દીપડાથી લોકોને બચાવવા રેડિયો કોલર લગાડી અભ્યાસ શરૂ

સૌરાષ્ટ્રમાં સિંહની સાથે દીપડાની વસ્તી પણ નોંધપાત્ર સંખ્યામાં છે. અને સીમ વિસ્તારમાં રહેતા લોકો પર વન્યપ્રાણી દ્વારા કરાતા હુમલાના સૌથી વધુ બનાવોમાં દીપડા સાથેનું ઘર્ષણજ વધુ હોય છે. આથી દીપડાની મુવમેન્ટનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ થઇ શકે એ માટે વનવિભાગે ૫ દીપડાને રેડિયો કોલર પહેરાવી તેની અવરજવર, જીવનશૈલી, આવાગમનનો સમય, સહિતની બાબતો પર નજર રાખવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે.

આ અંગેની વિગતો આપતાં સાસણ વન્ય પ્રાણી વિભાગના ડીએફઓ ડો. મોહન રામે જણાવ્યું છેકે, ૨ દીપડાને રેડિયો કોલર પહેરાવી તેને ફરી જંગલમાં મુક્ત પણ કરી દેવાયા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ ૫ દીપડાને રેડિયો કોલર પહેરાવવામાં આવશે. આમ હજુ ૩ દીપડાને આ રીતે રેડિયો કોલર પહેરાવવાનાં બાકી છે. આ રેડિયો કોલર વિદેશની આયાત કરાયા છે. અને તેનો રંગ પણ દીપડાના શરીર સાથે મળી જાય એવો છે.