સુરત ઓએનજીસી બ્લાસ્ટઃ પ્રદૂષણ બદલ જીપીસીબીએ ૧ કરોડનો દંડ ફટકાર્યો

હજીરા સ્થિત ઓએનજીસી કંપનીની પાઇપ લાઇનમાં અઢી મહિના પહેલા થયેલા બ્લાસ્ટના કારણે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવવા બદલ જીપીસીબીએ ઓએનજીસીને વળતર પેટે રૂપિયા ૧ કરોડનો દંડ કર્યો છે. આ રકમ તેમણે સરકારી ખાતામાં જમા કરાવવાની રહેશે.

હજીરા વિસ્તારની ઓનએનજીસીમાં ગત ૨૪-૯-૨૦૨૦ ના રોજ પાઇપલાઇનમાં વિસ્ફોટ થયો હતો. ૧૦ કિ.મી સુધી તે સંભળાયો હતો. આ મુદ્દે કાંઠા વિસ્તાર પરિવર્તન ટ્રસ્ટે કેન્દ્રીય પર્યાવરણ પર્યાવરણ મંત્રાલય, જિલ્લા કલેકટર, જીપીસીબી તથા કેન્દ્રીય પ્રદુષણ બોર્ડમાં ફરિયાદ કરી હતી કે વિસ્ફોટથી પર્યાવરણમાં ઝેરી ગેસ જેવા કે સલ્ફર, નાઇટ્રોજન, અશુદ્વિઓ વાતાવરણમાં ફેલાઇ ગઇ હતી. તેમજ શોકવેવના કારણે લોકોના ઘરના કાચને પણ નુકસાન થયુ હતુ.

જીપીસીબીએ ઓએનજીસીને એક્ષપર્ટ કમિટી બનાવી થયેલા નુક્સાનની ચકાસણી કરી વળતર આપવા માંગ કરી હતી. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી) ને યોગ્ય પગલાં લેવા આદેશ કર્યો હતો. આ આદેશના પગલે જીપીસીબી બોર્ડના એર એકટ ૧૯૮૧ હેઠળ આપેલ દિશાનિર્દેશ અનુસાર સ્થાનિક પર્યાવરણને થયેલ નુકસાનની વચગાળાની રકમ માટે ઓનએનજીસી હજીરાને રૂપિયા ૧ કરોડ જીપીસીબીમાં જમાં કરાવવા આદેશ કર્યો છે. સાથે જ ભવિષ્યમાં આવી દુર્ઘટના નહીં થાય એ પર્યાવરણને નુકસાન નહીં થાય તે માટે કંપનીની અંદર જરૂરી સલામતીના ભાગરૃપે સાધનો મુકવા માટે પણ તાકીદ કરાઇ છે.