સીઈટીપીમાં વધુ પડતા ક્લોરિનેશનથી સાબરમતી નદીમાં ઝેરી તત્વો ભળવાનો ભય
ગુજરાત હાઈકોર્ટે ઉદ્યોગોને વૈકલ્પિક શુદ્ધિકરણ પદ્ધતિ અપનાવવા સૂચના આપી
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે ઔદ્યોગિક ગંદા પાણીના શુદ્ધિકરણમાં વધુ પડતા ક્લોરિનના ઉપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે કોમન એફ્લયુએંટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (સીઈટીપી) દ્વારા વધુ પડતા ક્લોરિનનો ઉપયોગ સાબરમતી નદીમાં ઝેરીલા તત્વોનું પ્રમાણ વધારી રહ્યો છે.
“ક્લોરિન ગંદા પાણીમાં રહેલા કાર્બનિક પદાર્થો સાથે પ્રતિક્રિયા કરીને ક્લોરિનેટેડ કાર્બનિક સંયોજનો બનાવે છે, જે જમીન અને પાણીમાં ઝેરીલાપણું, મનુષ્યો અને પ્રાણીઓના જનીનમાં બદલાવ તેમજ કેન્સર અને જન્મજાત ખામીઓ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે.”
— જોઇન્ટ ટાસ્ક ફોર્સ અહેવાલ, ગુજરાત હાઈકોર્ટ
શું છે મુદ્દો?
હાઈકોર્ટ સમક્ષ રજૂ થયેલા જોઇન્ટ ટાસ્ક ફોર્સના અહેવાલ અનુસાર, અમદાવાદની સાતેય સીઈટીપીમાંથી શુદ્ધ થયેલા પાણીમાં ક્લોરિનનું પ્રમાણ ખૂબ વધારે મળી આવ્યું છે. વટવા, ઓઢવ અને નરોડાના સીઈટીપી જૈવિક શુદ્ધિકરણ પછી કેમિકલ ઑક્સિજન ડિમાન્ડ (COD) અને કલર દૂર કરવા માટે પ્રતિ કિલો સીઓડી દીઠ 4.55થી 6.5 કિલો સુધી ક્લોરિનનો ઉપયોગ કરી રહી છે.
આરોગ્ય અને પર્યાવરણ પર અસર
કોર્ટે નોંધ્યું છે કે ક્લોરિન ગંદા પાણીમાં રહેલા કાર્બનિક પદાર્થો સાથે પ્રતિક્રિયા કરીને ક્લોરિનેટેડ કાર્બનિક સંયોજનો બનાવે છે, જે અત્યંત હાનિકારક છે:
- જળચર જીવન પર અસર: માછલીઓના ગિલ્સને નુકસાન, શ્વસનમાં તકલીફ, વૃદ્ધિદરમાં ઘટાડો અને મૃત્યુ પણ થઈ શકે છે
- માનવ સ્વાસ્થ્ય પર જોખમ: આ સંયોજનોમાં કેન્સર પેદા કરવાની, જનીન બદલાવની અને ગર્ભમાં રહેલા બાળકમાં જન્મજાત ખામી પેદા કરવાની શક્યતાઓ વધે છે
- ખેતી પર દુષ્પરિણામ: જો આ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થાય તો પાક પર તેની ઝેરી અસરો થઈ શકે છે અને જમીનના રાસાયણિક ગુણધર્મોમાં મોટેપાયે ફેરફાર થઈ શકે છે
- ભારે ધાતુઓનું જોખમ: ક્લોરિનેટેડ પાણીથી જમીનમાં ભારે ધાતુઓની ગતિશીલતા વધી શકે છે, જે માનવ પાચનતંત્રમાં પ્રવેશી આરોગ્ય પર નકારાત્મક અસરો કરી શકે છે
“સાબરમતી નદીમાં વધુ પડતા ક્લોરિનના સ્તરથી જળચર જીવન પર વિપરીત અસર થઈ રહી છે. માછલીઓના ગિલ્સને નુકસાન, શ્વસન સમસ્યા અને વૃદ્ધિ દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.”
– સંયુક્ત ટાસ્ક ફોર્સનો ત્રિમાસિક અહેવાલ (જૂન–સપ્ટેમ્બર 2025)
શા માટે થઈ રહ્યો છે ક્લોરિનેશન પર આધારીત ટ્રીટમેન્ટનો વધુ પડતો ઉપયોગ?
હાઈકોર્ટે નોંધ્યું છે કે કેમિકલ અને કલર ઇન્ડસ્ટ્રી દ્વારા ઉત્પન્ન થતા ગંદા પાણીમાં જૈવિક રીતે વિઘટન ન થતા કાર્બનિક પદાર્થો હોય છે. પરંપરાગત જૈવિક પ્રક્રિયાઓ આ પ્રદૂષકોને શુદ્ધ કરવામાં અસમર્થ હોવાથી સીઈટીપીઓ ક્લોરિનેશનનો સહારો લે છે, કારણ કે:
- ખર્ચાળ વિકલ્પો: ફેન્ટન્સ ટ્રીટમેન્ટ અને ઓઝોનેશન જેવી અદ્યતન પ્રક્રિયાઓ ખૂબ મોંઘી છે
- સસ્તી પ્રક્રિયા: ક્લોરિનેશન સરખી અસરકારક અને ઓછા ખર્ચે ઉપલબ્ધ છે
ઓઝોનેશન–ફેન્ટન જેવી અદ્યતન પ્રક્રિયાઓ મોંઘી હોવાના કારણે, CETP સસ્તા વિકલ્પ તરીકે ક્લોરિનેશન અપનાવી રહી છે. વટવા CETP દ્વારા થોડા સમય પહેલા જ શરૂ કરવામાં નવનિર્મિત ફેન્ટન પ્લાન્ટ બંધ કરી સસ્તા વિકલ્પ તરીકે ક્લોરિનેશન પર આધારીત ટ્રીટમેન્ટ ચાલુ કરેલ હોવાનુ જણાય છે.
કોર્ટના નિર્દેશો
મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠે નીચેના મહત્વના નિર્દેશો આપ્યા:
- વૈકલ્પિક પદ્ધતિઓ શોધવી: સીઈટીપીઓએ શુદ્ધ થયેલા પાણીમાં સંભવિત ઝેરીલાપણાને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વિકલ્પો શોધવા જરૂરી છે
- અભ્યાસ હાથ ધરાયો: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે (જીપીસીબી) અમદાવાદ ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન (અટીરા)ને સીઓડી ઘટાડવા માટે ક્લોરિન ડોઝિંગના ઑપ્ટિમાઈઝેશન અંગે અભ્યાસનો પ્રોજેક્ટ સોંપ્યો છે
- ઇકો–ટોક્સિસિટી ટેસ્ટ: જીપીસીબીએ સીઈટીપીઓને શુદ્ધ થયેલ પાણી છોડતા પહેલાં બાયો-એસ ટેસ્ટ કરવાની સલાહ આપી છે
- નવા નિયમોનું પાલન: કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2024માં અમલમાં મૂકેલા પર્યાવરણ (સંરક્ષણ) બીજા સુધારા નિયમો, 2024નું પાલન કરવાનો આદેશ
- સંયુક્ત નિરીક્ષણ: અમદાવાદ મહાનગરપાલિકા (એએમસી) અને જીપીસીબીએ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ નિયમો હેઠળ ચાલતા ઉદ્યોગો નિયમોનું પાલન કરે છે કે કેમ તે ચકાસવા સંયુક્ત ટીમ બનાવી નિરીક્ષણ કરવા આદેશ કર્યો છે
સીએસઆઈઆર–નીરી દ્વારા અભ્યાસ
કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ – નેશનલ એન્વાર્યમેન્ટલ એન્જિનીયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (સીએસઆઈઆર-નીરી)ના વૈજ્ઞાનિકોએ તમામ સાત સીઈટીપી અને નારોલ ખાતે સાબરમતી નદીમાં પડતા બે ઔદ્યોગિક આઉટફોલનું નિરીક્ષણ કર્યું છે અને ‘ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ’ હાંસલ કરવા માટે ફિઝિબિલિટી સ્ટડી માટે નમૂનાઓ એકત્ર કરી રહ્યા છે.
આગળનો રસ્તો
કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સસ્તા હોવા છતાં, ગંદા પાણીના શુદ્ધિકરણમાં ક્લોરિનેશનનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવા માટે મૂલ્યાંકન કરવાની જરૂર છે. સીઈટીપીઓએ તેમના સભ્ય એકમો દ્વારા છોડવામાં આવતા ઔદ્યોગિક ગંદા પાણી પર નિયમોને આધીન તથા મંજૂરી મુજબ ગંદા પાણીના શુદ્ધિકરણ માટે નિયંત્રણ અને સંતુલન રાખવું જરૂરી છે.
હાઈકોર્ટે તમામ સીઈટીપીઓ અને જીપીસીબીને નવા નિયમોના અનુપાલનનો અહેવાલ રજૂ કરવા સૂચના આપી છે. રિટ પિટિશન (પીઆઈએલ) નં. 98/2021ની આગામી સુનાવણી 9 જાન્યુઆરી, 2026ના રોજ રાખવામાં આવી છે.











