મુંદ્રાની ખાનગી કંપનીમાં ભીષણ આગ, પ્લાસ્ટિકનો મોટો જથ્થો બળીને ખાખ

કચ્છઃ મુંદ્રાની ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. કંપનીના ગેટ નંબર બે પાસે આવેલા પ્લાસ્ટિકનું સ્ક્રેપ યાર્ડ સળગી ઉઠ્‌યું હતું. વિકરાળ આગના કારણે દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. કંપનીની બાજુમાંથી પસાર થતી હેવી વીજલાઈનના કારણે દુર્ઘટના ઘટી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગના કારણે પ્લાસ્ટિકનો મોટો જથ્થો બળીને ખાખ થયો હોવાનું સામે આવ્યું છે.