વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ રાજ્યકક્ષાની ઉજવણી કાર્યક્રમ યોજાશે
આવતીકાલે ૫મી જૂન ૨૦૨૫ (ગુરૂવાર)ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્યસ્તરનો ઉજવણી કાર્યક્રમ યોજાશે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની વૈશ્વિક થીમ ” એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી ” છે. વન, પર્યાવરણ અને ક્લાઈમેન્ટ ચેન્જ મંત્રાલય (MoEFCC)ના ૨૨ મે થી ૫ જૂન સુધી ચાલનારા રાષ્ટ્રવ્યાપી કેમ્પેઈન સાથે આ થીમ સંકલિત છે.
મુખ્યમંત્રીની પ્રતિષ્ઠિત ઉપસ્થિતિમાં ગાંધીનગર, ગુજરાતમાં વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે મુખ્ય પર્યાવરણ અને વિભાગીય પ્રોજેક્ટ્સના શ્રેણીબદ્ધ લોકાર્પણ અને ભૂમિપૂજન સમારોહ યોજાશે. કાર્યક્રમની શરૂઆત નવા સચિવાલય, ગાંધીનગર ખાતે માતૃવન – વન કવચ, મિયાવાકી જંગલના ભૂમિપૂજનથી થશે. તે પછી, મહાત્મા મંદિર ખાતે વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમો અને લોન્ચિંગ્સ યોજાશે, જેમાં પ્લાસ્ટિકના વિકલ્પો અને રિસાયક્લિંગ સોલ્યુશન્સના પ્રદર્શનનું લોકાર્પણ, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, ગુજરાત રાજ્યની બેસ્ટ પ્રેકટીસ અને વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ કેમ્પેઈન પર ટૂંકી ફિલ્મોના પ્રદર્શન સામેલ છે.
કાર્યક્રમ અંતર્ગત થનારા મહત્વપૂર્ણ લોકાર્પણ અને વર્ચ્યુઅલ લોન્ચિંગમાં
૧. અધ્યતન XGN પોર્ટલનું લોન્ચિંગ
૨. સાઇટીંગ ક્રાઇટેરીયા ટુલનુ પી.એમ. ગતિ શક્તિ પોર્ટલ પર લોન્ચિંગ
૩. પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ ડેશબોર્ડનું લોન્ચિંગ
૪. અધ્યતન GCZMAની વેબસાઇટ સાથે પોર્ટલનું લોન્ચિંગ
૫. ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા GHG એમીશન પોર્ટલનું લોન્ચિંગ
૬. અમદાવાદ તથા ઓલપાડ,સુરત ખાતે બેગ વેન્ડિંગ મશીનનું વર્ચ્યુલ લોકાર્પણ
૭. જીપીસીબીની ભરૂચ, પ્રાદેશિક કચેરીના નવનિર્મીત ભવનનું વર્ચ્યુલ લોકાર્પણ
૮. જીપીસીબીની અમદાવાદ-શહેર પ્રાદેશિક કચેરીના ભવનનું ખાતમુહુર્ત
૯. જીપીસીબીની મોરબી, પ્રાદેશિક કચેરીની એર લેબોરેટરીનું વર્ચ્યુલ લોકાર્પણ
૧૦. હાલોલ ખાતે નવનિર્મીત CETP નું વર્ચ્યુલ લોકાર્પણ
૧૧. ગુજરાત ઓઇલ રીસાઇલીંગ એસોસીએશનના(GORA) વેસ્ટ ઓઇલ કલેક્શન સેન્ટરનું લોકાર્પણ વગેરેનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં “એક પેડ મા કે નામ” અને “વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ કેમ્પેઈન” જેવી જાગરુકતા વધારનારી ફિલ્મો પ્રદર્શિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઔદ્યોગિક કચરાના અસરકારક નિકાલ માટે સીઇટીપી (CETP) અને સુરતમાં તેના મેમ્બર યુનિટ્સ વચ્ચે એમ.ઓ.યુ. (MoU) પર હસ્તાક્ષર સમારોહ પણ આ અંતર્ગત કરવામાં આવશે.
આ કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિશેષ સંબોધન સાથે પૂર્ણ થશે. બપોરે ૨:૦૦ વાગ્યાથી ૪:૦૦ વાગ્યા સુધી ત્રણ ટેક્નિકલ સત્રો યોજાશે:
• પ્લાસ્ટિકના વિકલ્પો, રિસાયક્લિંગ અને સર્ક્યુલર ઇકોનોમી – ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા
• વન અને ક્લાઈમેન્ટ એક્શન – વન વિભાગ દ્વારા
• એન્વાયરન્મેન્ટ સસ્ટેનેબિલિટી માટે શહેરી અને ગ્રામ્ય વિકાસ – UDD અને ગ્રામ્ય વિકાસ વિભાગો દ્વારા
આ કાર્યક્રમ સંબંધિત ક્ષેત્રોના મહત્વપૂર્ણ પોલિસી મેકર્સ, ઇન્ડસ્ટ્રિ એક્સપર્ટ , એન્વાયરન્મેન્ટ એક્સપર્ટ અને સિવિલ સોસાયટીને એકઠા કરીને ગુજરાતના હરિયાળા, સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત ભવિષ્યના કમિટમેન્ટને આગળ વધારવાનો મંચ બની રહેશે.