નડિયાદમાં રામ તલાવડીના કિનારે એકઠો થયેલો કચરો સળગાવાતાં લોકોમાં રોષ, આસપાસ રહેતા ૩ હજાર લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ

સ્વચ્છતા મામલે નડિયાદમાં પહેલાથી જ દીવા તળે અંધારૂ જેવી સ્થિતિમાં અને વિવાદોમાં ઘેરાયેલું છે. નડિયાદ પશ્ચિમમાં રામ તલાવડી ગંદકીથી ખદબદી ઉઠી છે. અહીંયા તલાવડીના કિનારે એકઠો થયેલો ઘન કચરો સળગાવતા આસપાસ રહેતા ૩ હજારથી વધુ વ્યક્તિઓના સ્વાસ્થ્ય સામે સંકટ ઊભું થયું છે. નગરના મોટાભાગના તળાવો?ના બ્યુટીફીકેશન થયા છે ત્યારે આ તળાવનું બ્યુટીફીકેશન કરવા સ્થાનિકોએ? માંગ કરી છે. નડિયાદના ૯ તળાવો પૈકી ઓળખ સમાન મહત્વનું તળાવ એટલે વોર્ડ નંબર ૧માં આવેલા રામ તલાવડીનું તળાવ છે.

નડિયાદના પશ્ચિમ વિસ્તાર એવા મિશન રોડથી આગળ આ તળાવ આવેલું છે. આ તળાવની આસપાસ લગભગ ૧૨થી વધુ સોસાયટીઓ આવેલી છે. જેમાં મિલાપનગરી, અરવિંદ સોસાયટી, સમર્થ સોસાયટી, હરિસિદ્ધિ સોસાયટી, જનતાનગર, આર્શિવાદનગર સહિત અનેક નાની મોટી સોસાયટીઓ આવેલી છે. જેમાં લગભગ ૩ હજાર વ્યક્તિઓ માનવ વસવાટ કરી રહ્યા છે. આ તમામ લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું હોવાના ઘાટ? સર્જાયો છે. કારણ કે અહીંયા આ તળાવના કિનારે પડેલો? ઘન કચરો અવારનવાર સળગાવવામાં આવી રહ્યો છે. જેના ધૂમાડાઓ આસપાસના રહેણાંક મકાનમા જાય છે તેવી ફરિયાદો ઉઠી છે. તળાવ કિનારે ઘન કચરો સળગાવવામાં આવતાં રસ્તાઓ પર ધૂમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. જેના કારણે વાહનચાલકોને આંખોમાં બળતરા પણ થવા માંડી હતી. ત્યારે આવા ઘન કચરાને યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ જાહેરમાં જ બાળી નાખવામાં આવતા લોકોના સ્વાસ્થ્ય સામે ચેડા થઇ રહ્યાં હોવાનું સ્થાનિકોએ રોષપૂર્વક જણાવી રહ્યા છે.

આ ઉપરાંત મૂંગા પશુઓ પણ અહિયાં આવતા તેમના જીવ પણ જોખમાયા છે. નડિયાદ શહેરમાં મોટાભાગના તળાવ બ્યુટીફીકેશન થયા છે તો હાલ અમૂક તળાવો બ્યુટીફીકેશનની કામગીરીમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આ રામતલાવડી ક્યારે બ્યુટીફીકેશન કરી ડેવલપ કરાશે તેની રાહ સ્થાનિકો જોઈ રહ્યા છે. ગંદકીથી ખદબદતા તળાવ ફરતે શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમાન ગણપતિ મંદિર, ગુરૂદ્વારા તથા ચર્ચ આવેલાં છે. ત્યારે આ તળાવ ફરતે ગંદકી દૂર કરી અહીંયા બ્યુટીફીકેશનનું કામ કરવા લોકોએ માંગ કરી છે. પાલિકાના પ્રમુખના વોર્ડમાં જ ઓરમાયું વર્તન રાખતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.