સપ્તેશ્વર મંદિરનું ગર્ભગૃહ સાબરમતી નદીમાં ડૂબ્યું

સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર અને ઉપરવાસમાં વરસાદને લઈને જિલ્લાના જળાશયોમાં પાણીની આવક સારી થઇ રહી છે. તો ગુહાઈ જળાશય ૭૩ ટકા, હાથમતી જળાશય ૧૦૦ ટકા, હરણાવ જળાશય ૯૬ ટકા, ખેડવા જળાશય ૬૩ ટકા ભરાયો છે. ગુહાઈમાં ૨૦૩૮ કયુસેક, હાથમતીમાં ૨૦૦ કયુસેક આવક અને ૨૦૦ કયુસેક જાવક, હરણાવમાં ૪૦૦ કયુસેક આવક ૪૦૦ કયુસેક જાવક, ખેડવામાં ૫૦૦ કયુસેક આવક ૫૦૦ કયુસેક જાવક અને જવાનપુરા બેરેઝમાં ૫૩૮૫ કયુસેક જાવક અને ૫૩૮૫ કયુસેક પાણીની જાવક થઇ રહી છે. હાથમતી જળાશય બે વર્ષ બાદ ઓવરફલો થયો છે, જેને લઈને ૨૦૦ કયુસેક પાણી વહી રહ્યું છે અને હિંમતનગર હાથમતી વિયરમાં પાણી આવતાં ઓવરફલો થયો છે, જેને લઈને હાથમતી નદીમાં પાણી આવ્યું છે, જેથી હિંમતનગરથી મહેતાપુરા અને હિંમતનગરથી ભોલેશ્વર ડીપ બ્રિજ પર પાણીને લઈને અવરજવર બંધ કરી પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ધરોઈ ડેમમાં સતત પાણી થઇ રહેલી આવકને લઈને છ દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને લઈને સાબરમતી નદીમાં ૬૦ હજાર કયુસેક કરતાં વધુ પાણી વહી રહ્યું છે, જેને લઈને ઇડરના સપ્તેશ્વરની સાબરમતી નદીમાં પાણી આવ્યું છે અને સપ્તેશ્વર મહાદેવના મંદિરના ગર્ભગૃહ પરથી પાણી વહેતાં ફરી વાર એટલે કે ચોમાસામાં બીજીવાર પાણીમાં ડૂબી ગયું છે.સાબરકાંઠા જિલ્લાના ૮માંથી ૬ તાલુકામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, તો ૨૪ કલાકમાં સૌથી વધુ ઈડરમાં સવાચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. હિંમતનગરનો હાથમતી વિયર ઓવરફલો થયો છે અને હાથમતી જળાશય ૧૦૦ ટકા ભરાતાં ઓવરફલો થયો છે, જેને લઈને હાથમતી નદીમાં પાણીનો વધારો થયો છે. ઈડરનું સપ્તેશ્વર મંદિરનો ગર્ભગૃહ સાબરમતી નદીના પાણીમાં ફરીવાર ડૂબ્યું છે. ૨૪ કલાકમાં જિલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં આઠમાંથી છ તાલુકામાં સીઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઇડરમાં સવાચાર ઇંચ નોંધાયો છે. પોશીનામાં પોણાચાર ઇંચ, હિંમતનગરમાં ત્રણ ઇંચ, પ્રાંતિજમાં અઢી ઇંચ, વિજયનગરમાં સવાબે ઇંચ, ખેડબ્રહ્મા, તલોદ અને વડાલીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. તો ૨૪ કલાકમાં ઇડર ૧૧૦ મિમી, ખેડબ્રહ્મા ૪૧ મિમી, તલોદ ૪૨ મિમી, પ્રાંતિજ ૬૨ મિમી, પોશીના ૮૯ મિમી, વડાલી ૪૩ મિમી, વિજયનગર ૫૬ મિમી, હિંમતનગર ૭૪ મિમી વરસાદ નોંધાયો છે.