રાજકોટમાં પૈસા ભર્યા વગર સૌની યોજનાનું પાણી નહિ મળે ?

વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે સૌની યોજનાનું પાણી માગ્યાના ૧૫ દિવસમાં જ મળી જતું હતું કોઇ પ્રશ્ન કરાતા ન હતા. સત્તા પરિવર્તન બાદ પાણી માગતાં જ પ્રથમ વખત મનપાને સૌની યોજના કે જે નર્મદા જળસંપત્તિ વિભાગ હેઠળ આવે છે ત્યાંથી કેટલા વાંધાઓના જવાબ આપવા પડ્યા છે. વિભાગે પ્રશ્ન કર્યા હતા કે, રાજકોટ ક્યાંથી પાણી ઉપાડે છે? રોજની જરૂરિયાત કેટલી છે? પાણી ક્યાં ઠલવાય છે? આટલું જ નહિ સૌની યોજનાના બાકી નાણાંની પણ ઉઘરાણી ચાલુ કરી છે. આવું પ્રથમ વખત બન્યું હતું. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરે ૧૦ માર્ચે જે પત્ર લખ્યો હતો તે હજુ સિંચાઈ મંત્રીના ટેબલ પર મંજૂરીની રાહ જોઈ રહ્યો છે.

પાણી આપતા પહેલા પૈસાની ઉઘરાણી અને વિગતો મગાઈ છે તો શું પૈસા ભર્યા વગર સૌનીનું પાણી નહિ મળે તે પ્રશ્ન જળસંપત્તિ વિભાગના સચિવ કે. એ. પટેલને કરાતા તેઓએ કહ્યું હતું કે, પાણીના ચાર્જનો મુદ્દો અલગ છે તેની ફાઈલ અલગ ચાલે તેથી વિગતો માગી હશે તેને અને પાણી છોડવાને કોઇ નિસ્બત નથી. સચિવે આ સાથે બંને મુદ્દાઓ અલગ હોવાની વાત કરી છે પણ જો ૧૦ માર્ચ સુધી સિંચાઈ વિભાગ અને મનપા વચ્ચે પૈસાનો મુદ્દો શાંત નહિ થાય અને આજી ડેમમાં પાણી નહિ અપાય તો ૧૧મી માર્ચે સૌથી પહેલા ઈસ્ટ ઝોનમાં અસર થશે અને ત્યાં ઓછામાં ઓછી ૩૦ સોસાયટીઓ પાણી વિહોણી રહેશે અને ત્યારબાદ સમયાંતરે એકાંતરા પાણીકાપ ઝીંકાશે. શહેર ફરી પાણીકાપની સ્થિતિમાં આવશે. સરકાર બદલાયાના પ્રથમ દિવસથી જ લોકમુખે એક જ ચર્ચા હતી કે હવે રાજકોટમાં શું પરિવર્તન આવશે. જેનો પહેલો જ દાખલો સૌની યોજનાથી મળ્યો છે. મ્યુનિસિપલ કમિશનરે ૧૦ જાન્યુઆરીએ તમામ વિગતો સાથે પત્ર લખી માંગ કરવા છતાં હજુ પણ પાણી મળ્યું નથી અને તે ફાઈલ સિંચાઈ મંત્રીના ટેબલ પર અટકી ગઇ છે.

આ ઉપરાંત અલગ અલગ વિગતો માગી ઉઘરાણા પણ ચાલુ કરાયા છે. સૌની યોજનાનો ઉદ્દેશ્ય ડેમનું પાણી દરિયામાં જતું અટકાવવા ઠાલવવાનો હતો પણ રાજકોટ શહેરમાં પાણીની ખૂબ અછતની સ્થિતિ હોવાથી ડેમ છલકાય નહિ તો પણ શહેરને પાણી આપવા ર્નિણય કરાયો હતો. આ કારણે રાજકોટ શહેરને આજી અને ન્યારીમાં ચોમાસા વગર પાણીનો જથ્થો મળી જતો હત અને પાણી વિતરણ માટે અલગથી કોઈ નવી કે તકલાદી વ્યવસ્થા કરવાની જરૂર પડી નથી. હવે આ ર્નિણય પર ફેરવિચારણા થઈ રહી છે. હવે રાજકોટના નેતાઓના ખભે જવાબદારી છે કે તેઓ કોઇપણ ભોગે સૌની યોજનાનું પાણી વર્ષમાં બે વખત રાજકોટને મળે તેવી વ્યવસ્થા ચાલુ કરાવે અને પાણી પૂરું અપાવે. જો નેતાઓમાં જ પાણી નથી એવું પુરવાર થશે તો સૌનીનું પાણી નહિ મળે. તેને બદલે હાલ ન્યારા અને બેડી ફિલ્ટર પ્લાન્ટ પર જીડબ્લ્યુઆઈએલ મારફત જે જથ્થો અપાય છે તેમાં વધારો સૂચવે તેવી શક્યતાઓ છે. નેતાઓમાં ‘પાણી’નો અભાવ સાબિત થશે તો આખરે રાજકોટની જનતાને જ તરસ્યા રહેવાનો વારો અને ફરી ૧૦ વર્ષ પહેલાની જેમ જ પાણીના ટેન્કર, એકાંતરા પાણીકાપ અને પાણીચોરીના બનાવો જોવા મળશે.

રાજકોટ શહેર નર્મદાનીર પર આધારિત છે. આજી ડેમ છલકાય તો પણ વસતી અને આસપાસના વિસ્તારો ભળવાથી જથ્થો પૂરો પડતો નથી. આ માટે જ વર્ષમાં બે વખત સૌની યોજના હેઠળ નર્મદાનીર આજી ડેમમાં ઠલવાય છે. જોકે આ વખતે સૌની યોજનાનું પાણી માગ્યાના દોઢ મહિના બાદ પણ કોઇ પગલાં તો લેવાયા નથી તેને બદલે પ્રથમ વખત વિચિત્ર પ્રશ્નોત્તરી કરવામાં આવી રહી છે.