જામનગરના પાછલા ૧૫૦ વર્ષના ઇતિહાસમાં આ પહેલી વખત બન્યું

જામનગરઃ જામનગરના ઇતિહાસમાં દોઢસો વર્ષમાં પહેલીવાર સડોદર નજીક ફુલનાથ મહાદેવના મંદિર વિસ્તારમાં સિંહણની પધરામણી થઈ છે. જામનગર ગ્રામ્ય પંથકમાં ફુલનાથ મહાદેવની વીડીમાં સિંહણ આંટાફેરા કરતી કેમેરામાં કેદ થઈ છે. DCF આર. ધનપાલ અને RFO રાજન જાદવ સહિતની ટીમે સિંહણના આગમનની વાતને સમર્થન આપ્યું છે.

જામજોધપુરના સડોદર નજીક સિંહણ આવી હોવાની ઘટનાને જંગલ ખાતાએ અભુતપુર્વ ગણાવ્યું. હજુ પણ જામનગરમાં રાજાશાહી બાદ દોઢસો વર્ષના ઇતિહાસમાં પહેલી વખત જામજોધપુરના સડોદર નજીક આવેલ ફુલનાથ મહાદેવ મંદિરની વીડી વિસ્તારમાં સિંહણ આવી હોવાની સત્તાવાર વિગતો બહાર આવતા ભારે ઉત્તેજના ફેલાઇ છે, જંગલ ખાતા દ્વારા સિંહણની આ હિલચાલને અભુતપુર્વ ગણાવવામાં આવી છે, ધીમે ધીમે જંગલના રાજા તરફથી પોતાનો વિસ્તાર વધારવામાં આવી રહયો હોવાના સંકેત પણ મળ્યો છે.

જામનગર પંથકમાં શુક્રવારથી એવી ચર્ચા ચાલતી હતી કે સડોદર અને ત્યારબાદ ધુનધોરાજી વિસ્તારમાં દિપડો ઘુસી આવ્યો છે, આ સબંધે ફોરેસ્ટની ટીમ દ્વારા તાત્કાલીક પાંજરુ મુકીને દીપડાને કેદ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, આ દરમ્યાન એક કેમેરામાં જ્યારે ઉપરોકત વિસ્તારમાં આંટાફેરા કરી રહેલ પ્રાણી જોવા મળ્યુ હતું ત્યારે જંગલ ખાતાના અધિકારીઓની આંખો ચાર થઇ ગઇ હતી, કારણ કે આ દિપડો નહીં પરંતુ સિંહણ હોવાનું જાણવા મળ્યુ હતું. હાલ જામનગર ગ્રામ્ય પંથકમાં જે સિંહણ કેમેરામાં કેદ થઇ છે તે સડોદર નજીક આવેલ ફુલનાથ મહાદેવ મંદિરની વીડી વિસ્તારમાં જાવા મળી છે, હાલમાં પણ ત્યાં સિંહણનો મુકામ છે અને સિંહણની સાથે જંગલના રાજા કે પછી તેના કોઇ બચ્ચાઓ સાથે આવ્યા છે કે કેમ તેની ખરાઇ કરવામાં આવી રહી છે.

વન વિભાગના DCF આર. ધનપાલ અને RFO રાજન જાદવે કહયું હતું કે પાછલા ૧૫૦ વર્ષના ઇતિહાસમાં આ પહેલી વખત બન્યું છે કે ફુલનાથ મહાદેવ મંદિરના વીડી વિસ્તાર સુધી સિંહણ આવી છે. વન વિભાગના અધિકારીએ કહયું હતું કે માત્ર ફુટ પ્રિન્ટ જ નહીં પરંતુ કેમેરામાં પણ સ્પષ્ટ રીતે સિંહણ જોવા મળી છે. હાલમાં આ બાબતે વધુ પેનીક ફેલાય નહીં અને સિંહણને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટે નહીં એ બાબતની તકેદારી રાખવામાં આવી રહી છે, આ ઘટનાને ઐતિહાસીક માનવામાં આવે છે.