અંકલેશ્વર GIDCમાં પર્યાવરણીય પ્રદૂષણની ગંભીર સ્થિતિ, સ્થાનિક જીપીસીબીનું મૌન આણી શકે છે ગંભીર પરિણામ

  • કેમિકલયુક્ત કાળા પાણી, ગેરકાયદેસર ઇફ્લ્યુએન્ટ ટેન્કરો અને ગેસ લીકેજની ઘટનાઓ વચ્ચે ભયના ઓથાર હેઠળ જીવતા સ્થાનિકો
  • ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા ખુલ્લા ડ્રેનેજ અને વરસાદી પાણીની નાળીઓમાં વહી રહ્યું છે કાળા રંગનું કેમિકલયુક્ત પાણી

 

ભરૂચઃ અંકલેશ્વર GIDC વિસ્તારમાં પર્યાવરણીય પ્રદૂષણનો મુદ્દો ફરી ગંભીર બન્યો છે. ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા ખુલ્લા ડ્રેનેજ અને વરસાદી પાણીની નાળીઓમાં કાળા રંગનું કેમિકલયુક્ત પાણી વહેતું જોવા મળતા સ્થાનિકોમાં ભારે ચિંતા અને રોષ ફેલાયો છે.

પર્યાવરણ ટુડેની ટીમે હાલમાં જ અંકલેશ્વર જીઆઈડીસીની મુલાકાત લીધી ત્યારે જે પર્યાવરણની દયનીય સ્થિતિ જોવા મળી તે જોતા એ પ્રશ્ન ઉપસ્થિત થાય કે આ મૌન બનીને બેઠેલા સ્થાનિક જીપીસીબીના અધિકારીઓની દેન તો નથી ને? સ્થળ પરથી પ્રાપ્ત થયેલા દ્રશ્યોમાં ડ્રેનેજમાં ગાઢ કાળુ પ્રવાહી, તેલ જેવી પરત અને પ્રદૂષિત પાણીનો સતત પ્રવાહ જોવા મળે છે, જે ઔદ્યોગિક ઇફ્લ્યુએન્ટના ગેરરીતિપૂર્વકના નિકાલ તરફ સંકેત કરે છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. અહીં જો આવી જ સ્થિતિ જોવા મળી તો અહીં ફેલાઇ રહેલા બેફામ પ્રદૂષણને પગલે ગંભીર પરિણામો ભોગવવા સ્થાનિકોએ પોતાને સજ્જ કરી લેવા જોઈએ, કારણ કે જેના ઉપર તેઓ ભરોસો રાખીને બેઠા છે તે અધિકારીઓ તો મૌન ધારણ કરી બેસી ગયા છે.

બોલતા પૂરાવાઓઃ

 

અંકલેશ્વર GIDC વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગેરકાયદેસર ઇફ્લ્યુએન્ટ ટેન્કરો ઝડપાવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કેટલાક ટેન્કરોમાંથી બિનઅનુમતિ પ્રાપ્ત રીતે કેમિકલ વેસ્ટ અને ઔદ્યોગિક ઇફ્લ્યુએન્ટના ગેરકાયદેસર નિકાલના મામલાઓ પ્રકાશમાં આવ્યા હતા. તેમ છતાં, સ્થાનિકોમાં એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આવી કાર્યવાહી છતાં પ્રદૂષણની સમસ્યા કેમ યથાવત છે?

આ ઉપરાંત, વિસ્તારમાં સમયાંતરે બનતી જોખમી-ઝેરી ગેસ લિકેજ જેવી ઘટનાઓએ પણ ઔદ્યોગિક સલામતી વ્યવસ્થાઓ ઉપર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ગેસ લીકેજની કેટલીક ઘટનાઓમાં કામદારો અને આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોવાના આક્ષેપો થયા હતા.

પર્યાવરણ નિષ્ણાતોનું માનવું છે કે ખુલ્લા ડ્રેનેજમાં વહેતા રસાયણિક પ્રવાહથી ભૂગર્ભ જળ, જમીન અને આસપાસના પર્યાવરણ ઉપર લાંબા ગાળે ગંભીર અસર પડી શકે છે. સાથે જ ઝેરી વાયુઓ અને પ્રદૂષિત પાણી માનવ આરોગ્ય માટે પણ મોટું જોખમ બની શકે છે.

સ્થાનિક નાગરિકો અને સામાજિક સંસ્થાઓએ સંબંધિત સત્તાધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. લોકો દ્વારા CETP સિસ્ટમ, ઓનલાઈન મોનીટરિંગ, SCADA ડેટા, ઇફ્લ્યુએન્ટ ડિસ્ચાર્જ નેટવર્ક અને જોખમી કચરા પરિવહનની કડક તપાસ કરવાની માંગ ઉઠી રહી છે.

દેશના અગ્રણી ઔદ્યોગિક હબ તરીકે ઓળખાતા અંકલેશ્વર GIDCમાં વારંવાર સામે આવતા પ્રદૂષણ, ગેરકાયદેસર ઇફ્લ્યુએન્ટ નિકાલ અને ગેસ લીકેજના બનાવો હવે પર્યાવરણ સુરક્ષા અને જાહેર આરોગ્ય માટે ગંભીર ચેતવણીરૂપ બની રહ્યા છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news