નખત્રાણાના રવાપર પાસે પાણીના એર વાલ્વમાં લીકેજ સર્જાતાં હજારો લિટર પાણી માર્ગ પર ફરી વળ્યાં

ઉનાળાની કાળઝાળ ગરમીથી જિલ્લામાં પાણીની ખેંચ પડવાની સંભાવના દેખાઈ રહી છે. ત્યારે બીજી તરફ પાણી પુરવઠાની મુખ્ય પાઇપ લાઈનમાં સમયાંતરે ભંગાણ કે લીકેજ સર્જાતાં હજારો લિટર જળ ફાજલ જઈ રહ્યું છે. નખત્રાણા-લખપત ધોરીમાર્ગ પરના રવાપર નજીક આશાપુરા હોટેલ પાસે આવેલા પાણીના એરવાલ્વમાં લીકેજ સર્જાતા પાણીના ધોધ માર્ગ પર ફરી વળ્યાં છે અને કલાકોથી પાણીનો વેડફાટ અવિરત થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગત માસની તા. ૨૫ના રોજ પણ આ જ વિસ્તારમાં પાણીની લાઈનમાં લીકેજ સર્જાતાં મહામુલું પાણી વ્યાપકપણે વેડફાયું હતું. જિલ્લામાં એક તરફ મોટા ડેમ અને તળાવોમાં પાણી ખૂટી જતા તળિયા દેખાઈ રહ્યા છે. જેને લઈ ચિંતાના વાદળ ઘેરાઈ ગયા છે. ત્યારે નખત્રાણાના રવાપર નજીક લખપત ધોરીમાર્ગ પર પાણીની લાઈનના એર વાલ્વમાં લીકેજથી વેડફાતું પાણી તેમાં વધારો કરી રહ્યું છે. તંત્ર દ્વારા જૂની અને જર્જરિત બનેલી પાણીની લાઈન અને એરવાલ્વની તપાસ કરી સમારકામ કરવામાં આવે એવી માંગ લોકો વ્યક્ત કરી રહ્યા છે