RBI ગવર્નરની સામાન્ય લોકોને નવા વર્ષની ભેટ, નહીં વધે તમારી લોનના EMI

નવીદિલ્હીઃ RBI ગવર્નરે સામાન્ય લોકોને નવા વર્ષની મોટી ભેટ આપી છે. આગામી દિવસોમાં હોમ અને કાર લોનના EMIમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. દેશની કેન્દ્રીય બેંક, ભારતીય રિઝર્વ બેંકે ત્રણ દિવસ સુધી ચાલેલી નાણાકીય નીતિની બેઠકમાં લીધેલા નિર્ણયોની જાહેરાત કરી છે.

RBI ગવર્નરે સતત ૫મી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી અને ૬.૫ ટકા હથાવત રાખ્યો છે. ત્યારે આનો અર્થ એ થયો કે RBI સામાન્ય લોકોને હોમ અને કાર લોન EMI પર રાહત આપશે. આરબીઆઈએ મે ૨૦૨૨થી વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ અચાનક ૦.૪૦ ટકાનો વધારો પણ કરવામાં આવ્યો હતો. ત્યારથી, ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી સતત વધારો જોવા મળ્યો હતો.. જેના કારણે આ સમયગાળા દરમિયાન રેપો રેટમાં ૨.૫૦ ટકાનો વધારો થયો અને રેપો રેટ ૬.૫૦ ટકા થયો. જે અંગે નિષ્ણાતોએ લોકોને વ્યાજ દરમાં ઘટાડા માટે લાંબો સમય રાહ જોવી પડી શકે છે.

હાલમાં જ SBIના Ecowrap રિપોર્ટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે RBI આવતા વર્ષે જૂન સુધી વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવા જઈ રહી નથી. તે પછી જ લોન EMIમાં રાહત મળવાની શક્યતા છે. જો કે, ભારત હાલમાં વિશ્વમાં સૌથી ઝડપથી આર્થિક વિકાસ કરતો દેશ છે. બીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ૭ ટકાથી વધુ હતો. જેની કોઈને પણ આગાહી નહોતી. જે બાદ તમામ નાણાકીય સંસ્થાઓએ તેમના અંદાજમાં સુધારો કર્યો છે. બધાએ ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી અંદાજ વધારીને ૭ ટકા કર્યો છે. જે અગાઉ ૬.૫ ટકા કે તેથી ઓછો હતો. છેલ્લી બેઠકમાં આરબીઆઈએ જીડીપી માત્ર ૬.૫ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.