નવનિયુક્ત સભ્ય સચિવની કડક છબી છતાં મોરબીમાં પ્રદૂષણ માફિયા બેખૌફ? GPCBની પ્રાદેશિક કચેરીની ‘કાર્યવાહી’ પર ઉઠી રહ્યા છે ગંભીર સવાલ

  • “ગાંધીનગરમાં ઈમાનદાર નેતૃત્વ, પણ મોરબીમાં જૂનું જ રાજ?” હાનિકારક કચરાના ડમ્પિંગથી લોકોમાં રોષ
  • ઔદ્યોગિક પ્રદૂષણને લઈને જનતા પૂછે છે – “આખરે કોના ઈશારે ચાલે છે પ્રાદેશિક તંત્ર?”
  • સ્થાનિક સ્તરેથી  પર્યાવરણના હિતમાં સકારાત્મક પગલા લેવાય તે આવકાર્ય બાબત ગણી શકાય

અમદાવાદ। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)માં નવનિયુક્ત સભ્ય સચિવ (MS)ની નિમણૂક બાદ સમગ્ર રાજ્યમાં હવે પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી થશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. નવા સભ્ય સચિવની છબી એક ઈમાનદાર, કડક અને પારદર્શક અધિકારી તરીકેની રહી છે. કહેવાય છે કે ઘણા પ્રદૂષણ માફિયાઓ આજે તેમના નામ માત્રથી પણ ફફડી રહ્યા છે.

પરંતુ વિંડબણા એ છે કે મોરબીમાં ચિત્ર બિલકુલ જુદું દેખાઈ રહ્યું છે. અહીં ખુલ્લેઆમ હાનિકારક કચરાનું ડમ્પિંગ, પ્રોસેસ સ્લજનો ગેરકાયદે નિકાલ અને વાયુ-જળ પ્રદૂષણ ફેલાઇ રહ્યાના ગંભીર આક્ષેપો વચ્ચે એવું લાગી રહ્યું છે કે પોલ્યુશન માફિયાઓ હજુ પણ બેખૌફ બનીને કાર્ય કરી રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે મોરબીની પ્રાદેશિક કચેરીના કેટલાક જવાબદાર તત્વોના “આશીર્વાદ” વિના આટલા મોટા પાયે ગેરરીતિઓ શક્ય જ નથી.

આ સમગ્ર મામલે સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી રહી છે કે જ્યારે જાગૃત નાગરિકો કે પર્યાવરણ કાર્યકરો ગેરકાયદે ડમ્પિંગ અંગે મૌખિક ફરિયાદ કરવા માટે સ્થાનિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના પ્રાદેશિક અધિકારીઓને ફોન કરે છે, ત્યારે અધિકારીઓ કોલ રિસીવ કરવાનું પણ ટાળી રહ્યા હોય તેવા આક્ષેપો સ્થાનિક સ્તરે ઉઠી રહ્યા છે.

લોકોમાં ભારે રોષ છે કે જો પ્રદૂષણ જેવી ગંભીર બાબતમાં જવાબદાર અધિકારીઓ જનતાની વાત સાંભળવા તૈયાર ન હોય તો, સામાન્ય નાગરિક ન્યાય માટે ક્યાં જાય? શું કેટલાક ઉદ્યોગકારો સાથે ગોઠવણના કારણે ફરિયાદો દબાવવામાં આવી રહી છે? કે પછી મોરબીની પ્રાદેશિક કચેરીમાં જવાબદારીનો સંપૂર્ણ અભાવ છે? આ સમગ્ર બાબત તપાસનો વિષય છે, જેથી તથ્યને બહાર લાવી શકાય.

સૂત્રોના જણાવ્યા અનુસાર મોરબીના હાઈવે, ગ્રામ્ય રસ્તાઓ અને ખાલી જમીનો પર રાત્રિના સમયે ડમ્પરો મારફતે કેમિકલયુક્ત કચરો, ETP સ્લજ અને ઉદ્યોગોમાંથી નીકળતો જોખમી કચરો ખુલ્લેઆમ ઠાલવવામાં આવે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રાત્રિ દરમિયાન ન તો યોગ્ય પેટ્રોલિંગ થાય છે, ન તો તાત્કાલિક સેમ્પલિંગ. જેના પરિણામે જમીન પ્રદૂષિત થઈ રહી છે, ભૂગર્ભ જળ પર ખતરો ઊભો થયો છે અને આસપાસના ગામોમાં આરોગ્ય સંબંધિત ચિંતાઓ વધી રહી છે.

સાથેસાથે હાલમાં ફ્યુઅલની અછત વચ્ચે કેટલાક ઔદ્યોગિક એકમોમાં પ્રતિબંધિત માનવામાં આવતા Petcoke (Petroleum Coke)નો ઉપયોગ થતો હોવાની માહિતી પણ સામે આવી રહી છે. પર્યાવરણ નિષ્ણાતોના મતે પેટકોકના દહનથી સલ્ફર અને સૂક્ષ્મ કણોનું ઉત્સર્જન વધે છે, જે હવાની ગુણવત્તા માટે ગંભીર ખતરો બની શકે છે.   

સ્થાનિક પર્યાવરણ કાર્યકરો હવે આ મામલો નામદાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) સુધી લઈ જવાની તૈયારીમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, પર્યાવરણના હિતમાં સ્થાનિક સ્તરેથી પગલા લેવામાં આવે તો આ સ્થિતિને ટાળી શકાય છે. પર્યાવરણની હિતમાં ગેરકાયદે ડમ્પિંગ કરનારા એકમો સામે કડક કાર્યવાહી, જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ, પ્રદૂષિત વિસ્તારોનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ, રાત્રિ પેટ્રોલિંગ અને મોનિટરિંગ મજબૂત બનાવવું, જનતાના કોલ અને ફરિયાદ માટે પારદર્શક વ્યવસ્થા ઉભી કરવી, મોરબીમાં રાત્રે થતા ગેરકાયદે ડમ્પિંગ સામે કાર્યવાહી થાય તે સહિતના સકારાત્મક પગલા લેવાય તે આવકાર્ય છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news