પૂણેના કાત્રજ વિસ્તારમાં એક પછી એક એમ ૧૦ જેટલા સિલિન્ડર ફાટયા

મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની પૂણેના કાત્રજ વિસ્તારમાં એક પછી એક સિલિન્ડર બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે. ટીન શેડની નીચે રાખવામાં આવેલા ૧૦થી વધુ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો છે. મંગળવારે (૨૯ માર્ચ) સાંજે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. અકસ્માતની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સિલિન્ડર વિસ્ફોટમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. કાત્રજ વિસ્તારમાં ગાંધર્વ લૉન પાસે એક ટીન શેડમાં સિલિન્ડરોનો જંગી સ્ટોક રાખવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આ સિલિન્ડરો અહીં ગેરકાયદેસર રીતે છુપાવવામાં આવ્યા હતા. અચાનક એક સિલિન્ડર ફાટ્યો. જે બાદ એક પછી એક ઘણા સિલિન્ડર ફાટ્યા. હ્રદયને ધ્રુજાવી દેતો અવાજ વીડિયોમાં સ્પષ્ટપણે સંભળાય રહ્યો છે. વિસ્ફોટના આ અવાજો સાંભળીને વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. આ વિસ્ફોટો શા માટે થયા? તે હજુ સ્પષ્ટ નથી. હાલ આ વિસ્ફોટો બાદ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે હાજર છે.

પૂણેના કાત્રજ વિસ્તારમાં ગાંધર્વ લૉન પાસે અચાનક ગેસ સિલિન્ડર ફાટવા લાગ્યા. એકથી બીજા, બીજાથી ત્રીજા સિલિન્ડરમાં વિસ્ફોટ થતો ગયો. જેના કારણે ભારે આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ ફાયર ફાઈટરોએ આગ પર ઘણી હદ સુધી કાબુ મેળવી લીધો છે. વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળ્યા બાદ ભીષણ આગમાંથી જ્વાળાઓ ઉંચી ઉછળવા લાગી હતી. આ જોઈને સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. શરૂઆતમાં આસપાસના લોકોને શું થયું તે સમજાયું નહીં. હાલ આ આગમાં કેટલું નુકસાન થયું છે તે હવે પછી જાણવા મળશે.