વડોદરા GIDCમાં ઝેરી ગેસ લિક, બે કર્મચારીઓના મોત

વડોદરા શહેર નજીક નંદેસરી જીઆઈડીસી સૌથી મોટી ઔધોગિક એકમ ક્ષેત્ર ધરાવે છે. આ જીઆઈડીસીમાં બેઝિક ઇન્ટરનેશનલ નામની કંપની આવેલી છે. આ કંપનીમાં રોજ કર્મચારી નિત્યક્રમ મુજબ પોતાની ફરજ બજાવતા હોય છે. ગતરોજ મોડી રાત્રે કર્મચારીઓ પોતાના કામમાં વ્યસ્ત હતા, આ એકાએક ઝેરી ગેસ લિકેજની ઘટના બની હતી. આ ગેસ લિકેજના કારણે ફરજ બજાવી રહેલા નંદેસરીના ભાવેશ શાહ જેઓ કંપનીના પ્લાન્ટ સુપરવાઈઝર અને અસોદર ગામના અલ્પેશ પઢીયાર નામના કર્મચારીઓને ઝેરી ગેસની અસર થઈ હતી. જેથી તેઓ બેહોશ થઈ ગયા હતા.

તેઓને સાથી કર્મચારીઓ દ્વારા આ બંને કર્મચારીઓને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે છાણી વિસ્તારની શ્રીજી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બંને કર્મચારીઓના મોતથી જીઆઈડીસીની કંપનીઓના કર્મચારીઓ સહિત સાથી કર્મચારીગણમાં સોપો પડી ગયો હતો. જ્યારે આ બંને મૃતકોના પરિવારજનોને જાણ થતા પરિવાર જનોના પગ તળે જમીન સરકી ગઈ હતી અને તેઓ ખાનગી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અસોદરના સરપંચ મનુભાઈ પઢીયાર સહિતના લોકો દોડી આવીને કંપનીના સંચાલકો પાસે મૃતકના પરિવારજનોને વળતર મળે તે અંગેની માંગ કરી હતી.
આ અંગે ની જાણ નંદેસરી પોલીસને થતા પોલીસ શ્રીજી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને આ બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બાજવાની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.