અમદાવાદના નારોલ વિસ્તારમાં વાયુ પ્રદૂષણને લઇને સ્થાનિકોને હાલાકી

શિયાળાની ઋતુમાં હવા પાતળી હોવાથી લોકોમાં શ્વાસ સંબંધિત સમસ્યાઓ જોવા મળતી હોય છે. ખાસ કરીને હાલમાં જ્યારે શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે, ત્યારે શહેરના નારોલ વિસ્તારમાં ઔદ્યોગિક એકમોની ચીમનીમાંથી નીકળી રહેલા ધૂમાડાઓએ નારોલ વિસ્તારના રહીશો માટે ભારે હાલાકી ઉભી કરી છે.

નારોલના શાહવાડી અને રાણીપુર પાટિયા સહિતના વિસ્તારોમાં આવેલા રહેણાંક વિસ્તારોમાં લોકો માટે આ વાયુ પ્રદૂષણ સમસ્યારૂપ બની રહ્યું છે. ઔદ્યોગિક એકમોની ચીમનીઓમાંથી નીકળી રહેલા ધૂમાડાના કારણે લોકોના ધાબા પર રાખનું સામ્રાજ્ય જોવા મળતુ હોય છે, તો લોકોને શ્વાસ લેવામાં પણ સમસ્યા પડી રહી છે.

સ્થાનિકોના કહેવા પ્રમાણે આ વિસ્તારમાં મોટા પાયે ઔદ્યોગિક એકમો આવેલા છે. આ ઔદ્યોગિક કંપનીઓમાંથી નીકળતા ધૂમડા માટે ચીમનીઓ લગાવવામાં આવી છે. જેના કારણે અહીં સમગ્ર વિસ્તારમાં ધૂમાડાનું સામ્રાજ્ય જોવા મળે છે. જેના કારણે માનવ જાતને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. આ શિયાળાની ઋતુમાં આમ પણ હવા પાતળી હોય છે, ત્યારે આ ફેલાતા ધૂમાડાના કારણે ઓક્સિજનનું સ્તર પણ ઘટી જાય છે. જેને લઇને લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. આ ધૂમાડાથી લોકો બિમારીઓનો ભોગ બની રહ્યાં છે. રાત્રે જ્યારે અગાશી પર જઇએ તો ધૂમાડાની કાળી રાખ જાેવા મળે છે. ત્યારે અહીંના સ્થાનિકોની સુખાકારી માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે.

ગાંધીનગરમાં જીપીસીબીની કચેરીમાં બેસતા મુખ્ય કચેરીના અધિકારીઓની રહેમ નજર હેઠળ નારોલ પ્રદૂષણના પ્રોસેસ હાઉસ ધમધમી રહ્યાં છે. આ ઔદ્યોગિક એકમો બેફામ બની હવામાં ઝેરી વાયુ અને નદીમાં પ્રદૂષિત પાણી છોડી રહ્યાં છે. જેનાથી જમીન અને હવા મોટા પ્રમાણમાં પ્રદૂષિત થઇ રહી છે.

આ અંગે કેટલાંક જાગૃત નાગરિકો દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંબંધિત અધિકારીઓને પુરાવા સાથે જાણ પણ કરી છે, છતાં પણ આ બાબતે જીપીસીબીના અધિકારીઓ દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં ન હોવાની વાત પણ જાગૃત નાગરિકો જણાવી રહ્યાં છે, ત્યારે અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે લોકોના સ્વાસ્થ્ય સામે જોખમકારક હવામાં ઝેરી ઘૂમાડા ઓકતા આ ઔદ્યોગિક એકમો સામે ક્યારે નક્કર પગલા લેવાશે.?