કલોલ GIDC ના CETP સામે GPCBની કડક કાર્યવાહી: 16 ઔદ્યોગિક એકમોને શો કોઝ નોટિસ, 15 દિવસમાં જવાબ આપવા આદેશ
- ક્લોઝર ઓર્ડર પછી પણ ઔદ્યોગિક ગંદુ પાણી સ્વીકારી ડ્રેનેજમાં છોડાયું: જવાબદાર કોણ?
- માન્યતા વગર મહિનાઓ સુધી CETP ચાલુ: GPCB જોતું રહ્યું છતાં કડક કાર્યવાહી કેમ નહીં?કલોલ CETP વિવાદ: GPCBની મોડી કાર્યવાહીથી ગેરકાયદે પ્રદૂષણને પ્રોત્સાહન મળ્યું?
ગાંધીનગરઃ GPCBએ 10 ઓક્ટોબર 2024ના રોજ કલોલ GIDC ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (CETP)ને CCA નંબર AWH-137389 જારી કર્યું હતું, જેમાં શરત મૂકવામાં આવી હતી કે છ મહિનામાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) સિસ્ટમ સ્થાપિત અને કાર્યરત કરવામાં આવે. બાદમાં આ મુદત 30 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી હતી, પરંતુ CETP એ નિર્ધારિત સમયમાં ZLD હાંસલ કરી ગંદા પાણીનો નિકાલ બંધ કરવાની શરત પૂરી ન કરી. પરિણામે CCAની માન્યતા 30 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ ગઈ, અને CETP દ્વારા મુદત લંબાવવા માટે કરાયેલી અરજી પણ 21 મે 2026ના રોજ બોર્ડે ફગાવી દીધી.
24 જૂન 2026ના રોજ CETPને ક્લોઝર ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેમાં સભ્ય એકમો પાસેથી ઔદ્યોગિક ગંદુ પાણી લેવાનું અને કોઈપણ ટ્રીટમેન્ટ પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ અપાયો હતો. તેમ છતાં, 3 ફેબ્રુઆરી, 3 માર્ચ, 2 એપ્રિલ અને 3 જૂન 2026ના રોજ કરાયેલી તપાસમાં CETP કાર્યરત જણાયું, સભ્ય એકમો પાસેથી ગંદુ પાણી સ્વીકારતું જોવા મળ્યું અને ટ્રીટ કરેલું પાણી કલોલ નગરપાલિકાની ડ્રેનેજ લાઈનમાં છોડવામાં આવતું હોવાનું બોર્ડને માલૂમ પડ્યું.
આ સમગ્ર ઘટનાક્રમમાં એક મહત્વનો પ્રશ્ન ઉભો થાય છે કે, જ્યારે 3 ફેબ્રુઆરી, 3 માર્ચ, 2 એપ્રિલ અને 3 જૂન 2026ના રોજ કરાયેલી ચાર-ચાર તપાસમાં GPCBને ખુદને જાણ થઈ ચૂકી હતી કે CETP કાર્યરત છે અને સભ્ય એકમો પાસેથી ગંદુ પાણી સ્વીકારી, ટ્રીટ કરેલું પાણી કલોલ નગરપાલિકાની ડ્રેનેજ લાઈનમાં છોડવામાં આવી રહ્યું છે, તો પછી બોર્ડ દ્વારા તે જ સમયે CETPની આ ગેરકાયદેસર કામગીરી તાત્કાલિક બંધ કરાવવા માટે નક્કર પગલાં કેમ લેવામાં ન આવ્યાં? માન્ય CCA વગર અને ક્લોઝર ઓર્ડર છતાં મહિનાઓ સુધી CETP કાર્યરત રહ્યું અને પ્રદૂષણ ફેલાવતું રહ્યું, છતાં બોર્ડે માત્ર નિરીક્ષણ નોંધવા સિવાય તાત્કાલિક નિકાલ અટકાવવાની કે સીલ કરવા જેવી કડક કાર્યવાહી કેમ કરી નહીં, તે અંગે હવે સવાલો ઉઠી રહ્યા છે. આ વિલંબના કારણે જ સભ્ય એકમોને પણ મહિનાઓ સુધી ગેરકાયદે નિકાલ કરવાની તક મળી હોવાનું માનવામાં આવે છે.
નોટિસમાં GPCB એ સ્પષ્ટ કર્યું છે કે ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં રાખી, પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ-1974 હેઠળ શા માટે કાર્યવાહી ન કરવામાં આવે તે અંગે સંબંધિત એકમોને ખુલાસો રજૂ કરવા જણાવાયું છે. સાથે જ 15 દિવસની અંદર જરૂરી પાલન કરવા આદેશ અપાયો છે, અને જો આમ નહીં થાય તો સંબંધિત એકમ તેમજ તેના ઔદ્યોગિક પ્લાન્ટ સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.
ક્રમાંક GPCB/CCA-GNR-150(12)/ID-28811 હેઠળ 13 જુલાઈ 2026ના રોજ આ નોટિસ જારી કરવામાં આવી છે. નોટિસ સાથે 24 જૂન 2026ના ક્લોઝર ડિરેક્શનની નકલ પણ એન્નેક્ષર-A તરીકે જોડવામાં આવી છે.
કલોલ GIDC ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (CETP)ના નીચેના સભ્ય એકમોને આ નોટિસ ફટકારવામાં આવી છે:
- બ્રિસ્ક સર્જિકલ્સ કોટન લિ. (પ્લોટ નં. 62)
- સાયનો કેમ (પ્લોટ નં. C-1/23)
- દુર્ગા ડાય કેમ ઇન્ડસ્ટ્રીઝ (પ્લોટ નં. 107)
- ઇન્ડિયન ડેરી એન્ડ ફૂડ કંપની (પ્લોટ નં. 1/13)
- ગુજરાત પેરાફિન પ્રા. લિ. (પ્લોટ નં. 128)
- મફતલાલ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ (પ્લોટ નં. C-1/15,16,17,18)
- મજેઠિયા પેપર્સ પ્રા. લિ. (પ્લોટ નં. A-1/40)
- ઓમ ઇન્ડસ્ટ્રીઝ (પ્લોટ નં. C-1-28/1)
- ઓર્ગાસિન્થ ઇન્ડસ્ટ્રીઝ (પ્લોટ નં. C-1/20, C-1 & B-1)
- ઓર્નેટ ઇન્ડસ્ટ્રીઝ (પ્લોટ નં. C-1/13)
- પિઓમા ઇન્ડસ્ટ્રીઝ (પ્લોટ નં. 1/5)
- શ્રી રાજકૃપા કોર્પોરેશન (પ્લોટ નં. 68)
- રવિ ઇન્ડસ્ટ્રીઝ (પ્લોટ નં. K-1/20/B)
- સહયોગ ઓર્ગેનિક્સ પ્રા. લિ. (પ્લોટ નં. 2)
- સહયોગ ફાર્મા કેમ ઇન્ડસ. પ્રા. લિ. (1) (પ્લોટ નં. C-1, B-10/47-2)
- શુત્ઝ કાર્બન ઇલેક્ટ્રોડ્સ પ્રા. લિ. (પ્લોટ નં. 43, 64 & 134)
તમામ એકમો કલોલ GIDC એસ્ટેટ, કલોલ-382 725, જિલ્લા ગાંધીનગર ખાતે આવેલા છે.











