કચ્છના રતનપર ગામમાં ઘરે ઘરે પાણી મળતું થયું

કચ્છના ધોળાવીરા નજીક આવેલુ દુર્ગમ રતનપર ગામ તાલુકા મથક ભચાઉથી ૧૩૫ કિલોમીટર દૂર વસેલું છે. જ્યાં ૨૦૧૧ સેશન્સ મુજબ ૨૦૩ જેટલા ઘર અને આશરે ૯૮૯ જેટલી વસ્તી વસેલી છે. એવા જિલ્લાના છેવાડાના રતનપર ગામમાં મુખ્યત્વે આહીર, રબારી લોકોની વસ્તી છે. જેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે. જિલ્લાના ઉત્તર પૂર્વના દુર્ગમ એવા ખડીર વિસ્તારમાં આવેલી વિશ્વ ધરોહર ધોળાવીરાની નજીક વસેલા આ ગામનો પાણી બાબતે ભૂતકાળ ખુબ નબળો રહ્યો છે.

ગામમાં પાણીની સુવિધાના અભાવને લઈ બહેનોને ગામના છેવાડે આવેલા કૂવામાં પાણી ભરવા જાઉં પડતું હતું. આ માટે લાંબુ અંતર કાપી બેડાં ઉપાડી તેઓ પાણી ભરી લાવતા હતા. જે ખૂબ જ કપરું કામ હતું. પરંતુ સમય જતાં પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થતાં ગામ લોકો એકત્રિત થયા અને પાણી બાબતે નક્કર પગલાં લેવાનું નક્કી કર્યું અને ગામમાં પાણી સમિતિની રચના કરી. આ માટે પાણી સમિતિ દ્વારા વાસ્મો પુરસ્કૃત ગ્રામ્ય આંતરિક પાણી વિતરણ યોજનામાં જોડાવાનક્કી કરવામાં આવ્યું. ત્યારબાદ લોકોએ સાથે મળી ૧૦% લોકફાળો એકત્રિત કરવા સહમત થયા. મહિલા સરપંચ વેજીબેન દશરથભાઈ આહિરે જણાવ્યું કે, લોકભાગીદારીથી અમે વર્ષ ૨૦૧૭માં ગામમાં વાસ્મો સાથે જોડાઈને અંદાજે રૂ. ૨૪ લાખ ૮૧ હજાર ૨૦૦ની કિંમતની આંતરિક પાણી યોજના અમલી કરી. જેમાં મુખ્યત્વે પાઈપલાઈન, જમીન તળના ૩ ટાંકા અને પશુઓ માટે ૩ અવાડા સહિતના ઘટકોનો સમાવેશ કર્યો છે.

વધુમાં, વર્ષ ૨૦૧૯માં આ યોજના સાકાર કરી કાયાર્ન્વિત કરવામાં આવી અને ત્રણ દાયકા પછી દલિતવાસ, રબારીવાસના વિસ્તારના ઘરોમાં પાઈપલાઈન મારફતે પાણી મળતું થયું. વધુમાં સરપંચ વેજીબેન કહે છે કે, હાલ ગામની પાણી યોજના સુચારુ રીતે કાર્યરત છે. તથા ગામની કુલ ૭ શેરીઓમાં તમામ ઘરોમાં દૈનિક બે કલાક પાણી અપાય છે. એટલું જ નહીં તમામ વિસ્તારોને આવરી લેવા માટે વાલ્વ સિસ્ટમ બેસાડવામાં આવેલ છે. પાણી વિતરણ કરવાના એક કલાક પહેલાં ગામમાં અલગ અલગ જગ્યાએ લગાડવામાં આવેલ સાઉન્ડ સિસ્ટમ દ્વારા પાણી વિતરણની જાહેરાત કરવામાં આવે છે. આવી વિતરણ વ્યવસ્થાના કારણે ગામમાં જરૂરિયાત પૂરતું પાણી મળી રહે છે અને કોઈ પણ પ્રકારનો પાણીનો બગાડ પણ થતો નથી. હાલ, ગામમાં ઘર દીઠ રૂ.૨૦ પ્રતિ માસ પાણી વેરો ઉઘરાવવામાં આવે છે. રતનપર ગામ દુર્ગમ વિસ્તારમાં વસેલું હોવા છતાં પણ ખૂબ જ સુંદર રીતે પાણી વ્યવસ્થા ચલાવે છે. પાણી વિતરણની વ્યવસ્થા માટે એક વાલ્વ મેન રાખવામાં આવ્યો છે જેને માસિક રૂ. ૧૦ હજાર જેટલો પગાર ચૂકવવામાં આવે છે. દર મહિને ગામના તમામ ટંકાઓ તથા અવાડાઓની નિયમિત સફાઈ પણ કરાવવામાં આવે છે.

રતનપરની અન્ય વિષેશતાઓ વિષે વાત કરીએ તો ગામમાં ઘર-ઘર શૌચાલય, પ્રાથમિક શાળા, પંચાયત કચેરી, વીજળી, ગટર વ્યવસ્થા, પેવર બ્લોક વગેરે સુવિધાઓ છે તથા એસ. ટી. બસની સેવા સમગ્ર વર્ષ ઉપલબ્ધ રહે છે.

ગામના મહિલા સરપંચ તેમના ઉમદા કાર્યોને કારણે બીજી વખત ચૂંટાઈ આવેલ છે. તેમણે તમામ શેરીઓમાં તથા ગામના પાદરે શહેરોમાં હોય તેવી સીસીટીવી કેમેરાની સિસ્ટમ બેસાડેલ છે. જેના દ્વારા ગામમાં રક્ષણાત્મક અંકુશ લાવી શકાયો છે. આ ઉપરાંત કોઈ અનિચ્છનીય, ગુનાહિત બાબત બનતી અટકાવી શકાઇ છે. કોઈ ઘરમાંથી પાણી શેરીમાં નીકળતું હોય તો સીસીટીવી. કેમેરા મારફતે સાઉન્ડ સિસ્ટમમાં જાહેરાત કરવામાં આવે છે અને તાત્કાલિક પાણીનો નિકાલ અટકાવવામાં આવે છે. આમ, પાણીની તકલીફ વેઠનાર આ ગામ ખરેખર પાણી અને સ્વચ્છતાની દ્રષ્ટિએ ખરા માપદંડોથી કામગીરી કરી રહ્યું છે. ગામની આ બાબતો નોંધપાત્ર અને સૌએ અનુસરવા જેવી છે જેમ કે ગામના જાગૃત અને સક્રિય મહિલા સરપંચ છે. દરેક ઘરમાં ગટર કનેક્શન અને શૌચાલય છે.