મુંબઈના ગોરોગાંવમાં ઈમારતમાં લાગેલી આગમાં સાત લોકોના મોત, 39 ઘાયલ

મુંબઈ:  શુક્રવારે વહેલી સવારે મુંબઈના ગોરેગાંવમાં આવેલી એક ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં સાત જેટલા લોકો દાઝી જવાથી મૃત્યુ થયા હતા અને 39 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી છે.  ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આઝાદ મેદાન નજીક એમજી રોડ પર આવેલી જય ભવાની બિલ્ડીંગમાં સવારે 3 વાગ્યે આગ ફાટી નીકળી હતી, જેના પરિણામે સાત લોકોના મોત થયા હતા અને 39 લોકો ઘાયલ થયા હતા.

મુંબઈ પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં આગમાં ઘાયલ થયેલા કુલ 46 લોકોમાંથી સાતના મોત થયા છે અને 39 લોકોને એચબીટી અને કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  સૂત્રોના જણાવ્યા મુજબ, ભીષણ આગમાં દુકાનો, ભંગારની સામગ્રી, પાર્ક કરેલા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર, મીટર કેબિન, રેંગ્સ, પ્લાયવુડ અને અન્ય સામગ્રી બળીને રાખ થઈ ગઈ હતી. ફાયર વિભાગે સવારે 6.54 કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.