ઉદ્યોગનું નામફેર કરવા ઇચ્છતા ઉદ્યોગકારો માટે GPCBની નવી માર્ગદર્શિકા, જાણો જરૂરી દસ્તાવેજોની યાદોમાં શું કરવામાં આવ્યો છે સુધારો?
- નવા માલિકની વિગતો સાથે જમીનના દસ્તાવેજો જરૂરી
- ભાડે કે લીઝ પરની મિલકત માટે પણ નિયમ
- કોર્ટના આદેશવાળા કેસમાં કાયદા શાખાનો અભિપ્રાય જરૂરી
ગાંધીનગર: ઉદ્યોગોની માલિકી બદલાયા બાદ નામફેર કરાવવાની પ્રક્રિયામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. બોર્ડે ઉદ્યોગોના નામફેર માટે રજૂ કરવાના જરૂરી દસ્તાવેજોની યાદીમાં સુધારો કરી હવે ઔદ્યોગિક વિસ્તાર સિવાયના વિસ્તારોમાં આવેલા ઉદ્યોગો માટે જમીન સંબંધિત દસ્તાવેજો તરીકે 7/12 ઉતારો અથવા ગામ નમૂના નં. 2 રજૂ કરવાની જોગવાઈ કરી છે. આ અંગે GPCB દ્વારા 20 ઓગસ્ટ, 2026ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
નવા નિયમ મુજબ નામફેરની અરજી સાથે નવા માલિક એટલે કે Proprietor, Partner અથવા Directorનું નામ, સરનામું, આધાર કાર્ડ તથા લાગુ પડતું હોય તો DIN નંબર રજૂ કરવાનો રહેશે. ઔદ્યોગિક વિસ્તાર એટલે કે GIDC અથવા નોટિફાઇડ વિસ્તારમાં આવેલા ઉદ્યોગો માટે સંબંધિત Industrial Area Development Board/Corporation તરફથી આપવામાં આવેલ Allotment Letter અથવા Land Possession Certificate રજૂ કરી શકાશે. જ્યારે ઔદ્યોગિક વિસ્તાર સિવાયના વિસ્તારમાં આવેલા ઉદ્યોગો માટે Registered Sale Deed, 7/12 ઉતારો અથવા ગામ નમૂના નં. 2માંથી લાગુ પડતો દસ્તાવેજ રજૂ કરવાનો રહેશે.
માઇનિંગ પ્રોજેક્ટના કિસ્સામાં Mines & Geology વિભાગ દ્વારા આપવામાં આવેલી Mining Lease Permission જરૂરી રહેશે. NCLTના હુકમ અથવા બેંક ઓક્શનના આધારે જમીનની માલિકી પ્રાપ્ત થઈ હોય તો NCLT Order અથવા Bank Auction Letter પણ રજૂ કરી શકાશે. જ્યારે મિલકત ભાડે અથવા લીઝ પર લેવામાં આવી હોય ત્યારે Rent અથવા Lease Agreement સાથે ઉપરોક્ત જમીન સંબંધિત દસ્તાવેજોમાંથી લાગુ પડતો દસ્તાવેજ જોડવાનો રહેશે.
નામફેરની અરજી સાથે નવા અને જૂના માલિક અથવા એકમ દ્વારા સ્વપ્રમાણિત સંયુક્ત બાંહેધરી (Undertaking) પણ રજૂ કરવાની રહેશે. નામફેરની અરજીની પ્રોસેસિંગ ફી GPCBના 7 જૂન, 2024ના પરિપત્ર મુજબ વસૂલવામાં આવશે.
કોર્ટના હુકમ અથવા અન્ય કોઈ કાયદાકીય મુદ્દાની ચકાસણી બાદ નામફેર કરવાની જરૂરિયાત ધરાવતા કેસોમાં GPCBની કાયદા શાખાનો અભિપ્રાય મેળવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. નામફેરની અરજીઓ અંગે નિર્ણય લેવાની સત્તા અગાઉથી આપવામાં આવેલી સત્તા મુજબ રહેશે, જ્યારે નાના અને મોટા ઉદ્યોગોના નામફેર અંગે નિર્ણય લેવાની સત્તા GPCBની બેઠક નં. 253માં મળેલી મંજૂરી મુજબ સભ્ય સચિવને સોંપવામાં આવી છે.
GPCBના જણાવ્યા મુજબ, Ease of Doing Business, BRAP+, Reducing Compliance Burden અને Deregulationના ભાગરૂપે નામફેરની અરજીઓનો ઝડપી અને સરળતાથી નિકાલ થાય તે હેતુથી દસ્તાવેજોની યાદીમાં આ સુધારો કરવામાં આવ્યો છે. જોકે, ઔદ્યોગિક વિસ્તાર સિવાયના ઉદ્યોગો માટે 7/12 ઉતારો અથવા ગામ નમૂના નં. 2નો સમાવેશ થતાં નામફેરની પ્રક્રિયામાં જમીનના હક અને માલિકીની ચકાસણીને વધુ સ્પષ્ટ આધાર મળશે.










