પીએમ મોદીએ મન કી બાતમાં નદીને ગણાવી માતા, પણ જીપીસીબી અને એએમસી સાબરમતી નદીની શુદ્ધિ માટે કેટલા તૈયાર?

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઉદ્યોગકારો નદીની પવિત્રતાને દૂષિત કરી પીએમના સપનાને ચકનાચૂર કરવા નીકળ્યા હોય તેમ લાગી રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 81મી વાર મન કી બાતમાં દેશની જનતાને સંબોધન કર્યું. તેમણે પોતાના સંબોધનમાં નદીઓની સ્વચ્છતાને લઇને વાત કરી. જેમાં તેમણે આજે વર્લ્ડ રિવર ડે નિમિત્તે પોતાના કાર્યક્રમમાં નદીઓના મહત્વ અંગે જાણકારી આપતા કહ્યુ હતુ કે, નદી આપણા માટે જીવંત એકમ છે અને તેટલો તો આપણે નદીઓને માતા કહીએ છે. આપણા મોટાભાગના તહેવારો નદીની ગોદમાં જ થતા હોય છે. તેમણે કહ્યુ હતુ કે, વરસાદની સીઝન બાદ બિહાર અને પૂર્વમાં છઠ્ઠ પર્વ મનાવાય છે અને મને આશા છે કે, નદીઓના કિનારા પર ઘાટો પર તેના માટે સફાઈ શરુ થઈ ગઈ હશે.આપણે જ્યારે નદીઓના મહત્વની વાત કરી રહ્યા છે ત્યારે એક સવાલ થવો સ્વાભાવિક છે કે, નદીઓ પ્રદુષિત કેમ થઈ રહી છે.જોકે મારે કહેવુ છે કે, સરકારે નમામી ગંગે અભિયાન એટલા માટે જ શરુ કર્યુ છે.ગુજરાતમાં અમે સાબરમતી અને નર્મદા નદીને જોડી દીધી તો જ્યારે પણ અમદાવાદ જશો તો સાબરમતી નદી આજે વહેતી દેખાશે.

મન કી બાત થકી પીએમ નરેન્દ્ર મોદીએ નદીઓને માતા તરીકે સંબોધી તેને શુદ્ધ રાખવા માટે હિમાયત કરી. પરંતુ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઉદ્યોગકારો નદીની પવિત્રતાને દૂષિત કરી પીએમના સપનાને ચકનાચૂર કરવા નીકળ્યા હોય તેમ લાગી રહ્યું છે. જે હાલમાં જ પર્યાવરણ ટુડેમાં પ્રકાશિત થયેલા વિસ્તૃત અહેવાલ પરથી જોઇ શકાય છે.

સાબરમતી નદીમાં દુષિત પાણી ઠાલવવાનો ખેલ, ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ – વાંચવા માટે અહીં ક્લિક કરો

આ અહેવાલ પ્રમાણે જોઇએ તો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના નારોલ, દાણીલીમડા, ઓઢવ, નરોડા, વટવા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં કેટલાંક એકમો દ્વારા ગેરકાયદેસર રીતે જોખમી કેમિકલયુક્ત ગંદુ પાણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાંખેલી સ્થાનિક ગટર લાઇનોમાં છોડવામાં આવે છે. આ માટે ગેરકાયદે સુએજ લાઇનોમાં ભંગાણ કરવામાં આવે છે પછી આ એકમોનું પાણી એસટીપી પ્લાન્ટ સુધી પહોંચે છે. જોકે, એસટીપી પ્લાન્ટ ગટરના પાણી ટ્રીટ કરવા માટે ડિઝાઇન કરેલા હોય છે એટલે, જ્યારે કેમિકલના ગંદા પાણી આવે ત્યારે પ્લાન્ટ ઓપરેશન કરતાં કોન્ટ્રાક્ટર કંપનીને ખબર પડે છે પણ આ રોકવા માટે કોઇ કડક પગલાં લેવાતા નથી. ગટરના પાણી સાથે કેમિકલયુક્ત પાણી ટ્રીટ કર્યા વિના સાબરમતી નદીમાં ઠાલવવામાં આવે છે જેના કારણે આ સાબરમતી નદીનું પાણી દુષિત થાય છે. આ પાણી આગળ વહીને જે જમીનોમાં ભળે છે ત્યાં પણ જમીનને ભારે નુકશાન થાય છે સાથે આ પાણી ભૂગર્ભમાં ઉતરે છે અને ભુગર્ભ જળ પણ દુષિત થાય છે. જેના કારણે સાબરમતી નદી દુષિત થઇ રહી છે.

કેન્દ્ર સરકારના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિશ્ચિત કરેલા પેરામીટર મુજબ ગટરના પાણી ટ્રીટ કર્યા વિના બારોબાર સાબરમતી નદીમાં છોડવામાં આવે છે, જેના કારણે સાબરમતી નદી પ્રદુષિત થઇ રહી છે. એક બે વર્ષ નહીં પણ અનેક વર્ષોથી આવી બેદરકારી દાખવવામાં આવી રહી છે.