વાંસદા તાલુકાના ગામોમાં બેવાર ભૂકંપના આંચકાથી લોકોમાં ડર

દેશ સહિત ગુજરાતમાં ભારે વરસાદથી બધે પાણી ભરાયા છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે નદીઓ પાણીથી તરબોળ છે, ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે તેની વચ્ચે વાંસદા તાલુકાને અડીને આવેલા સારવણી, કાકડવેલ, માંડવખડક સહિતના ગામોમાં રાત્રે જોરદાર આંચકો આવતા ધરા ધ્રુજી ઉઠી હતી અને વાસણો પણ રણકી ઉઠતા મીઠી નિંદ્રા માણી રહેલા લોકોની ઊંઘ પણ ઉડી ગઇ હતી અને લોકો ઘરની બહાર દોડી ગયા હતા. બાદમાં સવારે ફરી આંચકો આવ્યો હતો. જેને લઈને આ વિસ્તારના લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. ૭ કલાકના ગાળામાં ઉપરા છાપરી બે વાર આંચકા અનુભવાતા લોકોની ચિંતા વધી હતી. આ વિસ્તાર નજીક વાંસદાનો કેલીયા અને જૂજ ડેમ છે અને ડેમ પાણીથી છલોછલ એટલે કે ભરાઈ ગયા બાદ આ વિસ્તારના ગામોમાં અવારનવાર આંચકા આવી રહ્યાં છે.

વાંસદામાં ગત વર્ષે પણ ડેમમાં પાણી ભરાઈ ગયા બાદ ઉપરાછાપરી ભૂકંપના આંચકા આવવાના શરૂ થયા હતા અને ચાલુ વર્ષે ૧૫ દિવસમાં બીજીવાર રાત્રે ૩.૨ની તીવ્રતા ધરાવતો ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતો. રાત્રે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ નવસારીથી ૨૯ કિલોમીટર દૂર મહુવા તાલુકામાં હોવાનું જાણવા મળ્યું હતું અને ભીનાર, કુરેલિયા, ઉનાઈ, ખંભાલિયા, બારતાડ, લીમઝર, કંડોલપાડા સહિત ચીખલી તાલુકાના ગામોમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું રાત્રિના આંચકની તીવ્રતા જોરદાર હતી અને સવારે ફરી આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને હવે શું થશે તેવા પ્રશ્નો લોકો ઉભા થયા છે. અધિકારીઓ દ્વારા ગામની મુલાકાત લઈ લોકોને આંચકા અંગે માહિતગાર કરવા જોઈએ પરંતુ કોઈ જવાબદાર અધિકારી દ્વારા મુલાકાત લેવાઈ નથી. – સુનિલભાઇ, અગ્રણી, સારવણી રાત્રિએ અચાનક જોરદાર આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. એક સમયે લોકોમાં રીતસર ભયનો માહોલ સર્જયો હતો.