NGTનો કડક નિર્ણય, મોરબીની 337 સિરામિક એકમોની અપીલ ફગાવી, ₹122.21 કરોડનો પર્યાવરણીય દંડ યથાવત
- પર્યાવરણના ભોગે નફો રળનારા એકમોને લપડાક
- ગેસિફાયરથી ફેલાવેલા પ્રદૂષણનું વળતર હવે વ્યાજ સાથે ચૂકવવું પડશે
- “પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન સહન કરવામાં નહીં આવે. પ્રદૂષણ માટે જવાબદાર એકમોને તેની કિંમત ચૂકવવી જ પડશે”
અમદાવાદઃ મોરબીના સિરામિક ઉદ્યોગ માટે મોટો ઝટકોરૂપ નિર્ણય સામે આવ્યો છે. National Green Tribunal (NGT)એ મોરબીની 337 સિરામિક એકમો દ્વારા કરવામાં આવેલી અપીલ ફગાવી દીધી છે અને લગભગ ₹122.21 કરોડના પર્યાવરણીય વળતર (Environmental Compensation)ને યથાવત રાખ્યો છે.
મોરબી વિસ્તારની સિરામિક એકમો સામે પર્યાવરણના નિયમોના ભંગ અને પ્રદૂષણ નિયંત્રણમાં બેદરકારીના આક્ષેપો થયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કેટલીક એકમોએ હવા પ્રદૂષણ નિયંત્રણ માટે જરૂરી સાધનો અને નિયમોનું યોગ્ય પાલન કર્યું નહોતું.
આ કારણે Gujarat Pollution Control Board (GPCB)એ Environmental Compensation તરીકે કુલ ₹122.21 કરોડનો દંડ ફટકાર્યો હતો.
ટ્રિબ્યુનલે તેના 175 પાનાના વિસ્તૃત ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે પુરાવા મજબૂત છે.
એક્સપર્ટ કમિટીના અહેવાલ મુજબ પ્રદૂષણ ફેલાયું હોવાના પુરાવા સ્પષ્ટ છે.
દંડની ગણતરી વ્યાજબી લાગી રહી છે, કારમે કે GPCBએ ઉદ્યોગોના કદ (નાના, મધ્યમ અને મોટા) મુજબ જે દંડ નક્કી કર્યો છે તે વૈજ્ઞાનિક અને ન્યાયસંગત છે.
ઉદ્યોગકારોએ ‘કુદરતી ન્યાય’ની જે દલીલો કરી હતી તેને નકારી કાઢતા NGTએ જણાવ્યું કે તમામ એકમોને અગાઉ પૂરતી તક આપવામાં આવી હતી.
મોરબી દેશના અગ્રણી સિરામિક ઉત્પાદન કેન્દ્રોમાંનું એક છે. આ નિર્ણયથી ઉદ્યોગ પર આર્થિક અસર પડશે, પરંતુ પર્યાવરણ સુરક્ષા દ્રષ્ટિએ તેને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
પર્યાવરણ નિષ્ણાતોના મતે, આ નિર્ણય અન્ય ઉદ્યોગો માટે પણ ચેતવણી સમાન છે કે નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી થઈ શકે છે.
NGTના આ ચુકાદાથી સ્પષ્ટ થાય છે કે “પ્રદૂષણ કરનાર ચૂકવણી કરશે” (Polluter Pays Principle) નો કડક અમલ કરવામાં આવી રહ્યો છે.











