હર હર મહાદેવઃ શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર

ગીર સોમનાથઃ ગુજરાતમાં આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે માનવ મહેરામણ ઉમટી છે. દેશ વિદેશથી સોમનાથ મહાદેવના દર્શને લાખો શ્રદ્ધાળુઓ પહોંચવાના છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટે યાત્રીઓ માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. રહેવા જમવાની સુવિધાઓથી લઈ દર્શન તેમજ પ્રસાદની વ્યવસ્થા, સિનિયર સિટીઝન અને દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ સહિતની અનેકવિધ સુવિધાઓમાં શ્રાવણ માસમાં વિશેષ વધારો કરવામાં આવ્યો છે.

સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ટ્રસ્ટ, નગરપાલીકા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે રાત્રી સફાઈની વ્યવસ્થા કરાઈ છે. આવનાર યાત્રિકો પવિત્ર યાત્રાધામમાં કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં નાખી સ્વચ્છતા જાળવવા સહભાગી બને તેવી અપીલ કરવામાં આવે છે.

શ્રાવણ માસ દરમ્યાન સ્વચ્છતા, યાત્રી સુવિધા, ટ્રાફીક નિયમન વિગેરે જળવાય તેમજ દેશ પરદેશથી આવતા યાત્રીકોને શાંતિપૂર્ણ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા સ્થાનિક જીલ્લા વહિવટી તંત્ર, જીલ્લા પોલીસ તંત્ર, નગરસેવા સદનના સહયોગથી ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત નીચે મુજબના દિવસોમાં શ્રાવણ સોમવાર તથા તહેવારોના દિવસોમાં સોમનાથ મંદિર તથા અહલ્યાબાઇ મંદિર સવારે ૪-૦૦ વાગ્યાથી રાત્રે ૧૦-૦૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે.