અમદાવાદ વૈશ્વિક રમતોની તૈયારીમાં, પરંતુ ઔદ્યોગિક સલામતી પર ગંભીર સવાલો
- નરોડા GIDCમાં બ્લાસ્ટ બાદ વટવા GIDCમાં ફરી આગ
- GPCBની પ્રાદેશિક કચેરીની કામગીરી, નિયમોના અમલ અને ફરિયાદોના નિકાલ અંગે ઉઠ્યા પ્રશ્નો
અમદાવાદ આગામી વર્ષોમાં કોમનવેલ્થ ગેમ્સ જેવી વૈશ્વિક રમતગમત સ્પર્ધાઓના આયોજન માટેના પ્રયાસો સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાનું શહેર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. શહેરમાં મોટા પાયે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઈ રહ્યો છે અને વૈશ્વિક ઓળખ મજબૂત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ બીજી તરફ શહેરના નરોડા અને વટવા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં વારંવાર બનતી બ્લાસ્ટ, આગ અને ઔદ્યોગિક દુર્ઘટનાઓ ઔદ્યોગિક સલામતી, પ્રદૂષણ નિયંત્રણ અને નિયમોના અમલ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરી રહી છે.
આવી દુર્ઘટનાઓ માત્ર જાનમાલનું નુકસાન જ કરતી નથી, પરંતુ હવા, પાણી અને પર્યાવરણ પર પણ તેની ગંભીર અસર પડે છે. આવા સંજોગોમાં પ્રશ્ન ઊભો થાય છે કે જોખમી ઉદ્યોગોનું નિયમિત નિરીક્ષણ, ફરિયાદોનો સમયસર નિકાલ, સલામતીના ધોરણોનું પાલન અને પર્યાવરણીય નિયમોના અમલ માટે જવાબદાર તંત્ર પોતાની જવાબદારીઓ કેટલી અસરકારક રીતે નિભાવી રહ્યું છે.
આવી ઔદ્યોગિક દુર્ઘટનાઓ વચ્ચે એ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કે શું રમતગમત ક્ષેત્રે વૈશ્વિક કક્ષાનું શહેર બનવા માટે માત્ર રમતગમતનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ જરૂર છે? શું ઔદ્યોગિક સલામતી, પર્યાવરણનું સંરક્ષણ અને નિયમોના કડક તથા પારદર્શક અમલની વિશ્વસનીય વ્યવસ્થા પણ શું એટલી જ જરૂરી નથી?
- વટવા GIDC ફેઝ-2માં ભીષણ આગ
- અર્પણ એરોમેટિકલ કંપનીમાં આગની ઘટના
- ફાયર બ્રિગેડની 12 ટીમોએ કલાકો સુધી ઓપરેશન ચલાવ્યું
- સવારે 7:20 વાગ્યે આગ સંપૂર્ણ કાબૂમાં
- સદનસીબે કોઈ જાનહાનિ નહીં
- આગનું ચોક્કસ કારણ હજુ અકબંધ
- પોલીસ અને ફાયર વિભાગે તપાસ શરૂ કરી

અમદાવાદના વટવા GIDC ફેઝ-2માં આવેલી અર્પણ એરોમેટિકલ કંપનીમાં રવિવારે રાત્રે ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 12 ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને કલાકો સુધી ચાલેલા ફાયર ફાઇટિંગ ઓપરેશન બાદ સવારે લગભગ 7:20 વાગ્યે આગ સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે થોડા દિવસો અગાઉ નરોડા GIDCમાં થયેલી ગંભીર ઔદ્યોગિક દુર્ઘટનામાં કામદારોના મોત અને લોકો દાઝ્યાની ઘટના સામે આવી હતી. સતત બનતી આવી દુર્ઘટનાઓએ અમદાવાદના ઔદ્યોગિક વિસ્તારોમાં સલામતી વ્યવસ્થાની અસરકારકતા અંગે ફરી ગંભીર ચર્ચા જગાવી છે.
નરોડા GIDCમાં બનેલી દુર્ઘટના બાદ એવી અપેક્ષા હતી કે જોખમી ઉદ્યોગોમાં સલામતીના ધોરણો, ફાયર સેફ્ટી સિસ્ટમ, કેમિકલ સ્ટોરેજ, ઇમરજન્સી તૈયારી અને નિયમિત નિરીક્ષણ વધુ કડક બનાવવામાં આવશે. પરંતુ થોડા જ સમયમાં વટવામાં ફરી આગ લાગવાની ઘટનાએ એવો પ્રશ્ન ઊભો કર્યો છે કે અગાઉની દુર્ઘટનાઓમાંથી ખરેખર કોઈ અસરકારક બોધપાઠ લેવામાં આવ્યો હતો કે નહીં.
જોખમી કેમિકલ, સોલવન્ટ અને અન્ય જ્વલનશીલ પદાર્થો સાથે કામ કરતા ઉદ્યોગોમાં નિયમિત સલામતી ઓડિટ, જોખમનું મૂલ્યાંકન અને તકેદારીના પગલાં અત્યંત જરૂરી માનવામાં આવે છે. તેમ છતાં વારંવાર બનતી ઔદ્યોગિક દુર્ઘટનાઓ દર્શાવે છે કે સલામતીના નિયમોના અમલ અને નિરીક્ષણ વ્યવસ્થાની અસરકારકતા અંગે હજુ ગંભીર પ્રશ્નો યથાવત છે.
ફરિયાદો છતાં અસરકારક કાર્યવાહી કેમ થઈ રહી નથી?
સ્થાનિક લોકો અને પર્યાવરણ સાથે જોડાયેલા કાર્યકરોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી નરોડા GIDC અને વટવા GIDC વિસ્તારમાં પ્રદૂષણ, દુર્ગંધ, સલામતીની ખામીઓ અને જોખમી ઉદ્યોગોને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) સહિત સંબંધિત વિભાગોમાં અનેક ફરિયાદો કરવામાં આવી છે. તેમ છતાં આગ અને અન્ય ઔદ્યોગિક દુર્ઘટનાઓની પુનરાવર્તિત ઘટનાઓને કારણે લોકોમાં એવી લાગણી છે કે ફરિયાદોના સમયસર નિકાલ અને નિયમોના અમલમાં હજુ પણ ગંભીર ખામીઓ છે. જો જોખમી ઉદ્યોગોનું નિયમિત નિરીક્ષણ, ફરિયાદોનો સમયસર નિકાલ, પર્યાવરણીય નિયમોનું પાલન અને જરૂરી કાનૂની કાર્યવાહી અંગે GPCBની પ્રાદેશિક કચેરી પોતાની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવે તો છાશવારે બનતા ઔદ્યોગિક અકસ્માતોમાં ઘટાડો આવી શકે છે.
ઉપરાંત, જોખમી ઉદ્યોગોને લગતા વિવિધ ન્યાયિક આદેશો, NGTના નિર્દેશો અને અન્ય કાનૂની માર્ગદર્શિકાઓના અસરકારક અમલ અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકો અને પર્યાવરણ સાથે જોડાયેલા કાર્યકરોનું કહેવું છે કે જો નિયમિત નિરીક્ષણ, અનુપાલનની ચકાસણી અને ફરિયાદોના સમયસર નિકાલની પ્રક્રિયા અસરકારક રીતે અમલમાં મૂકાતી હોય, તો વારંવાર બનતી આવી દુર્ઘટનાઓને મહદઅંશે રોકી શકાય છે.
નિયમિત સલામતી ઓડિટ, ફાયર સેફ્ટી સિસ્ટમની સ્વતંત્ર ચકાસણી, જોખમી એકમોનું સમયાંતરે નિરીક્ષણ, ફરિયાદો પર સમયબદ્ધ કાર્યવાહી અને જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવા જેવા મુદ્દાઓ પર વધુ કડક અમલ કરવાની માંગ પણ ઉઠી રહી છે.











