પર્યાવરણની સુરક્ષા એ સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી : અર્જુનભાઈ મોઢવાડિયા

  • મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, પંચાયતો અને ઉદ્યોગોના નાણાકીય યોગદાનથી પર્યાવરણ માટે વિશેષ ભંડોળ ઉભું કરવું જોઈએ : અર્જુનભાઈ મોઢવાડિયા, વન અને પર્યાવરણ મંત્રી
  • ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં બે દિવસીય “પર્યાવરણ કાર્યશિબિર-૨૦૨૬”નો શુભારંભ
  • કુદરતી સંસાધનોના વધતા ઉપયોગ વચ્ચે પર્યાવરણનું સંરક્ષણ કરવું એ સમયની માગ: GPCBના ચેરમેન આર. બી. બારડ
     



પર્યાવરણની સુરક્ષા એ સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી છે, તેમ રાજ્યના વન-પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય “પર્યાવરણ કાર્યશિબિર-૨૦૨૬”ના ઉદ્ઘાટન પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, પર્યાવરણની ચિંતા એ વૈશ્વિક છે, પરંતુ જ્યાં સુધી જનસામાન્યમાં જાગૃતિ નહીં આવે અને વ્યક્તિગત સ્તરે પગલાં નહીં લેવાય ત્યાં સુધી ઈચ્છનીય પરિણામો પ્રાપ્ત નહીં થઈ શકે. તેમણે ઉમેર્યું કે, માત્ર સરકારી નીતિ અને ટૅકનોલોજીથી પરિણામ પ્રાપ્ત નહીં થાય.

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-GPCBના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યશિબિરમાં બે દિવસ દરમિયાન રાજ્યમાં પર્યાવરણીય પડકારો, નિયમનાત્મક સુધારા, સંસ્થાકીય ક્ષમતાવર્ધન તથા ભવિષ્યલક્ષી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા અને મંથન કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વધતાં ઔદ્યોગિકરણ વચ્ચે પર્યાવરણના જતન પર વિશેષ ભાર મૂકતો લેખિત સંદેશો આપીને આ કાર્યશિબિર માટે અભિનંદન પાઠવ્યા હતા.

વન્યજીવ સંરક્ષણના ક્ષેત્રે ભારતે મેળવેલી વૈશ્વિક સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં મોઢવાડિયાએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં આફ્રિકન લાયન, વાઘ અને ચિત્તા સહિતની ‘બિગ કેટ’ની વસ્તી ઘટી રહી છે, ત્યારે આપણા દેશમાં ‘બિગ કેટ’ની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ સફળતા પાછળ સરકારના પ્રયાસોની સાથે સાથે ‘જીવો અને જીવવા દો’ની આપણી સંસ્કૃતિએ મહત્વની ભૂમિકા ભજવી છે. જો આ જ નીતિ આપણે પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણ સુરક્ષામાં પણ અપનાવીએ, તો આગામી પેઢીની ચિંતાઓ ઘણી ઓછી થઈ જશે. પર્યાવરણનું સંતુલન જાળવવા માટે માત્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જ નહીં, પણ સરકારના તમામ વિભાગોએ સંકલન સાધીને એક્શન મોડમાં આવવું પડશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રી મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી કાળથી લઈને આજ સુધી પર્યાવરણ, સ્વચ્છતા અને વન્યજીવોની વિશેષ કાળજી લીધી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં બે મોટી વૈશ્વિક પહેલ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૫માં ભારતની પહેલથી ‘ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ’ બન્યું, જેમાં આજે ૧૦૦થી વધુ દેશો સામેલ છે અને તેનું મુખ્ય મથક દિલ્હીમાં કાર્યરત છે. જેના પરિણામે સોલાર ક્ષેત્રે દેશમાં ખૂબ મોટી ક્રાંતિ આવી છે. તેવી જ રીતે, સેવન બિગ કેટ્સ માટે ‘ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ’ બનાવવામાં આવ્યું છે, જેનું મુખ્ય મથક પણ દિલ્હીમાં રાખવામાં આવ્યું છે. જેની પ્રથમ બેઠક તાજેતરમાં જ ગુજરાતના સાસણ ખાતે સંપન્ન થઈ છે, જેની નોંધ સમગ્ર વિશ્વમાં લેવામાં આવી છે.

આ કાર્યશિબિરમાં મંત્રીએ ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા માટે વિકસિત દેશોમાં પ્રચલિત ‘કાર પૂલિંગ’ પદ્ધતિનો ઉલ્લેખ કરવા સાથે દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરનું પણ ઉદાહરણ આપ્યું હતું. ઇન્દોર સ્વચ્છતામાં દેશમાં સતત પ્રથમ ક્રમે આવે છે, તેનું મુખ્ય કારણ કચરાનું યોગ્ય વર્ગીકરણ છે. ત્યાં ઘરોમાંથી જ સૂકો, ભીનો અને અન્ય કચરો અલગ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જો દરેક વિભાગ અને નાગરિક જવાબદાર બને તો ગુજરાતમાં પણ આનું ખૂબ સારું પરિણામ આવી શકે છે.

ગુજરાતને પર્યાવરણ ક્ષેત્રે મોડેલ રાજ્ય બનાવવા માટે મંત્રી દ્વારા પોલિસી વિષયક સૂચનો કરવામાં આવ્યા હતા. જેમાં બાળકોમાં પર્યાવરણ શિક્ષણ, એનજીઓને પ્રોત્સાહન આપવા અને બાળકોથી લઈને વડીલો સુધીના નાગરિકોને જાગૃત કરવા સતત કેમ્પેઈન ચલાવવાની કામગીરી સામેલ છે. વધુમાં, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, પંચાયતો અને ઉદ્યોગોના નાણાકીય યોગદાનથી એક પર્યાવરણ સમર્પિત ફંડ બનાવવું જોઈએ, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આ અવસરે GPCBના ચેરમેન આર. બી. બારડે સ્વાગત સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત દેશના સૌથી અગ્રણી ઔદ્યોગિક રાજ્યોમાંનું એક છે. ઔદ્યોગિક વિકાસ, રોકાણ, નિકાસ, પોર્ટ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિકાસ ક્ષેત્રે ગુજરાતે દેશમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાજ્યમાં વિકાસની સાથે નવી જવાબદારીઓ પણ આવે છે. ત્યારે કુદરતી સંસાધનોના વધતા ઉપયોગ વચ્ચે પર્યાવરણનું સંરક્ષણ કરવું એ સમયની માંગ છે.

વિકાસ અને પર્યાવરણ બંને એકબીજાના પૂરક છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, પર્યાવરણના સંરક્ષણ કર્યા વિના લાંબાગાળાનો ટકાઉ વિકાસ શક્ય નથી. વિકાસને અવરોધ્યા વિના પર્યાવરણનું રક્ષણ કરવું, એ જ સુશાસનની સાચી કસોટી છે. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં વધુ સક્ષમ, ટેકનોલોજી આધારિત, પારદર્શક અને પરિણામલક્ષી પર્યાવરણ શાસન વ્યવસ્થા વિકસાવવાની જરૂરિયાત છે.

આ ઉપરાંત તેમણે આ બે દિવસીય કાર્યશિબિર વિશે વિસ્તૃત માહિતી પણ આપી હતી. આ બે દિવસીય કાર્યશિબિર દરમિયાન પર્યાવરણને સ્પર્શતા હવા પ્રદૂષણ નિયંત્રણ, જળ પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સર્ક્યુલર ઇકોનોમી અને કચરા વ્યવસ્થાપન, સંસ્થાકીય મજબૂતીકરણ અને અમલીકરણ વ્યવસ્થા તથા ઈઝ ઓફ ડુઇંગ બિઝનેશ અંતર્ગત રેગ્યુલેશન અને ઇ-ગવર્નન્સ જેવા પાંચ વિષયો પર વિસ્તૃત વિચાર-મંથન કરી ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે ઉપથિત મહાનુભાવો દ્વારા બેસ્ટ એન્વાયરમેમેન્ટ પ્રેક્ટિસિસ ફોર એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એન્ડ પોલ્યુશન રીડક્શન, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ઈન ગુજરાત અને સી.આર.ઝેડ. જાહેરનામુ- ૨૦૧૯ ની ગુજરાતી માર્ગદર્શિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત GPCBના ડિઝીટાઈઝેશનના ભાગરૂપે “પર્યાવરણ સેતુ” સેન્ટ્રલાઇઝ્ડ ગ્રીવેન્સ મેનેજમેન્ટ સિસ્ટમ તેમજ પબ્લિક હીયરીંગ ઓનલાઈન મોડ્યુલનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યશિબિરના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-વડોદરાના પ્રાદેશિક નિયામક ડૉ. અરવિંદકુમાર ઝા સહિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રાજ્યની પ્રાદેશિક કચેરીના અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news