ઔદ્યોગિક અકસ્માત મૃત્યુ આંક સંદર્ભે ગુજરાત સતત ત્રીજા વર્ષે પણ ટોચ પર, ઔદ્યોગિક સલામતીના નિયમોનું કડક પાલન ક્યારે?
ગુજરાતના ઉદ્યોગોમાં સલામતીનો સવાલ, વિકાસની દોડમાં કામદારોના જીવ કેટલા સુરક્ષિત?
NCRBના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં ઔદ્યોગિક સલામતીને ખર્ચ તરીકે નહી, પરંતુ ઉદ્યોગોની એક સૌથી મહત્વપૂર્ણ જવાબદારી હોવી જોઈએ
દેશના સૌથી મોટા ઔદ્યોગિક રાજ્યોમાં સ્થાન ધરાવતા ગુજરાતમાં ઔદ્યોગિક સલામતી બાબતે ચિંતાજનક સ્થિતિ
ગુજરાત આજે દેશના ઔદ્યોગિક વિકાસનું એન્જિન ગણાય છે. દહેજ, અંકલેશ્વર, વાપી, હજીરા, જામનગર, મોરબી અને અમદાવાદ જેવા ઔદ્યોગિક ક્લસ્ટરો ભારતના ઉત્પાદન, નિકાસ અને રોકાણમાં અગ્રણી ભૂમિકા ભજવે છે. આ ઉદ્યોગો લાખો લોકોને રોજગાર આપે તો છે જ સાથેસાથે, રાજ્યની અર્થવ્યવસ્થા માટે કરોડો રૂપિયાની સંપત્તિનું સર્જન પણ કરે છે. પરંતુ વિકાસની આ ચમક પાછળ એક કડવી વાસ્તવિકતા પણ છુપાયેલી છે અને તે છે ઇન્ડસ્ટ્રિયલ એક્સિડેન્ટ્સ એટલે કે ઔદ્યોગિક અકસ્માતો, કામદારોના મૃત્યુ અને સલામતીના નિયમોના અમલ અંગે ઊભા થતા ગંભીર પ્રશ્નો.
જેમ આપણે જાણીએ છીએ તેમ, દર વર્ષે ફેક્ટરી આગ, કેમિકલ લીકેજ, બોઇલર વિસ્ફોટ, રિએક્ટર બ્લાસ્ટ અને ઝેરી વાયુઓના સંપર્કથી અનેક કામદારો જીવ ગુમાવે છે અથવા ગંભીર રીતે ઘાયલ થાય છે. ઘણી વખત આવા અકસ્માતો એટલા ગંભીર બની જતા હોય છે કે ફેક્ટરીની અંદર જ નહીં, પરંતુ આસપાસના ગામો અને રહેણાંક વિસ્તારો સુધી ફેલાતા હોય છે અને લોકોના જીવને પણ જોખમમાં મૂકતા હોય છે.
આ પ્રકારના ઔદ્યોગિક અકસ્માતોને લઇને NCRB દ્વારા પ્રસિદ્ધ આંકડા સામે આવ્યા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ક્રાઇમ ઈન ઈન્ડિયા 2024 અને એકિસડેન્ટલ ડેથ્સ & સુસાઇડ્સ ઈન ઈન્ડિયા (ADSI) 2024 અહેવાલો દર્શાવે છે કે અકસ્માતજન્ય મૃત્યુ હજુ પણ દેશ માટે ગંભીર ચિંતાનો વિષય છે.
NCRBના આંકડા પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2022માં 110 ઔદ્યોગિક અકસ્માતોમાં 121 મૃત્યુ અને વર્ષ 2023માં 112 ઔદ્યોગિક અકસ્માતોમાં 114નો મૃત્યુ આંક નોંધાયો હતો. ફેક્ટરી અકસ્માતોમાં મૃત્યુના સંબંધમાં ગુજરાત ટોચના પાંચ રાજ્યોમાં સ્થાન ધરાવે છે. 2024માં 116 ઔદ્યોગિક અકસ્માતોમાં નોંધાયેલા મૃત્યુની બાબતે દેશમાં સૌથી વધુ, સતત ત્રીજા વર્ષે ગુજરાત 121 મૃત્યુ સાથે ટોચ પર છે, ત્યારબાદ રાજસ્થાન 95, મહારાષ્ટ્ર 87, મધ્યપ્રદેશન 70 અને છત્તીસગઢ 52નો મૃત્યુ આંક ધરાવે છે.
અલબત્ત, ગુજરાત સતત દેશના સૌથી મોટા ઔદ્યોગિક રાજ્યોમાં સ્થાન ધરાવે છે. પરંતુ સલામતીના મોરચે ચિંતાજનક સ્થિતિ પણ સામે આવી રહી છે. વિવિધ સરકારી આંકડા અને વિધાનસભામાં રજૂ થયેલી માહિતી મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં સેંકડો ઔદ્યોગિક અકસ્માતો નોંધાયા છે અને અનેક કામદારોના જીવ ગયા છે.
સલામતી નિષ્ણાતોનું માનવું છે કે વાસ્તવિક આંકડો નોંધાયેલા આંકડાઓ કરતાં વધુ હોઈ શકે છે, કારણ કે નાના અકસ્માતો અથવા કોન્ટ્રાક્ટ મજૂરો સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓ હંમેશા સત્તાવાર રેકોર્ડમાં આવતી નથી.
અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કે કેમિકલ કેપિટલ ગણાતું ગુજરાત આ સંદર્ભે કેટલું સુરક્ષિત છે? ગુજરાતને દેશની “કેમિકલ કેપિટલ” તરીકે ઓળખવામાં આવે છે. દહેજ PCPIR, અંકલેશ્વર GIDC, વાપી GIDC, હજીરા અને જામનગર જેવા વિસ્તારોમાં હજારો ટન જોખમી રસાયણોનું ઉત્પાદન, સંગ્રહ અને પરિવહન થાય છે. આ વિસ્તારોમાં કામ કરતા લાખો શ્રમિકો રોજિંદા ધોરણે ઊંચા જોખમ વચ્ચે પોતાની ફરજ બજાવે છે.
છેલ્લાં કેટલાક વર્ષોમાં ગુજરાતમાં થયેલી મુખ્ય ઘટનાઓમાં કેમિકલ રિએક્ટર બ્લાસ્ટ, બોઇલર વિસ્ફોટ, ઝેરી ગેસ લીકેજ, કેમિકલ પ્લાન્ટ આગ, ટાંકી અને ગટરમાં ગૂંગળાઈ જવાના બનાવો, જોખમી રસાયણોના સંપર્કથી મૃત્યુ સહિતના અનેક પરિબળો શામેલ છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે આવા મોટા ભાગના અકસ્માતો ટેકનિકલ ખામી કરતાં વધુ માનવ ભૂલ, જાળવણીના અભાવ અને સલામતી પ્રત્યેની બેદરકારી સાથે જોડાયેલા હોય છે. ત્યારે પ્રશ્ન ઉપસ્થિ થાય કે સૌથી વધુ જોખમમાં કોણ છે? તો ઔદ્યોગિક સલામતી ક્ષેત્રના નિષ્ણાતો મુજબ સૌથી વધુ જોખમ કોન્ટ્રાક્ટ અને દૈનિક વેતનધારી મજૂરોને રહે છે. કારણ કે, ઘણી વખત આવા કામદારોને પૂરતી સલામતી તાલીમ મળતી હોતી નથી, પીપીઇ (Personal Protective Equipment) કીટ ઉપલબ્ધ હોતી નથી, જોખમી કામગીરી માટે યોગ્ય માર્ગદર્શન મળતું હોતું નથી, ઇમરજન્સી ડ્રિલ્સમાં સામેલ કરવામાં આવતા નથી, લાંબા કલાકો સુધી જોખમી વાતાવરણમાં કામ કરવું પડતું હોય છે.
આ ઉપરાંત અન્ય પાસા ઉપર નજર કરીએ તો NCRBના સામાજિક-આર્થિક આંકડાઓ પણ દર્શાવે છે કે દૈનિક વેતનધારી વર્ગ સૌથી વધુ અસુરક્ષિત વર્ગોમાંનો એક છે.
ભારતમાં Factories Act, Environment Protection Act, MSIHC Rules, Chemical Accident Rules સહિત અનેક કાયદાઓ અમલમાં છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ કાયદાઓનો અમલ કેટલો અસરકારક છે? સલામતી નિષ્ણાતો જણાવે છે કે, સલામતી ઓડિટ ઘણી વખત કાગળ પૂરતી મર્યાદિત રહે છે, જોખમ મૂલ્યાંકન નિયમિત થતું નથી, અકસ્માત પછી જ કાર્યવાહી શરૂ થાય છે, જવાબદારી નક્કી કરવામાં વિલંબ થાય છે, સલામતી ભંગ બદલના દંડ પૂરતા કડક નથી.
ભારત રસાયણ કેસ પછી મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ઔદ્યોગિક સલામતી અંગે એક મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે ભરૂચ સ્થિત ભારત રસાયણ લિમિટેડમાં થયેલી દુર્ઘટના સંબંધિત કેસ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) સમક્ષ પહોંચ્યો. આ કેસમાં પર્યાવરણ અને ઔદ્યોગિક સલામતી સંબંધિત ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા.

NGTએ 29 મે 2024ના રોજ મહત્વપૂર્ણ આદેશ આપીને રાજ્યની નિયમનકારી એજન્સીઓને વધુ સતર્ક રહેવા સૂચના આપી. આ આદેશના અનુસંધાને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) એ 30 સપ્ટેમ્બર 2024ના રોજ સમગ્ર રાજ્ય માટે એક મહત્વપૂર્ણ ઓફિસ ઓર્ડર બહાર પાડ્યો હતો.
આ આદેશ મુજબ હવે જોખમી રસાયણોનું ઉત્પાદન, સંગ્રહ અથવા ઉપયોગ કરતી અને MSIHC Rules, 1989 હેઠળ આવતી એકમો પાસેથી જે દસ્તાવેજો ફરજિયાત માંગવામાં આવશે તેમાં, ફરજિયાત સલામતી દસ્તાવેજોમાં ઓન-સાઇટ ઇમર્જન્સી પ્લાન, સેફ્ટી રીપોર્ટ અને સેફ્ટી ઓડિટ રીપોર્ટનો સમાવેશ થાય છે.
GPCBએ સ્પષ્ટ કર્યું છે કે કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ (CTE), કન્સેન્ટ ટુ ઓપરેટ (CTO) અથવા તેના રિન્યુઅલ પહેલાં આ દસ્તાવેજોની ચકાસણી કરવી ફરજિયાત રહેશે. આ પગલાને પર્યાવરણ અને સલામતી ક્ષેત્રના નિષ્ણાતો ગુજરાત માટે ઔદ્યોગિક સલામતીના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સુધારા તરીકે જુએ છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે મોટા ભાગના ઔદ્યોગિક અકસ્માતો અચાનક બનતા નથી. તેની પાછળ લાંબા સમયથી ચાલતી ખામીઓ જવાબદાર હોય છે. ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્ય માટે સલામતીને વિકાસના કેન્દ્રમાં લાવવી જરૂરી બની ગઈ છે. તે માટે જે પગલાં તાત્કાલિક જરૂરી માનવામાં આવે છે, જેમાં સ્વતંત્ર તૃતીય પક્ષ સલામતી ઓડિટ, અકસ્માતોની ફરજિયાત જાહેર રિપોર્ટિંગ, કોન્ટ્રાક્ટ મજૂરો માટે પ્રમાણિત સલામતી તાલીમ, આધુનિક ગેસ ડિટેક્શન અને એલાર્મ સિસ્ટમ, PPEના ઉપયોગનું કડક પાલન, દરેક GIDCમાં ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, સલામતી ઓડિટ રિપોર્ટ જાહેર કરવાની વ્યવસ્થા, NGT અને GPCBના આદેશોના કડક અમલની દેખરેખ જેવા પાસાઓનો સમાવેશ થાય છે.
જ્યારે ફેક્ટરીના ગેટમાંથી સવારે અંદર પ્રવેશતો દરેક શ્રમિક સાંજે સુરક્ષિત રીતે પોતાના પરિવાર પાસે પરત ફરી શકે ત્યારે સર્વાંગી વિકાસ સાર્થક બને છે. વિકાસનો સાચો અર્થ માત્ર ઉત્પાદન, નિકાસ અને રોકાણના આંકડાઓમાં ન શોધવો જોઈએ.
GPCBનો તાજેતરનો આદેશ અને NGTની દખલ દર્શાવે છે કે સલામતી હવે માત્ર ઔપચારિકતા નથી રહી. હવે પ્રશ્ન એ છે કે આ નિયમો કાગળ સુધી મર્યાદિત રહેશે કે ખરેખર ફેક્ટરીના દરવાજા સુધી પહોંચશે?
File Photo











