મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિરમગામ ખાતે ૭૫માં પ્રજાસત્તાક પર્વમાં ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું

અમદાવાદઃ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આજે વિરમગામ ખાતે શ્રી શેઠ એમ.જે. હાઈસ્કૂલ ખાતે ૭૫માં પ્રજાસત્તાક પર્વમાં ઉપસ્થિત રહી ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે 3 પ્લાટુન પરેડ યોજાઇ હતી અને કુલ ૧૨ ટેબ્લોના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓ ઝાંખી રજૂ કરવામાં આવી હતી.

૭૫માં પ્રજાસત્તાક પર્વે મંત્રી બલવંતસિંહ રાજપૂતે પોતાના સંબોધન શરૂઆત લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે સ્થપાયેલી વિશ્વની સર્વશ્રેષ્ઠ લોકશાહી ધરાવતા આપણા ભારતના ૭૫ મા પ્રજાસત્તાક પર્વના પાવન અવસરની સૌને શુભકામનાઓ પાઠવી અને આપણી અમૂલ્ય આઝાદી અપાવવામાં જેઓનો ફાળો હતો તેવા તમામ સ્વાતંત્ર્યવીરો અને શહીદોને યાદ કરી નમન કરી જણાવ્યું હતુ કે આપણી પ્રજાસત્તાક અને લોકશાહીની એક વિશેષતા એટલે ગામના સરપંચથી દેશના વડાપ્રધાન પદ સુધી જન-પ્રતિનિધિઓ દ્વારા જ દેશનો વહીવટ ચાલે છે.  આવી વ્યવસ્થા માટે આપણે સૌએ ગૌરવ લેવું જોઈએ. આપ સૌને પ્રજાસત્તાક દિનના અભિવાદન સહ ખૂબ ખૂબ શુભકામનાઓ.

આઝાદી બાદ વર્ષ ૧૯૫૦ માં આજના દિવસે જ આપણું બંધારણ અમલમાં આવ્યું હતુ અને ખરા અર્થમાં ભારતના લોકોને પોતાના દેશનો વહીવટ મળ્યો હતો તેમ જણાવતા મંત્રી બલવંતસિંહે જણાવ્યું કે બંધારણના ઘડવૈયા એવા ડૉ.બાબા સાહેબ આંબેડકરજીએ ભૂતકાળના ભવ્ય ઐતિહાસિક વારસા, આઝાદી બાદ દેશના સર્વાંગી વિકાસ માટે તે દેશની જરૂરિયાત, ભવિષ્યના ભવ્ય ભારતની કલ્પના અંગે સર્વાંગી વિચાર કરીને વૈચારીક ચેતનાને બંધારણનું સ્વરૂપ આપ્યું. બંધારણે ભારતને સાર્વભૌમ, સમાજ વાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્ર અને પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરી દેશના નાગરિકોને સામાજિક, આર્થિક રાજકીય ન્યાય તથા વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા અને સમાનતા પણ બંધારણે જ આપી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે “અભાવમાં માણસ ઘડાય છે” અને તે હિસાબે જ્યારે આપણા દેશ ઉપર બ્રિટનનું રાજ હતું ત્યારે દેશના સપુતો ગુલામીમાંથી મુક્ત થઈ સ્વરાજ સ્થાપવાના સતત પ્રયત્ન કરતાં હતાં. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા મહાપુરૂષોએ પોતાનું જીવન દેશની આઝાદી માટે ખર્ચી નાખ્યું. તિલકજી, નેતાજી, સાવરકરજી, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, મદનલાલ જેવા શહીદોએ પોતાના જીવન આઝાદી માટેની આગમાં હોમી દીધા. કેટલાય લોકોને તોપના ગોળે અને ફાંસીના માંચડે ચઢાવવામાં આવ્યા, કાળા પાણીની સજાઓ અને જેલમાં ભરી દેવામાં આવ્યા, ત્યારે જઈને આ આઝાદીના મીઠા ફળો ખાવાનું આપણને ભાગ્ય પ્રાપ્ત થયું છે. આઝાદી મળ્યા પછી ૧૯૪૮, ૧૯૬૨, ૧૯૬૫, ૧૯૭૧, ૧૯૯૯ના વર્ષમાં પાકીસ્તાન અને ચીન સાથેના યુધ્ધો દરમિયાન અને વિશ્વ શાંતિ માટે પોતાની ફરજ ઉપર શહિદ થયેલા આપણા દેશના જવાનો, પોલીસ મિત્રો અને નાગરિકોને આજના આ પાવન દિવસે યાદ કરું છું, તેમના માતાપિતાને વંદન કરી તે સૌએ આપેલા બલિદાનને શત શત નમન કરૂં છું. તેમણે આપણી સીમાઓ ઉપર ખડે પગે તૈનાત રહીને આપણા સૌનું અને દેશની અખંડતાનું રક્ષણ કરનારા સૈનિકોને વિરમગામની એમ.જે. હાઈસ્કુલના પરિસર ખાતેથી નમન કર્યા હતા.

તાજેતરમાં જ આપણે આઝાદીના ૭૫ વર્ષ પૂરાં કર્યા છે અને “ આઝાદીનો અમૃત કાળ ” ચાલી રહ્યો છે ત્યારે ભારતની આધુનિક વિકાસયાત્રાને આઝાદી પહેલાની સ્થિતિ, આઝાદી બાદની ભારતની સ્થિતિ અને ૨૦૧૪ પછીની સ્થિતિ એમ ત્રણ મુખ્ય ભાગમાં વહેંચી શકાય તેમ જણાવતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું હતુ કે આઝાદી બાદ ભારતે પણ ઘણી બાબતો અંગે ભારતે વિશ્વના બીજા દેશો ઉપર આધાર રાખવો પડતો હતો. પરંતુ ભારતના વિકાસની સાચી યાત્રા ૨૦૧૪ પછી શરૂ થઈ એવું મારૂં માનવું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દુરંદેશી તેમજ વિકાસલક્ષી વિચારસરણીના આધારે “નયા ભારત”ની વિકાસયાત્રા શરૂ કરી છે. અંત્યોદય, સર્વાંગી વિકાસ, સહિત દેશમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક, આંતરમાળખાકીય અને નીતિ વિષયક ક્ષેત્રે ઐતિહાસિક કામ થયા છે. જળ જીવન મિશન….. નલ સે જલ…. પ્રધાનમંત્રી આવાસ યોજના… ઉજ્જવલા યોજના….કિસાન સમ્માન નિધિ યોજના… આયુષ્યમાન ભારત યોજના… ગરીબ કલ્યાણ યોજના…..  તેના જીવંત પુરાવા છે.  સ્કિલ ઈન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, શ્રમેવ જયતે, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયાથી ભારતીય યુવાનોમાં સ્કિલ, ટેકનોલોજી અને રોજગારીનું સર્જન થયું. જન ધન યોજના, સ્વચ્છ ભારત મિશન, ઉજાલા યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજનાથી સામાજિક પરિવર્તનો આવ્યા છે. નમામી ગંગે, કાશી કોરીડોર, બુદ્ધ સર્કિટ, મહાકાલ કોરીડોર, રામાયણ સર્કીટ, ચારધામ કોરીડોરથી આધ્યાત્મિક સ્થળોના વિકાસ થઈ રહ્યા છે. સ્માર્ટ સિટી, અમૃત પ્લાન, સેતુ ભારતમ, ગતિ શક્તિ નેશનલ પ્લાન, ભારત માલા પ્રોજેક્ટ, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોરના કારણે આંતર માળખાકીય સુવિધાઓનો વિકાસ થયો છે.

ગત વર્ષે જી-૨૦ ના સફળ આયોજનથી વિશ્વમાં ભારતનો ડંકો વાગ્યો છે તેમ જણાવતા તેમણે વધુમાં જણાવ્યું કે “વાઈબ્રન્ટ ગુજરાત” અને “મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમ”ની ૨૦ વર્ષની ઉજવણી થઈ. “મારી માટી, મારો દેશ” કાર્યક્રમની ઉજવણીથી લોકોમાં રાષ્ટ્રભાવના જન્મી. “વિકસીત ભારત સંકલ્પ યાત્રા”થી ૧૭ જેટલી યોજનાઓ ઘરના દરવાજા સુધી પહોંચી અને તેની સો ટકા સિદ્ધિ માટે સરકાર કટીબદ્ધ બની. ૨૦૨૩ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટના વર્ષ રૂપે ઉજવ્યું. જેનાથી આ ક્ષેત્રે ઘણા સ્ટાર્ટઅપ શરૂ થયાં. સમાજને સ્વસ્થ અને આરોગ્યપ્રદ ભોજનો મળવા લાગ્યા. ચંદ્રયાન, આદિત્ય અને ગગનયાન જેવા ઐતિહાસિક મિશનો કરીને ઈસરોએ વિશ્વ સમક્ષ અવકાશ ક્ષેત્રે ભારતની તાકાત બતાવી છે. ભારત એ હાલ વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ચૂક્યું છે અને વિશ્વની મહાસત્તા બનવા ગતિશીલ બન્યું છે.

ગાંધીજી કહેતા કે, “ખરૂં ભારત ગામડાઓમાં વસે છે” અને તે મુજબ જ આપણા પ્રધાનમંત્રી વડાપ્રધાને ગામડાઓના વિકાસ કરી તેને આત્મનિર્ભર બનાવવા માટે મહત્વની યોજનાઓને અમલમાં મૂકી છે, તેમ જણાવતા બલવંતસિંહ રાજપૂતે ઉમેર્યું કે આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા પાંચ વર્ષ માટે તેર હજાર (૧૩૦૦૦)  કરોડ રૂપિયાના પ્રારંભિક ખર્ચથી કુલ ૧૮ પ્રકારના કામોને સમાવેશ કરતી “પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના” શરૂ કરી છે. જેનાથી ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિ અને રોજગારીમાં પરિવર્તન થશે. કેન્દ્ર સરકારે વર્ષોથી પડતર એવા જમ્મુ કશ્મીરની સમસ્યાનું નિરાકરણ કર્યુ, તે ઐતિહાસિક ઘટના છે. કલમ ૩૭૦ ની નાબૂદીથી તે ક્ષેત્રનો ઉત્તમ વિકાસ થશે. ભારતમાં મોદી સરકારના આવ્યા પછી યોજનાઓના નાણાં સીધા જ લાભાર્થીના ખાતામાં જવાથી દલાલ કે વચેટીયા પ્રથા નાબૂદ થઈ છે અને યોજનાઓના ધરાતલ ઉપર અમલીકરણ થઈ રહ્યાં છે.

ગુજરાતની વાત કરતા તેમણે જણાવ્યું કે આપણા મક્કમ અને પ્રેમાળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ રાજ્ય સરકાર તમામ જિલ્લાઓમાં સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગિફ્ટ સિટી, ધોલેરા સર, ડાયમંડ બુર્સ, હજીરા પોર્ટ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે રાજ્યના આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે. ગુજરાતના ગરબાને હવે યુનેસ્કોએ “અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર” તરીકે સ્વીકારી છે અને વિદેશી પ્રવાસીઓની દૃષ્ટિએ ગુજરાતે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.  ગુજરાતમાં ચાલતી અવિરત વિકાસયાત્રાને કારણે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન, મેન્યુફેક્ચરીંગ હબ અને જી.એસ.ડી.પી. મુજબ ગુજરાત સૌથી ઝડપથી વિકસતા રાજ્યોમાંનુ એક બન્યું છે. રોકાણકારો માટે વિકસવાના અવસરો આપતું ગુજરાત હવે આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે પસંદગીનું પહેલું રાજ્ય બન્યું છે. વિકાસ એ હવે ગુજરાતનો મિજાજ બની ગયો છે. “પદ એ સત્તા નહીં પરંતુ સેવાનું માધ્યમ છે” તેવી ઉદાર વિચારસરણી ધરાવતા આપણા મુખ્યમંત્રી લોકહિતકારી નિર્ણયો લેવામાં સતત કાર્યશીલ છે. વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાતે સૌથી પહેલો પોતાનો રોડમેપ તૈયાર કર્યો છે અને ૨૦૪૭ સુધી જી.એસ.ડી.પી. ૩.૫ ટ્રીલીયન યુ.એસ. ડોલર સુધી તથા માથાદીઠ આવક ૩૮થી ૪૩ હજાર યુ.એસ.ડોલર સુધીનું લક્ષ્ય છે. રોજગારીમાં નારીશક્તિને ૭૫% સુધી વધારવા તથા ગ્રીન ક્લીન એન્વાયરમેન્ટ માટે તથા ફોસિલ ફ્યુઅલ પરનું ભારણ ઘટાડવા ૨૦૪૭ નેટ ઝીરો એમિશન રાજ્ય બનવાનું લક્ષ્ય મૂકવામાં આવ્યું છે.

 

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન અને દૂરંદેશીને વિચારને પરિણામે શરૂ થયેલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટને કારણે ગુજરાતે ઉદ્યોગ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે તેમ જણાવતા તેમણે વધુમાં જણાવ્યું હતુ કે આજે ગુજરાત દેશના જી.ડી.પી.માં ૮%, ફેક્ટરીઓમાં ૧૧%, ઉત્પાદનમાં ૧૮%, નિકાસમાં ૩૩% ધરાવે છે. છેલ્લા ત્રણ વર્ષથી નિકાસમાં પ્રથમ છે. સેમિકન્ડક્ટર,  ટેક્સટાઇલ, ગારમેન્ટ અને એપેરલ, નવી ઔદ્યોગિક નીતિ, સ્ટાર્ટ અપ, આઇ.ટી, ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાયોટેકનોલોજી જેવી ૨૦ થી વધુ પોલીસીઓથી ગુજરાતના ઉદ્યોગોને વિકસિત કરવામાં રાજ્ય સરકાર ઉત્તમ પગલા ભરી રહી છે. રાજ્યમાં નવા બલ્ક ડ્રગ પાર્ક અને પી.એમ. મિત્રા – ટેક્સ્ટાઈલ પાર્કને કારણે નવા રોકાણ, રોજગારી, સ્કીલ અને ઉત્પાદનમાં હકારાત્મક પરિવર્તન આવશે.  આ વર્ષે “વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ” હેઠળ ૪૫ હજાર કરોડનું રોકાણ સ્થાનિક કક્ષાએ થયા છે, જે ગુજરાતની ઉત્તમ સ્થિતિ દર્શાવે છે. હમણાં જ સમાપ્ત થયેલ દસમી વાઈબ્રન્ટ સમિટમાં ૩૫ ભાગીદાર દેશો સાથે વિશ્વના ૧૦૦થી વધુ દેશો, ભારતના ૧૮થી વધુ રાજ્યોએ ભાગ લીધો અને ૪૫ લાખ કરોડથી વધુના ૯૮ હજારથી વધુ એમ.ઓ.યુ. થયા હતા. સાણંદમાં સ્પેસ મેન્યુફેક્ચરીંગ ક્લસ્ટરથી વિકાસના નવા અવસરો ખુલશે.

 

ઔદ્યોગિક વિકાસ પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું કે ૧૮ વિભાગોની ૨૦૦થી વધુ અરજીઓને ઓનલાઈન કરીને વ્યાપાર કરવાની સરળતા છે તથા તેમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા સ્થાને છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં એક સમાન ઔદ્યોગિક વિકાસ થાય તે માટે દરેક તાલુકે એક ઔદ્યોગિક વસાહત સ્થાપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.  ૦૩ વર્ષ સુધી અમુક મંજૂરીઓ લેવામાંથી મુક્તિ,   ૦૫ ઝોનલ કાઉન્સિલ, પંદરસો (૧૫૦૦) કરોડના ગત વર્ષના બજેટની ફાળવણી કરીને એમ.એસ.એમ.ઈ.ને વિકસવા માટે નવું વાતાવરણ આપ્યું છે.

 

સરકારની ગતિશીલતાની વાત કરતા તેમણે જણાવ્યું કે અમેરિકાના પ્રવાસ દરમિયાન આપણા વડાપ્રધાને માઈક્રોન કંપનીએ ભારતમાં આવવાની ઈચ્છા બતાવી અને ગુજરાતે તે તક ઝડપી લીધી. માત્ર ૬ દિવસમાં જમીન ફાળવી અને ૯૦ દિવસમાં ભૂમિપૂજન થઈ ગયું. આગામી સમયમાં આ કંપની ઉત્પાદન ક્ષેત્રે પણ આવી જશે. ૨૦,૦૦૦થી વધુ યુવાનોને તેમાં રોજગારી પ્રાપ્ત થશે. રાજ્યના યુવાનોને સ્કીલ બદ્ધ કરવા માટે ૨૮૮ સરકારી, ૧૦૧ ગ્રાન્ટ ઈન એઈડ અને ૧૬૯ સ્વનિર્ભર મળીને કુલ ૫૫૮ આઈ.ટી.આઈ.માં ૨ લાખથી વધુ યુવાનો તાલીમ લઈ રહ્યાં છે. બાંધકામની સાઈટો ઉપર કામ કરતાં શ્રમિકોના પોષણ માટે “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ નવા ૧૫૫ કેન્દ્રો આ વર્ષે ખુલ્યાં છે. હવે કુલ ૨૭૭ કેન્દ્રો મારફતે ૭૮ લાખ લોકો રૂપિયા ૦૫માં પૌષ્ટિક ભોજન મેળવી રહ્યાં છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૯૬ કેન્દ્રો ચાલે છે. કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી  મારફતે યુવાનોને નવા યુગના કૌશલ્યથી સજ્જ  કરવામાં આવી રહ્યાં છે. કોમ્પ્યુટીંગ, ડ્રોન, મેનેજમેન્ટ અને ફાઇનાન્સ જેવા અભ્યાસક્રમો તેમાં ચાલે છે. આજે યુવાનોને રોજગારી આપવામા ગુજરાત દેશમાં પ્રથમ છે.  અત્યાર સુધી ૧૫ જેટલા કૃષિ મહોત્સવમાં ૧૫ કરોડ જેટલા ખેડૂતોએ ભાગ લીધો. કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે ઈન્ડેક્ષ – એ ની સ્થાપનાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 

ભારતમાં બંધારણના અમલથી જ મહિલાઓને મતાધિકાર મળે છે અને આજે દેશમાં મહિલાઓને વિકસવા માટે ઘણી ઉત્તમ તકો છે તેમ જણાવતા તેમણે વધુમાં ઉમેર્યું કે નારી ગૌરવ નીતિ અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલાઓને ૫૦% અને સરકારી નોકરીઓમાં ૩૩% આરક્ષણ આપવામાં આવ્યું છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાથી ૧૩.૭૧ લાખ વિધવા બહેનોને સહાય મળે છે. ૧૮૧ અભયમ હેલ્પલાઈન અને ખિલખિલાટ એમ્બ્યુલન્સ મહિલાઓ માટે ગુજરાતની આગવી સેવા છે. ખેલમહાકુંભથી રાજ્યના યુવાનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલો લાવતા થયાં છે. અંબાજી, પાવાગઢ, સોમનાથ, દ્વારકા, જુનાગઢ અને ચોટીલા જેવા યાત્રાધામોના વિકાસથી જે તે વિસ્તારોમાં નવા અવસરો ખુલ્યાં છે. ક્યારેક કાપડની મીલોથી ધમધમતું “ભારતનું માન્ચેસ્ટર”  દેશ અને દુનિયાને સુતરાઉ કાપડ પૂરું પાડતું અને આજે દેશનું સૌથી પહેલું “હેરીટેજ સીટી” છે.

 

કોઈપણ પ્રકારના ભેદભાવ રહિત, સમતોલ વિકાસ સાથેના આધુનિક ભારતના નિર્માણની કલ્પનાને સાકાર કરવા માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ અને ફરીથી આજના દિવસની સૌને શુભકામનાઓ પાઠવી તેમણે પોતાના સંબોધનને વિરામ આપ્યો હતો.