કરોડોના દંડ છતાં કોઈ બોધપાઠ નહીં: નરોડા GIDCમાં ભીષણ બ્લાસ્ટ, 1નું મોત, 3 ગંભીર – GPCBની દેખરેખ અને ઔદ્યોગિક સલામતી સામે ફરી સવાલો

  • GPCBની નબળી મોનિટરિંગ સિસ્ટમ: રહેણાંક અને નરોડા ઔદ્યોગિક વિસ્તારોની વચ્ચે ધમધમતા જોખમી પ્લાન્ટ્સ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે, છતાં જીપીસીબી પ્રાદેશિક કચેરીની આંખ આડા કાનની નીતિ
  • નિયમિત સેફ્ટી ઓડિટ કરવામાં આવતું હતું કે નહીં, તેની તપાસ થવી અત્યંત જરૂરી
  • દુર્ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે માત્ર દસ્તાવેજી પાલન પૂરતું નથી; સલામતી વ્યવસ્થાઓનો જમીન સ્તરે કડક અને સતત અમલ વધુ મહત્વનો છે
  • જવાબદાર કંપની સંચાલકો તેમજ નિયમોના અમલમાં નિષ્ફળ રહેલા સંબંધિત અધિકારીઓ સામે કડક અને દાખલારૂપ કાર્યવાહીની ઉઠી રહી છે માંગ

અમદાવાદ: શહેરના નરોડા GIDC ફેઝ-૩ વિસ્તારમાં આવેલી એમએસએન (MSN) ઇન્ટરમિડિયેટ પ્રાઇવેટ લિમિટેડમાં શુક્રવારે બપોરે સર્જાયેલી ભીષણ ઔદ્યોગિક દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, સોલવન્ટ સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતી ટાંકીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ હાઇડ્રોજન સ્ટોરેજમાં આગ ફાટી નીકળતાં સમગ્ર ફેક્ટરી પરિસર આગની લપેટમાં આવી ગયું હતું. ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક માહિતી મુજબ બપોરે આશરે 12:15થી 12:30 વાગ્યાના અરસામાં કંપનીમાં નિયમિત કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક સોલવન્ટ ટાંકીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે તેનો ધડાકો દૂર સુધી સંભળાયો હતો અને આસપાસની અનેક ફેક્ટરીઓમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટ બાદ આગ પલભરમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસિસની 11 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગને સાડા ત્રણ કલાકથી વધુ સમય સુધી સતત કામગીરી કરવી પડી હતી. બપોરે શરૂ થયેલું રેસ્ક્યૂ અને ફાયર ફાઇટિંગ ઓપરેશન સાંજે લગભગ 4 વાગ્યા સુધી ચાલ્યું હતું.

ફાયર અધિકારીઓના જણાવ્યા મુજબ આગને નજીકની અન્ય કેમિકલ યુનિટોમાં ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. જો આગ અન્ય જોખમી એકમોમાં ફેલાઈ હોત તો જાનમાલનું નુકસાન અનેકગણું વધી શક્યું હોત.

દુર્ઘટના બાદ અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. સોલવન્ટ અને હાઇડ્રોજન જેવા અત્યંત જ્વલનશીલ પદાર્થો સાથે કામ કરતી કંપનીમાં પૂરતી સલામતી વ્યવસ્થા હતી કે નહીં? ગેસ ડિટેક્શન સિસ્ટમ, ઓટોમેટિક ફાયર સપ્રેશન સિસ્ટમ, ઇમરજન્સી શટડાઉન અને જોખમ નિયંત્રણ માટેની અન્ય વ્યવસ્થાઓ કાર્યરત હતી કે નહીં? નિયમિત સેફ્ટી ઓડિટ કરવામાં આવતું હતું કે નહીં?

ઔદ્યોગિક સલામતી નિષ્ણાતોના મતે આવા જોખમી રસાયણો સાથે કામ કરતી એકમોમાં પ્રોસેસ સેફ્ટી મેનેજમેન્ટની નાની ખામી પણ વિનાશક પરિણામો સર્જી શકે છે. તેથી હવે તપાસમાં માત્ર બ્લાસ્ટનું કારણ જ નહીં, પરંતુ સમગ્ર સલામતી માળખાની પણ ઊંડાણપૂર્વક ચકાસણી થવી જરૂરી બની છે.

ખાસ નોંધનીય બાબત એ છે કે માનનીય નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના 29 મે, 2024ના આદેશ બાદ GPCBએ 30 સપ્ટેમ્બર, 2024ના રોજ એક ઓફિસ ઓર્ડર બહાર પાડી જોખમી રસાયણો સાથે કામ કરતી અને MSIHC Rules, 1989 હેઠળ આવતી તમામ એકમો પાસેથી CTE, CTO અથવા CCA આપતી તથા રિન્યૂ કરતી વખતે ઓન-સાઇટ ઇમર્જન્સી પ્લાન, સેફ્ટી રીપોર્ટ અને સેફ્ટી ઓડિટ રીપોર્ટ ફરજિયાત રીતે મેળવવાનો નિર્દેશ આપ્યો હતો.

આ આદેશનો મુખ્ય હેતુ જોખમી રસાયણો સાથે સંકળાયેલી એકમોમાં આપત્તિ વ્યવસ્થાપન, સલામતી મૂલ્યાંકન અને જોખમ નિયંત્રણને વધુ મજબૂત બનાવવાનો હતો. જોકે નરોડા GIDCમાં થયેલી આ દુર્ઘટના બાદ હવે સવાલ ઊભો થયો છે કે સંબંધિત કંપની દ્વારા આવા તમામ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા કે નહીં? જો રજૂ કરવામાં આવ્યા હતા તો તેમાં દર્શાવાયેલી સલામતી ભલામણોનો વાસ્તવિક અમલ કરવામાં આવ્યો હતો કે નહીં? અને GPCBની પ્રાદેશિક કચેરી દ્વારા તેની અસરકારક ચકાસણી કરવામાં આવી હતી કે નહીં?

આ દુર્ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે માત્ર દસ્તાવેજી પાલન પૂરતું નથી; સલામતી વ્યવસ્થાઓનો જમીન સ્તરે કડક અને સતત અમલ વધુ મહત્વનો છે. તેથી હવે તપાસનો વ્યાપ માત્ર બ્લાસ્ટના કારણો પૂરતો નહીં, પરંતુ સલામતી ઓડિટ, ઇમરજન્સી પ્લાન અને નિયમનકારી દેખરેખના અમલ સુધી પણ પહોંચવો જરૂરી બની ગયો છે.

આ દુર્ઘટનાએ ફરી એકવાર નરોડા GIDCના ઔદ્યોગિક અને પર્યાવરણીય સંચાલન સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં નરોડા વિસ્તાર પ્રદૂષણ, ગંદા પાણીના નિકાલ, દુર્ગંધ અને પર્યાવરણીય નિયમોના ભંગ જેવા મુદ્દાઓને કારણે વારંવાર ચર્ચામાં રહ્યો છે. પર્યાવરણીય ઉલ્લંઘનો બદલ કરોડો રૂપિયાના દંડ અને કાર્યવાહી થયા હોવા છતાં આવી દુર્ઘટનાઓ અટકતી ન હોવાના કારણે તંત્રની કાર્યક્ષમતા સામે પ્રશ્નો ઊભા થયા છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે ઘણા ઉદ્યોગો હજુ પણ ખર્ચ બચાવવા માટે સલામતી અને પર્યાવરણીય નિયમોનું સંપૂર્ણ પાલન કરતા નથી. પરિણામે અકસ્માતોનું જોખમ સતત યથાવત્ રહે છે અને તેની સીધી અસર કામદારો તેમજ આસપાસ વસતા હજારો નાગરિકો પર પડે છે.

ઘટના બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ની પ્રાદેશિક કચેરીની કામગીરી પણ ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સ્થાનિકો અને પર્યાવરણ કાર્યકરો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો નિયમિત નિરીક્ષણ, અનુપાલન ચકાસણી અને અસરકારક દેખરેખ રાખવામાં આવી હોત તો શું આવી ઘટના અટકાવી શકાય તેમ નહોતી?

જોખમી રસાયણો સાથે કામ કરતી એકમોમાં સલામતી અને પર્યાવરણીય ધોરણોનું પાલન સુનિશ્ચિત કરાવવાની જવાબદારી માત્ર ઉદ્યોગોની જ નહીં, પરંતુ દેખરેખ રાખતી સંબંધિત એજન્સીઓની પણ હોય છે. તેથી હવે તપાસનો વ્યાપ માત્ર અકસ્માતના કારણો સુધી મર્યાદિત ન રહી સમગ્ર નિયમનકારી માળખા સુધી પહોંચે તેવી માંગ ઉઠી રહી છે.

નરોડા GIDCની આસપાસ વસતા રહેવાસીઓ લાંબા સમયથી કેમિકલની દુર્ગંધ, હાનિકારક વાયુઓના ઉત્સર્જન અને ગંદા પાણીના નિકાલ અંગે ફરિયાદો કરતા આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક રજૂઆતો છતાં સમસ્યાઓનું કાયમી નિરાકરણ આવ્યું નથી.

આ દુર્ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જ્યાં રોજ જોખમી રસાયણોનું સંચાલન થતું હોય ત્યાં સલામતી અને દેખરેખના ધોરણો અત્યંત કડક હોવા જોઈએ, પરંતુ વાસ્તવિક સ્થિતિ તેના વિપરીત દેખાઈ રહી છે.

હાલમાં FSL, DISH અને અન્ય સંબંધિત વિભાગોએ ઘટનાની તપાસ શરૂ કરી છે. વિસ્ફોટનું ચોક્કસ કારણ, સલામતી વ્યવસ્થાઓની સ્થિતિ અને જવાબદારી નક્કી કરવા માટે વિવિધ એજન્સીઓ દ્વારા પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

પરંતુ એક વ્યક્તિનું મોત અને ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા પછી હવે માત્ર તપાસ પૂરતી નથી. જો બેદરકારી સાબિત થાય તો જવાબદાર કંપની સંચાલકો તેમજ નિયમોના અમલમાં નિષ્ફળ રહેલા સંબંધિત અધિકારીઓ સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.

કારણ કે દરેક અકસ્માત પછી માત્ર કારણો શોધવાથી સમસ્યાનું સમાધાન થતું નથી. જવાબદારી નક્કી થાય, કાયદાનો કડક અમલ થાય અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે ત્યારે જ આવી દુર્ઘટનાઓને અસરકારક રીતે અટકાવી શકાય છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news