બ્રાઝિલમાં કુદરતી આફત ભૂસ્ખલન અને પૂરે તબાહી મચાવી

એક તરફ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે તો સાથે જ અનેક દેશોમાં કુદરતનો કહેર પણ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં બ્રાઝિલ ના રિયો ડી જાનેરોમાં ભારે વરસાદ અને ત્યારબાદ ભૂસ્ખલન અને પૂરના કારણે ભારે વિનાશ સર્જાયો છે. કુદરતનો આ કહેર એટલો ભયાનક છે કે અત્યાર સુધીમાં અંદાજે ૯૪ લોકોના મોત થયા છે. રિયો ડી જાનેરોના ફાયર વિભાગે એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે. માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. હાલમાં બચાવ ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં પીડિતોની શોધ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે માત્ર ત્રણ કલાકમાં જ ૩૦ દિવસ જેટલો વરસાદ થયો છે.

આવી સ્થિતિમાં, તમે સમજી શકો છો કે ત્યાંના લોકોનું શું હાલત હશે. આ તબાહીનું ભયાનક અને હૃદયદ્રાવક દ્રશ્ય કેમેરામાં કેદ થઈ ગયું છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પૂરે તબાહી મચાવી છે. સમગ્ર વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. શેરીઓમાં કાર ડૂબી ગઈ છે, શોપિંગ સેન્ટરોમાં પાણી ભરાઈ ગયા છે, સામાન પાણીમાં તરી રહ્યો છે, ઘરો તૂટી ગયા છે. ઘણા વિસ્તારોમાં તો એવા ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે જોઈને રુવાડા ઊભા થઈ જાય. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર fishvideobrasill નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં ૧૫ હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. ત્યારે વીડિયો જોયા પછી ઘણા લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. વરસાદના કારણે પૂરનું આવું ભયાનક દ્રશ્ય ભાગ્યે જ જોવા મળે છે. બ્રાઝિલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વરસાદ આટલી ઝડપથી બંધ થવાનો નથી, પરંતુ હજુ કેટલાક કલાકો સુધી મધ્યમ વરસાદ પડી શકે છે.