વીડિયોઃ સુરતની સચિન ઔદ્યોગિક વસાહતમાં બેફામ પ્રદૂષણ એક તપાસનો વિષય

સચિનઃ ઔદ્યોગિક વિકાસ એ આજના સમયની જરૂરિયાત છે, પણ પર્યાવરણના ભોગ લેવાતો હોય તો તે બાબત ચોક્કસથી વિચારવા લાયક છે. આવા કેટલાંક પ્રદૂષણને ફેલાવતા કૃત્યોને છાવરતા દ્રશ્યો સુરતની સચિન ઔદ્યોગિક વસાહતમાં જોવા મળ્યા, જ્યાં બેફામ રીતે પ્રદૂષિત કચરાને જાહેરમાં બાળીને વાયુ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે. જોકે, આવી ઘટનાઓ ચોક્કસથી તપાસનો વિષય બની જતી હોય છે, જીપીસીબી સુરતના પ્રાદેશિક કચેરીના અધિકારીઓ શું આવી દુર્ઘટનાઓમાં તપાસને લઇને ઉદાસીનતા દાખવી રહ્યાં છે કે કેમ? તે પ્રશ્ન અહીં ઉપસ્થિત થઇ રહ્યો છે.

સચિન જીઆઈડીસી ખાતે ટેક્સટાઇલ એકમોની ચિમનીમાંથી બેફામ ધૂમાડા છોડી વાયુ પ્રદૂષણ ફેલાવી રહ્યાં છે. જેને અહીં દ્રશ્યમાં જોઇ શકાય છે. તો બીજી તરફ પ્રદૂષિત પાણીથી ખદબદતા નાળાઓમાં છોડાઇ રહેલા ગેસ પણ દ્રશ્યોમાં કેદ થયા હતા. આ કૃત્ય આબાદ રીતે કેમેરામાં ઝડપાઇ ગયું હતુ. જોકે, આ ગેસ કાયદેસર રીતે છોડાતો હોય તો કોઇ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, પરંતુ જો ગેરકાયદેસર હોય તો તે એક તપાસનો વિષય છે. જોકે આવા પર્યાવરણ વિરોધી કૃત્યો કરી રહેલા લોકોને જાહેરમાં લાવવા ખૂબ જ જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે કોઇ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયર સેફ્ટી અને કામદારોની સુરક્ષા માટે ગાઇડલાઇનનું પાલન કરાવવામાં આવતુ હોય છે, પરંતુ આ રીતે ઝેરી ધૂમાડાઓ ઓકતી ચિમનીઓ અને ગંદા નાળામાં છોડાઇ રહેલા ગેસના કૃત્યો પર નિયંત્રણ ન હોવાનું આ દ્રશ્યો ચાડી ખાઇ રહ્યાં છે. ત્યારે આવા કૃત્યો કે જે પર્યાવરણ માટે ખૂબ જ ઘાતક સાબિત થાય છે, તેને નિયંત્રણમાં લાવવા કે પડકારવા માટે પ્રાદેશિક જીપીસીબી કચેરી સહિત જવાબદાર તંત્ર દ્વારા ક્યારે કડક પગલા અપનાવાશે તે હવે જોવું રહ્યું.