સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કડક અમલ માટે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ

  • પર્યાવરણને નુકસાન કરનાર પાસેથી વૈજ્ઞાનિક ધોરણે વસૂલાશે વળતર
  • કેન્દ્રને નવી માર્ગદર્શિકા ઘડવાનો આદેશ
  • દેશભરમાં એકસરખી અમલવારીનો માર્ગ મોકળો

નવી દિલ્હી: દેશમાં ઘન કચરાના સંચાલન (Solid Waste Management) અને પર્યાવરણને થતા નુકસાન સામે વધુ કડક કાર્યવાહી માટે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 4 ઓગસ્ટ, 2026ના રોજ આપેલા આ મહત્વપૂર્ણ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે (MoEFCC) Solid Waste Management Rules, 2026 હેઠળ પર્યાવરણીય વળતર (Environmental Compensation) નક્કી કરવા માટે સમગ્ર દેશમાં લાગુ પડે તેવી એકસમાન, પારદર્શક અને વૈજ્ઞાનિક માર્ગદર્શિકા (Guidelines) તૈયાર કરવાનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે,

પર્યાવરણને નુકસાન પહોંચાડનારા ઉદ્યોગો, સંસ્થાઓ કે અન્ય જવાબદાર વ્યક્તિઓ પાસેથી વસૂલવામાં આવતું પર્યાવરણીય વળતર (Environmental Compensation) હવે મનસ્વી રીતે નક્કી કરી શકાશે નહીં. તેના માટે સ્પષ્ટ કાનૂની માપદંડ, નુકસાનનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન અને પ્રદૂષણની ગંભીરતા મુજબ વળતર નક્કી કરવું પડશે. આ ચુકાદો ભવિષ્યમાં દેશભરમાં પર્યાવરણીય કાયદાના એકસરખા અને અસરકારક અમલ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શક સાબિત થશે.

Justice Pamidighantam Sri Narasimha અને Justice Alok Aradheની બેન્ચે જણાવ્યું કે માત્ર કાયદા બનાવવાથી પર્યાવરણનું રક્ષણ થતું નથી. નિયમોનો કડક અને અસરકારક અમલ થાય તે માટે મજબૂત સંસ્થાઓ, જવાબદાર અમલવારી અને સતત દેખરેખ જરૂરી છે. બંધારણીય અદાલતો તેમજ નેશનલ ગ્રીન ટ્રિબ્લ્યુનલ (NGT)ની ફરજ માત્ર વિવાદોનો નિકાલ કરવાની નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ માટે રચાયેલી સંસ્થાઓ અસરકારક રીતે કાર્ય કરે તેની ખાતરી કરવાની પણ છે.

કોર્ટે નોંધ્યું કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2026 હેઠળ રચાયેલી સેન્ટ્રલ ઇમ્પ્લિમેન્ટેશન કમિટી હવે માત્ર સલાહકાર સંસ્થા નહીં રહે, પરંતુ નિયમોના અસરકારક અમલ માટેની મુખ્ય કેન્દ્રીય સંસ્થા તરીકે કાર્ય કરશે. CPCBના ચેરમેન તેના અધ્યક્ષ રહેશે, જ્યારે સમિતિમાં MoEFCC, આવાસ અને શહેરી બાબતો મંત્રાલય (MoHUA), પંચાયતી રાજ મંત્રાલય, રસાયણ અને ખાતર મંત્રાલય, પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ, નેશનલ એન્વાર્યમેન્ટલ એન્જિનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટિટિટ્યુટ (NEERI), બ્યૂરો ઓફ ઈન્ડિયા સ્ટાન્ડર્ડ્ઝ (BIS), દેશના તમામ 36 સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પોલ્યુશન કંટ્રોલ કમિટીના અધ્યક્ષો. ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા, સિમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ તથા CPCBના Member Secretary (Member Convener)નો સમાવેશ કરવામાં આવ્યો છે.

સમિતિ સમગ્ર દેશમાં નિયમોના અમલની દેખરેખ રાખશે, અમલ દરમિયાન ઊભી થતી મુશ્કેલીઓ દૂર કરવા પગલાં લેશે, MoEFCCને જરૂરી ભલામણો કરશે, કેન્દ્રીય ઓનલાઈન પોર્ટલના વિકાસ અને સંચાલનનું માર્ગદર્શન અને દેખરેખ રાખશે, નિયમોના ઉલ્લંઘન બદલ વસૂલવામાં આવનાર પર્યાવરણીય વળતર માટે માર્ગદર્શિકા તૈયાર કરશે તેમજ વસૂલાયેલી રકમનો ઘન કચરા વ્યવસ્થાપન અને પર્યાવરણના પુનઃસ્થાપન માટે કેવી રીતે ઉપયોગ કરવો તેની ભલામણ કરશે. સમિતિ દર છ મહિને પોતાની કામગીરીનો અહેવાલ અને ભલામણો MoEFCCને રજૂ કરશે. કોર્ટના જણાવ્યા મુજબ આ સમિતિના નિર્ણયો માત્ર ભલામણરૂપ નહીં, પરંતુ કાયદાકીય અસર (Force of Law) ધરાવશે અને સમગ્ર દેશમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2026ના એકસરખા અને અસરકારક અમલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ફરી એકવાર “Polluter Pays Principle” (પ્રદૂષણ કરનાર ચૂકવશે) સિદ્ધાંતને મજબૂત બનાવ્યો છે. કોર્ટના જણાવ્યા અનુસાર પર્યાવરણીય વળતર માત્ર દંડ નથી, પરંતુ પર્યાવરણને થયેલા નુકસાનની ભરપાઈ અને તેના પુનઃસ્થાપન માટેનું કાનૂની સાધન છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પર્યાવરણીય વળતર દંડનો વિકલ્પ નથી, પરંતુ દંડ ઉપરાંત વસૂલવામાં આવતું વળતર છે. પ્રદૂષણ કરનારને માત્ર પીડિતોને જ નહીં, પરંતુ જમીન, પાણી, હવા અને સમગ્ર પર્યાવરણનું શક્ય તેટલી હદ સુધી પુનઃસ્થાપન કરવા માટે થતો ખર્ચ પણ ચૂકવવો પડશે. માત્ર દંડ ભરી દેવાથી પ્રદૂષણ કરનારની જવાબદારી પૂર્ણ થઈ જતી નથી.

સુપ્રીમ કોર્ટે પર્યાવરણીય વળતર નક્કી કરવા માટે અનેક મહત્વપૂર્ણ સિદ્ધાંતો પણ સ્પષ્ટ કર્યા છે. જેમાં પ્રદૂષણથી થયેલા વાસ્તવિક અને પરોક્ષ બંને પ્રકારના નુકસાનનો સમાવેશ કરવો, પર્યાવરણને થયેલું નુકસાન પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી પ્રદૂષણ કરનારની જવાબદારી ચાલુ રહેવી, પ્રદૂષણ કરનારની આર્થિક ક્ષમતા ધ્યાનમાં લેવી, પર્યાવરણ પુનઃસ્થાપનનો ખર્ચ ઉમેરવો અને વળતર હંમેશા પ્રદૂષણના પ્રમાણ સાથે તર્કસંગત અને પ્રમાણસર રાખવું જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. સાથે જ અદાલતો અને ટ્રિબ્યુનલોને દરેક કેસમાં વળતરની ગણતરી પાછળનું કારણ, ધ્યાનમાં લેવાયેલા પરિબળો અને અપનાવેલી પદ્ધતિ સ્પષ્ટ રીતે નોંધવાની પણ ફરજ પાડવામાં આવી છે.

ચુકાદા મુજબ પર્યાવરણીય વળતર વસૂલવાની મુખ્ય જવાબદારી સંબંધિત State Pollution Control Board (SPCB) અથવા Pollution Control Committee (PCC) ની રહેશે. જો રાજ્ય બોર્ડ સમયસર કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો CPCB સંબંધિત રાજ્ય બોર્ડને જરૂરી દિશાનિર્દેશ (Directions) આપી શકશે. વસૂલવામાં આવેલી રકમ અલગ Escrow Accountમાં રાખવામાં આવશે અને તેનો ઉપયોગ માત્ર ઘન કચરા વ્યવસ્થાપન, પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણના પુનઃસ્થાપન માટે જ થઈ શકશે.

સુપ્રીમ કોર્ટે અંતે MoEFCCને આદેશ આપ્યો છે કે અગાઉના મહત્વપૂર્ણ ચુકાદાઓ, CPCBની વર્તમાન માર્ગદર્શિકા અને સંબંધિત પર્યાવરણ નિયમોને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકા તૈયાર કરે અને તેની પ્રગતિ અંગે એફિડેવિટ અદાલતમાં રજૂ કરે. કેસની આગામી સુનાવણી 29 સપ્ટેમ્બર, 2026ના રોજ નિર્ધારિત કરવામાં આવી છે.

આ ચુકાદો માત્ર ઘન કચરા વ્યવસ્થાપન પૂરતો મર્યાદિત નથી. તે પર્યાવરણીય કાયદાના અમલને વધુ પારદર્શક, વૈજ્ઞાનિક અને જવાબદાર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે ભવિષ્યમાં સમગ્ર દેશમાં પર્યાવરણ શાસનની કાર્યક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

*File Photo

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news