અમરેલીના પાણી દરવાજામાં આવેલ સ્ટેટ હાઈવે પર મસમોટા ખાડોઓથી પ્રજા પરેશાન

અમરેલી શહેરમાં આવેલા પાણી દરવાજા વિસ્તારનો હાઇવે જેશીંગપરા, ચલાલા, બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારોને જોડતો મુખ્ય માર્ગ છે. અહીં સ્વામિનારાયણ મંદિર નજીકના રોડ પર મસમોટા ખાડા પડી ચુક્યા છે અને પાણીના ભરાવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી પ્રશાસન દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આ સ્ટેટ હાઇવે બેથી ત્રણ વર્ષો પહેલા બન્યો હતો અને હાલ આ હાઈવેની હાલત ખૂબજ કફોડી બની છે.

ઉપરાંત ખાડા હોવાથી અહીંથી પસાર થતા મુસાફરોને અકસ્માત સર્જાવાની ભીતિ સર્જાય છે. રસ્તો ખરાબ હોવાના કારણે મોટા વાહનોને ખાડામાંથી પસાર થવું પડે છે, ટ્રાફિક સમસ્યાઓ પણ સર્જાય છે. તેવામાં પ્રશાસન દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે રીપેરીંગ માટે સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. સ્થાનિક પ્રશાસન કોઈ દરકાર લેતું નથી. અહીંથી પસાર થતી એમ્બ્યુલન્સના દર્દીઓને હોસ્પિટલમાં પહોચાડવા પણ મુશ્કેલ અને ગંભીર બની જાય છે. તેમજ એસટી બસ તેમજ ખાંભા, ધારી સહિતનો રસ્તો હોવાને કારણે અહીંથી પસાર થતા સ્થાનિક તેમજ બહારના વિસ્તારના રોડ પરથી નીકળવું મુશ્કેલ બની જાય છે, જેથી ટ્રાફિક પણ સર્જાય છે અને લોકોને ભારે હાલાકી પડી રહી છે.