સાબરમતી નદીમાં થયેલા ધડાકાથી અડધો કિલોમીટર સુધીનાં રહેણાકો-ઓફિસોનાં બારી-બારણાં ધ્રુજ્યા

એક વર્ષ બાદ ગુજરાતમાં ડિફેન્સ એક્સપો યોજાવાનો છે, જે અંતર્ગત અમદાવાદમાં એર શોનું આયોજન કરાયું છે. ત્યારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એર શો થશે. સાબરમતી નદીમાં એક બ્લાસ્ટનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ બ્લાસ્ટ જાણે કોઈ યુદ્ધ દરમિયાન થયો હોય એવું લાગી રહ્યું હતું. અચાનક આગની જ્વાળાઓ મોટી થઈ અને એટલો મોટો ધડાકો થયો કે ૫૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલાં મકાનોનાં બારી-બારણાં પણ ધ્રૂજી ગયાં હતાં. ૧૮ ઓક્ટોબરથી ૨૨ ઓક્ટોબર સુધી રિવરફ્રન્ટ પર સાંજે એર શો યોજાવાનો છે. આ એર શોને લઈને એરફોર્સ અને આર્મી દ્વારા રિવરફ્રન્ટ પર રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. ડિફેન્સ એક્સપો ૨૦૨૨ અમદાવાદમાં હવે ગણતરીના દિવસોમાં યોજાવાનો છે. એ માટે પોલીસ અને અલગ-અલગ એજન્સીઓ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. સતત એક સપ્તાહથી ચાલી રહેલા રિહર્સલથી લોકો મંત્રમુગ્ધ થયા છે, પરંતુ આ માત્ર રિહર્સલ હતું. હવે ૧૮થી ૨૨ દરમિયાન એનો રિયલ અંદાજ સામે આવશે, જેની અલગ જ ઓળખ છે.

અમદાવાદ સાબરમતી નદીની બંને તરફ ઊડતાં ડિફેન્સનાં હેલિકોપ્ટરના અવાજ તેમજ નદીમાં થતા બ્લાસ્ટ એક અલગ ઓળખ બનવા જઈ રહ્યા છે. અમદાવાદમાં પહેલાં ક્યારેય પણ સાબરમતી નદીમાં આ પ્રકારનાં આયોજન કરાયા નહોતાં, ત્યારે આ વખતે થઈ રહેલા કાર્યક્રમમાં આખું અલગ જ વાતાવરણ સર્જાવા જઈ રહ્યું છે. સાંજે સાબરમતી નદીમાં એક ડેમોન્સ્ટ્રેશન દરમિયાન લોકોને ધ્રુજાવી દે એવા અહેસાસ થયા હતા. નદીમાં થયેલો એક બ્લાસ્ટ જાણે કોઈ યુદ્ધના મેદાનમાં થયો હોય એવો હતો અને એની આગની જવાળાઓ ૧૦૦થી ૧૫૦ મીટર ઉપર ગઈ હતી. આ ધડાકા દરમિયાન એટલો તીવ્ર અવાજ અને ધ્રુજારી થઈ કે ૫૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલાં મકાનોનાં બારી-બારણાં ધ્રૂજી ગયાં હતાં. એર શોમાં ઇન્ડિયન એરફોર્સનું બેસ્ટ હેલિકોપ્ટર સારંગ આ વખતે ભાગ લેશે. આ ઉપરાંત નાનાં-નાનાં હેલિકોપ્ટર દ્વારા પણ વિવિધ કરતબ કરવામાં આવશે. આ ઉપરાંત અત્યારે રેસ્ક્યૂનું પણ રિહર્સલ કરવામાં આવે છે, જે એર શોમાં આકર્ષણ બની રહેશે. ઇન્ડિયન નેવીનું સી કિંગ હારપૂન હેલિકોપ્ટર પણ રોજ સાંજે રિવરફ્રન્ટ પર રિહર્સલ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. રિવરફ્રન્ટ પર એનડીઆર એફ અને ફાયરની ટીમ તકેદારીના ભાગરૂપે રાખવામાં આવી છે.

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૧૮થી ૨૨ ઓક્ટોબર સુધી યોજાનારા ડિફેન્સ એક્સપો અને એર-શોને લઈને સરકારે લોકો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. સુરક્ષા બળની અલગ અલગ પાંખો દ્વારા અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ખાતે ચાર દિવસ સુધી અલગ અલગ કરતબો બતાવવામાં આવશે, જેને કારણે આ રિવરફ્રન્ટ પર બંને તરફ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શક્યતા છે. આ કારણથી અમદાવાદ ટ્રાફિક-પોલીસે રિવરફ્રન્ટના બંને તરફના રસ્તાઓને બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે તેમજ એના માટે ચાર દિવસ સુધી વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યો છે. અમદાવાદના આકાશમાં રોજ સાંજે અલગ અલગ હેલિકોપ્ટર ઊડે છે. આ હેલિકોપ્ટર દ્વારા એર શૉની તૈયારી માટે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. અટલ બ્રિજથી જમાલપુર બ્રિજ વચ્ચેની નદીમાં હેલિકોપ્ટરમાંથી સેનાના જવાનો વિવિધ કરતબો બતાવી રહ્યાં હોય છે. મોટી સંખ્યામાં લોકોની ભીડ આ કરતબ જોવા ભેગી પણ થાય છે.

જોકે રિવરફ્રન્ટના પટ્ટા પર કોઈ પણ નાગરિકને પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો. એર શો દરમિયાન હેલિકોપ્ટરને બર્ડહિટ ન થાય તેની ખાસ તકેદારી રખાશે. જો એર શો દરમિયાન સાબરમતી પર વધુ પડતાં પક્ષીઓ હશે તો ભગાડવા માટે એક સ્પેશિયલ ટીમ તૈનાત કરાશે જેથી હેલિકોપ્ટરને બર્ડહિટ થાય નહીં.એક સરવે મુજબ રિવરફ્રન્ટ પર સૌથી વધુ સમડી સહિતના વિવિધ પક્ષીઓ વધુ છે. પીરાણામાં કચરાનો ડુંગર હોવાથી પણ સમડીઓ દેખાય છે. સી-પ્લેન સર્વિસ જ્યારે ચાલતી હતી ત્યારે રૂટ પર પક્ષીઓ વધુ હોવાથી બર્ડહિટ ન થાય માટે ફટાકડા ફોડવામાં આવતા હતા.

હવે સાબરમતી પર એર શો દરમિયાન હેલિકોપ્ટરને બર્ડહિટનું જોખમ ઉભું ન થાય તે માટે વિશેષ ટીમ તૈનાત કરાશે જે પક્ષીઓની મુવમેન્ટ પર સતત નજર રાખી તેને ભગાડવાનું કામ કરશે જરૂર પડશે તો ફટાકડા પણ ફોડશે. અથવા તો આ રૂટ પર કેમિકલ સ્પ્રે પણ કરાય તેવી શક્યતા છે.