સુરતની પાંડેસરા જીઆઈડીસીમાંથી ફેલાતુ પ્રદૂષણ આરોગ્ય માટે જોખમકારક, શા માટે જીપીસીબી દ્વારા નથી કરાઇ રહી કાર્યવાહી?

હાલ વિશ્વમાં સૌથી મોટો અને ચર્ચાસ્પદ કિસ્સો હોય તો તે છે આબોહવા પરિવર્તન. આબોહવા પરિવર્તન કે જેને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે પણ ઓળખીએ છીએ તેને નિયંત્રણમાં લેવા માટે હાલ અનેક દેશો દ્વારા જરૂરી પગલા લેવામાં આવી રહ્યાં છે. જોકે ગુજરાતમાં પણ એવી કેટલાક જીઆઇડીસી વિસ્તાર છે, જેમાંથી ફેલાતુ પ્રદૂષણ તમામ જીવસૃષ્ટિ સામે જોખમકારક છે.

આપ જે દ્રશ્યો જોઇ રહ્યો છો તે સુરતની પાંડેસરા જીઆઈડીસીના છે. પાંડેસરા જીઆઈડીસીમાં ફેલાતુ વાયુ પ્રદૂષણ આસપાસમાં રહેતા લોકોના આરોગ્ય સામે જોખમ ઉભુ કરી શકે છે. ઝેરી વાયુ ઓકતી ચીમનીઓ શ્વાસને લગતી સમસ્યાઓ, અસ્થમા, કેન્સર, અને આંખોની બિમારીઓ તેમજ બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે જોખમકારક બિમારીઓ સહિત અનેક ગંભીર બિમારીઓને આમંત્રણ આપતી હોય તેમ લાગી રહ્યું છે. કેટલાંક સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીંથી પસાર થતી વખતે તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે.

વાયુ પ્રદૂષણ તો આ વિસ્તારમાં જોવા મળી જ રહ્યું છે, પરંતુ પાંડેસરા જીઆઈડીસીમાંથી પસાર થતી ખાડીમાં પણ પ્રદૂષિત પાણી વહેતુ જોવા મળી રહ્યું છે. જોકે આ ખાડીમાં કયા ઔદ્યોગિક એકમો દ્વારા પાણી છોડવામાં આવે છે તે એક તપાસનો વિષય છે. પરંતુ આવા પર્યાવરણ વિરુદ્ધ કાર્ય કરતા ઔદ્યોગિક એકમો સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ક્યારે અને કેવા પગલા લેવાશે તે પ્રશ્ન અહીં ઉપસ્થિત થઇ રહ્યો છે.