સુએજ ફાર્મ, બહેરામપુરાના પ્રદૂષણ માફિયા બેફામઃ જલદ એસિડયુક્ત પ્રદૂષિત પ્રવાહીને નદીમાં ડાયરેક્ટ છોડવાનો વીડિયો વાયરલ, જવાબદાર તંત્ર ઉંઘમાંથી ક્યારે જાગશે?

શહેરના સુએજ ફાર્મ, બહેરામપુરાના પ્રોસેસ હાઉસ દ્વારા ગેરકાયદેસર રીતે કારખાનાની અંદર ડ્રેનેજ લાઇનના માધ્યમથી અત્યંય પ્રદૂષિત એસિડયુક્ત પ્રવાહીને નદીમાં છોડવાનો સિલસિલો યથાવત


અમદાવાદઃ શહેરમાં ફરી એક વાર કેમિકલ માફિયાઓ સક્રિય જોવા મળ્યા અને ફેક્ટરીની અંદર ગટર લાઇનોના માધ્યમથી ગેરકાયદેસર રીતે અત્યંત પ્રદૂષિત એસિડ યુક્ત પ્રવાહી છોડાઇ રહ્યાંનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો સુએજ ફાર્મ વિસ્તારમાં આવેલી ફેક્ટરીનો બતાવવામાં આવી રહ્યો છે.

એક તરફ સાબરમતિ નદીને પ્રદૂષણમુક્ત બનાવવા માટે તથા પર્યાવરણને નુક્શાન પહોંચાડનારા તત્વો સામે હાઈકોર્ટ લાલ આંખ કરી રહી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ને વારંવાર ફટકાર લગાવી રહી છે તથા જવાબદાર અધિકારીઓને પોતાની જવાબદારી નિભાવવા માટે કડક આદેશ જાહેર કરતી આવી રહી છે, ત્યારે આ વીડિયો દરેક નિયમ અને કાયદાને પોતાના ખિસ્સામાં રાખી ફરતા લોકોની ગેરકાયદેસર કરતૂતોનો પર્દાફાશ કરી પ્રકાશ પાડી રહ્યો છે.

વીડિયોઃ

સાબરમતિ નદીમાં અત્યંત પ્રદૂષિત પાણી સીધી રીતે છોડવાના કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યાં છે. ત્યારે આ પ્રકારે એસિડ અને કેમિકલયુક્ત પાણી સીધું જ નદીમાં છોડાઇ રહ્યાનો વીડિયો ખરેખર ચોંકાવનારો છે. આ વીડિયોને ગંભીર રીતે ધ્યાનમાં લેવો જોઇએ, કારણકે આ પ્રદૂષિત પ્રવાહીને ઉદ્યોગ જગતની ભાષામાં અનટ્રિટેડ સ્પેંટ એસિડથી ઓળખાય છે, જે પર્યાવરણને ગંભીર પ્રકારે પ્રતિકૂળ અને જોખમકારક હોવા છતાં કરોડો રૂપિયાની કમાણી કરવાના હેતુથી પ્રદૂષણ માફિયાઓ ભ્રષ્ટાચાર અંતર્ગત તમામ કાયદાકીય નિયમોને છડેચોક ઉલ્લંઘન કરી રહ્યાં હોવાની સંભાવનાને નકારી શકાય નહીં.

આ વીડિયોમાં GJ-18-AU-8336 નંબરનું ટેન્કરથી અંદાજિત 25,000 લિટર જેટલા ભારે જથ્થામાં સ્પેંટ એસિડ એક ફેક્ટરીની ગટર લાઇનના માધ્યમથી ડાયરેક્ટ છોડવાની વાસ્તવિકતા જોવા મળી રહી છે. આ ટેન્કર પ્રદૂષિત એસિડ યુક્ત લિક્વીડ અમદાવાદ શહેર કે બહારથી અન્ય કોઇ શહેરમાંથી ટ્રાન્સપોર્ટ કર્યું છે તેની કોઈ પણ હજી સુધી જાણકારી મળી નથી. પરંતુ, આ ટેન્કરોથી લાવીને છોડાઈ રહેલું અત્યંત પ્રદૂષિત કેમિકલયુક્ત પ્રવાહી ફેક્ટરીઓથી નાળાના માધ્યમથી સાબરમતિ નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જે જવાબદાર તંત્રના અધિકારીઓ માટે ખૂબ જ શરમજનક બાબત છે. એક વાતનો નક્કી છે કે આ પ્રદૂષણ માફિયાઓમાં જવાબદાર તંત્રનો કોઇપણ પ્રકારનો ડર રહ્યો નથી અને તેઓ સતત પર્યાવરણને જોખમમાં મૂકી રહ્યાં છે.

આ વાયરલ વીડિયો એ પૂરાવો છે કે કેમિકલ માફિયાઓને આવા કાળા કરતૂત કરવા માટે જીપીસીબી, અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનની બીક રહી નથી. પરંતુ જવાબદાર તંત્રના જવાબદાર અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી બચી શકે નહીં અને તેમને તુરંત આ વાયરલ વીડિયોની સંપૂર્ણ તપાસ કરી દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવી જોઇએ અને કાયદાકીય જોગવાઇઓ આધારે ગુનાહિત કિસ્સાઓ અંતર્ગત દોષિતોને જેલના સળિયા પાછળ ધકેલી એક ઉદાહરણ પુરૂં પાડવું જોઇએ. જોકે, આ કિસ્સામાં આવું અત્યંત જોખમી અને પ્રદૂષિત પ્રવાહી ક્યાંથી લાવવામાં આવ્યું અને તેની પાછળ કેટલાં લોકોની સંડોવણી છે તે વિગતો બહાર આવવી અત્યંત આવશ્યક છે, અને તો જ જડમૂળમાંથી સમગ્ર બાબતનો પર્દાફાશ કરી શકાશે.

જોકે, વીડિયો વાયરલ થયા બાદ જવાબદાર એકમો સામે કાર્યવાહી કર્યાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. આ મામલે એવી પણ માહિતી પ્રાપ્ત થઇ રહી છે કે જીપીસીબી દ્વારા સુપાર્શ્વા ટેક્સપ્રિન્ટ નામક યૂનિટ સામે ક્લોઝર નોટિસ જારી કરવામાં આવી છે. પરંતુ કેટલાંક દિવસો માટે ફેક્ટરી બંધ કરવાના અને અમૂક દંડનીય રકમ વસૂલ કરી ફરીથી એકમ ચાલૂ કરવાથી આ વિસ્તારના કેમિકલ માફિયાઓ ક્યારેય પણ સુધરવાના નથી.

જે રીતે વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે પ્રદૂષિત કેમિકલયુક્ત પ્રવાહીને ફેક્ટરીઓની ગટર લાઇનના માધ્યમથી સીધી રીતે સાબરમતિ નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેનાથી નદીમાં રહેતી માછલીઓ સહિત જળચર જીવોના જીવનને જોખમમાં મૂકવું એક ગંભીર પ્રકારનો ગુનાહિત કૃત્ય છે તથા નદી તળમાં અંડર ગ્રાઉન્ડ વોટર સ્ટ્રેટાને પણ ગંભીર નુક્શાન પહોંચી રહ્યું છે. ત્યારે હવે તે જોવું રહ્યું કે વર્ષોથી માનનીય ગુજરાત હાઈકોર્ટની વારંવારની ટકોર છતાં સંબંધિત જવાબદારી તંત્રના અંધ અધિકારીઓનો અંતરઆત્મા ક્યારે જાગે છે?