર્ગંધ અને કેમિકલયુક્ત આવી રહ્યું છે. અમે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સુધી અમારી વાત પહોંચાડી છે, પરતું તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી.

પ્રાંતિજના સોનાસણ ગામની સીમા અને કાટવાળ ચાર રસ્તા સ્થળ જ્યાં ભેટે છે ત્યાં જોઇએ એક તરફ કેટલીક કેમિકલ અને સિરામિક કંપનીઓ આવી રહી છે તો બીજી તરફ ખેતરો આવેલા છે. આ બન્ને વચ્ચે માત્ર પાંચસો મીટર જેટલું અંતર જોવા મળી રહ્યું છે. ખેતરોમાં હાલ ટપક સિંચાઈ પદ્ધતિથી બટાકાની ખેતી કરવામાં આવી રહી છે. આ ખેતી કરવામાં આ ખેડૂતોને છેલ્લા સાત જેટલા વર્ષોથી સામનો કરી રહ્યાં છે. ત્યારે ખેતી કરવામાં જે સમસ્યાઓ આવી રહી છે તેના વિશે ખેડૂત ઋષિભાઈ પટેલે જણાવ્યું કે અમારી આજિવિકા ખેતી પર જ નિર્ભર છે. અમે વર્ષોથી ખેતી વ્યવસાય સાથે જ જોડાયેલા છીએ, પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી ઉદ્યોગોનો વ્યાપ વધ્યો છે. અહીં પણ કાટવાળ ચાર રસ્તા પાસે ઉદ્યોગો સ્થપાયા અને ત્યારબાદ પ્રદૂષણ વધી રહ્યું છે. હવા, જમીન અને ભૂગર્ભળજળ પ્રદૂષણ વધી રહ્યું છે. આજની પરિસ્થિતિ એવી છે કે ટ્યૂબવેલનું પાણી પીવાલાયક તો નથી જ રહ્યું, પરંતુ સિંચાઇલાયક પણ રહ્યું નથી. જેના કારણે ચામડી સહિતના રોગો વધી રહ્યાં છે અને ભવિષ્યમાં કોઈ ગંભીર પ્રકારના રોગ પણ થઇ શકે તેવી સ્થિતિ ઉભી થશે તેનો ડર સતાવી રહ્યો છે.

ઋષિભાઈ પટેલ પોતાની વાતમાં આગળ જણાવે છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન ખેડૂતોની આવક બમણી કરવાનું રહ્યું છે, પરંતુ અહીં તો એવી સ્થિતિ પેદા થઇ રહી છે કે અમારે તો ખેતી છોડવાનો વારો આવી રહ્યો છે. આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની એક મુહિમ છેડી છે, ત્યારે પ્રકૃતિક ખેતી તો દૂરની વાત છે… અમારા માટે તો ખેતીથી જ દૂર રહેવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે. જીપીસીબી સહિત સંબંધિત તંત્ર સુધી ધારદાર રજૂઆતો કરવા છતાં અમારી રજૂઆત કોઇ સાંભળી રહ્યું નથી. રજૂઆત બાદ જીપીસીબીની ટીમ અહીં આવે છે પાણીના સેમ્પલ લઇ જાય છે, તેનું ટેસ્ટિંગ થાય છે, રિપોર્ટ આવે છે, નોટિસ અપાઇ રહી છે કે કોઈ કાર્યવાહી કરાઇ રહી છે કે  નહીં તે પણ ધ્યાનમાં નથી કારણ કે પહેલાના જેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. અહીં આવેલા ઉદ્યોગો જમીનમાં દૂષિત પાણી ઉતારી રહ્યાં છે અને અમારી જમીનની ફળદ્રુપતા ઘટાડવાનું કામ કરી રહ્યાં છે. સરકારને અમારી કરબદ્ધ વિનંતી છે કે આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવો નહીં તો અમારી આજિવિકા ખતમ થઇ જશે. પ્રશ્ન હલ નહીં થાય તો છેવટે ખેડૂતોને આંદોલન કરવાનો વારો આવશે.

સોનાસણના અન્ય એક જાગૃત ખેડૂત ભરતભાઈ પટેલના ખેતરની મુલાકાત લેતા ભૂગર્ભજળ દૂષિત આવી રહ્યાંની જ સ્થિતિનું પુનરાવર્તન જોવા મળ્યું. ભરતભાઈએ વર્તમાન સ્થિતિ વિશે જણાવતા કહ્યું કે શરૂઆતમાં આ ભૂગર્ભજળની સ્થિતિ કેમ આ રીતે થઇ રહી છે તેને લઇને કોઇ ખ્યાલ આવી રહ્યો ન હતો. પરંતુ ધીમેધીમે દુર્ગંધયુક્ત કેમિકલ વાળું પાણી આવતા આ સમગ્ર બાબત અમારા ધ્યનમાં આવી. ત્યાર બાદ અમે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરી. તેમને સેમ્પલ આપ્યા છે, પરંતુ આગળ કોઈ પણ જાતની કાર્યવાહી થઇ રહી નથી. અમારા ખેતરો સોનાસણ ગામ અને કાટવાળના સીમાડામાં આવેલા છે, જ્યાં એક તરફ ખેતરો અને તેનાથી થોડા જ અંતરે ઉદ્યોગો આવેલા છે. કેમિકલયુક્ત પાણી બોરવેલમાંથી સીધુ જ બહાર આવી રહ્યું છે અને તેમાં કેમિકલ વેસ્ટની ઉપસ્થિતિ જોઇ શકાય છે.

અહીં કેસર અને હેક્ઝોન નામની બે કેમિકલ ફેક્ટરીઓમાંથી પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યાનો આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. બાજુમાં આવેલી સિરામિક ફેક્ટરીથી પણ હવા પ્રદૂષણ ફેલાઇ રહ્યું છે. આ ફેક્ટરીઓના ધૂમાડો જમીન પણ પડે છે અને જમીનની માટી સફેદ થઇ રહી છે, જેના કારણે જમીનની ફળદ્રુપતામાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે.

ભરતભાઈએ વધુમાં જણાવ્યું કે અમારા ગામના અને બાજુના ગામના ખેડૂતોએ સંબંધિત તંત્ર અને કલેક્ટરને રજૂઆત કરી છે. તે સમયે અમારી વાતને સાંભળવામાં આવી પણ ત્યારબાદ જવાબદાર લોકો પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. અમારી વાતોને માત્ર સાંભળવામાં આવે છે, કોઈપણ જાતનું નિરાકરણ આપવામાં આવી રહ્યું નથી. અમારી આવકનો સ્ત્રોત ખેતી જ છે, જે અમારી પાસેથી છીનવાઇ રહ્યો છે. ખેતપેદાશોમાં જે ઘટાડો હાલ જોવા મળી રહ્યો છે, તેને જોતા લાગી રહ્યું છે કે આવનારા પાંચેક વર્ષોમાં અમારે ખેતી છોડવાનો વારો આવશે.

અહીં સોનાસણ ગામના ખેડૂતોની વ્યથા સાંભળ્યા અને જાણ્યા બાદ અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થઇ રહ્યો છે કે શા માટે જગતના તાતને આ હદે સહન કરવું પડી રહ્યું છે. શા માટે તેઓ આ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે. શું તેમના પ્રશ્નોને લોક પ્રતિનિધિઓ સુધી પહોંચાડવા આંદોલન જેવા માર્ગો જ રહ્યાં છે? સમયની સાથે  વિકાસ થાય તે જરૂરી છે, પરંતુ પર્યાવરણના ભોગે થઇ રહેલો વિકાસ પૃથ્વીને વિનાશ તરફ દોરી જાય છે તે વાત આપણે ભૂલી જવી ન જોઇએ.