પ્રદૂષણ મામલે NGTની કાર્યવાહી તેજ: વધુ બે ઉદ્યોગોને નોટિસ, GIDC પર પણ સખત વલણ


  • વધુ બે ઉદ્યોગોને પ્રતિવાદી બનાવવાનો આદેશ, GIDCને કડક ટકોર
  • NGT હવે માત્ર કાગળ પરના જવાબોથી સંતોષ માનવા તૈયાર નથી
  • Bhavin Intermediates અને Shavakashi Industries હવે કેસમાં પ્રતિવાદી

દિલ્હીઃ પુણે સ્થિત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ની પશ્ચિમ ઝોન બેન્ચે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) તથા અન્ય ઉદ્યોગો સામે ચાલી રહેલા પ્રદૂષણ સંબંધિત કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. 15 જૂન 2026ના રોજ થયેલી સુનાવણી દરમિયાન ટ્રિબ્યુનલે કેસમાં વધુ બે ઔદ્યોગિક એકમોને પ્રતિવાદી તરીકે જોડવાની મંજૂરી આપી છે. સાથે જ, અરજદારને એક અઠવાડિયાની અંદર પક્ષકારોના મેમોની સુધારેલી નકલ ફાઇલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ સમગ્ર કેસ શું છે તેના પર નજર કરીએ તો, આ કેસમાં અરજદાર આદિત્યસિંહ ચૌહાણ દ્વારા દાખલ કરવામાં આવેલી મૂળ અરજી (Original Application No.128/2025)માં સાયખા જીઆઈડીસીમાં થતાં ઔદ્યોગિક પ્રદૂષણ, ગંદા પાણીના નિકાલ અને પર્યાવરણને થતી અસર અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. કેસમાં GPCB, CPCB, GIDC તથા અનેક ઉદ્યોગો પક્ષકાર તરીકે સામેલ છે.

વધુ બે કંપનીઓને પ્રતિવાદી બનાવવા આવી હોવાની બાબતે વાત કરીએ તો, સુનાવણી દરમિયાન અરજદારે સાયખા જીઆઈડીસીની મેસર્સ ભાવિન ઇન્ટરમીડિએટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને મેસર્સ શાવાકાશી ઇન્ડસ્ટ્રીઝ એલએલપીને કેસમાં સામેલ કરવાની માંગણી કરી હતી. NGTએ આ અરજી સ્વીકારીને બંને કંપનીઓને અનુક્રમે પ્રતિવાદી નં. 11 અને 12 તરીકે જોડવાનો આદેશ આપ્યો. ટ્રિબ્યુનલે રજિસ્ટ્રીને આ બંને કંપનીઓને નોટિસ મોકલવા અને ચાર અઠવાડિયામાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે.

સુનાવણી દરમિયાન GPCB તરફથી અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જોકે GPCBએ વધુ વિગતવાર જવાબ રજૂ કરવા માટે વધારાનો સમય માંગ્યો હતો, જેને ટ્રિબ્યુનલે મંજૂરી આપી હતી.

આ ઉપરાંત, અન્ય કેટલાંક સામેલ ઉદ્યોગોને જવાબ આપવા આદેશ પણ કરવામાં આવ્યો હતો, જેમાં સેજલ કેમ ઇન્ડસ્ટ્રીઝ, શ્લોકા ડાયઝ પ્રાઇવેટ લિમિટેડ, હોર્બોક્ષ મેડિસિન્સ અને સ્કાય ઇન્ટરમીડિએટ્સ સહિત અનેક ઉદ્યોગોએ પોતાના જવાબ અથવા એફિડેવિટ રજૂ કર્યા છે અથવા રજૂ કરવાની ખાતરી આપી છે. અરજદારને તેમના જવાબો સામે રિજોઇન્ડર દાખલ કરવા માટે સમય આપવામાં આવ્યો છે.

GIDC સામે પણ NGT દ્વારા કડક નોંધ લેવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સૌથી ગંભીર મુદ્દો GIDCની ગેરહાજરી રહ્યો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) તરફથી કોઈ પ્રતિનિધિ હાજર ન હોવાથી NGTએ કડક વલણ અપનાવ્યું. ટ્રિબ્યુનલે પોતાના રજિસ્ટ્રારને GIDCના ચેરમેનને પત્ર લખવાનો આદેશ આપ્યો છે. આ પત્રમાં આગામી સુનાવણી દરમિયાન GIDCના અધિકારી હાજર રહે અને બે અઠવાડિયામાં જવાબ રજૂ કરે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી.

તો બીજી તરફ, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય (MoEF&CC )ની પણ ગેરહાજરી જોવા મળી હતી. કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય (MoEF&CC) તરફથી પણ પૂરતી નોટિસ હોવા છતાં કોઈ પ્રતિનિધિ હાજર રહ્યાં ન હતા. ટ્રિબ્યુનલે આ બાબતની પણ નોંધ લીધી છે.

NGTએ આ કેસની આગામી સુનાવણી 31 જુલાઈ 2026ના રોજ નક્કી કરી છે. તે સમય સુધી તમામ પક્ષકારોએ પોતાના જવાબો અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.

જોકે, કેટલાંક પ્રશ્નો હજુ યથાવત જોવા મળી રહ્યા છે. આ સમગ્ર મામલો માત્ર કાયદાકીય કાર્યવાહી પૂરતો મર્યાદિત નથી. પ્રશ્ન એ છે કે ઔદ્યોગિક વિસ્તારોમાં ઉત્પન્ન થતા પ્રદૂષણ માટે જવાબદાર કોણ છે? નિયમનકારી સંસ્થાઓ પોતાની જવાબદારી નિભાવી રહી છે કે નહીં? અને પર્યાવરણ તથા સ્થાનિક રહેવાસીઓના આરોગ્યના રક્ષણ માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા છે કે નહીં?

NGTની આ કાર્યવાહી દર્શાવે છે કે ટ્રિબ્યુનલ હવે માત્ર કાગળ પરના જવાબોથી સંતોષ માનવા તૈયાર નથી. સંબંધિત ઉદ્યોગો, GPCB, GIDC અને અન્ય સરકારી એજન્સીઓ પાસેથી જવાબદારી નક્કી કરવા માટે વધુ કડક અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news