સુરતમાં મુખ્યમંત્રીએ તાપી નદીનું પૂજન-અર્ચન કર્યું

મુખ્યમંત્રીએ ‘નદી ઉત્સવ’ નદીઓના કિનારે વિસરાયેલી ભવ્ય સંસ્કૃતિને સજીવન કરવાનો આ પ્રયાસ હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું કે, નદીઓ, પર્યાવરણ આપણી મહામૂલી સંપત્તિ છે. આપણી નદીઓ રાજ્યના અપ્રતિમ વિકાસની મૂક સાક્ષી છે. માનવજીવન સહિત અનેકવિધ સજીવો માટે નદીઓ શુદ્ધ મીઠા પાણીઓ એકમાત્ર સ્ત્રોત છે. આપણી આવનારી પેઢીઓ સાથે પર્યાવરણની સુરક્ષા માટે જીવનદાતા નદીઓની જાળવણી કરવી આપણી ફરજ છે. મુખ્યમંત્રીએ ભૂતકાળની સરકારના શાસનમાં જોવા મળતી સુવિધાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, એક સમયે સાબરમતી નદીના પટ પર ક્રિકેટના મેદાનો અને સર્કસના ડેરા-તંબુ જોવા મળતા હતા, જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીઘદ્રર્ષ્ટિના પરિણામે આજે આધુનિક સુવિધાઓથી સજ્જ રિવરફ્રન્ટ સાકાર થયો છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, તા.૨૬થી ૩૦ ડિસેમ્બર દરમિયાન રાજ્યભરમાં ‘નદી ઉત્સવ’ના માધ્યમથી નદીઓ, વૃક્ષો સહિતની કુદરતી સંપત્તિના સંરક્ષણની આહલેક જગાવવામાં આવશે. ઉપરાંત, નદીઓને સિટી બ્યુટીફિકેશન સહિતના બહુવિધ વિકાસઆયામો સાથે જોડીને લોકસુવિધા ઊભી કરવાની સરકારની નેમ છે. નર્મદાના કેવડીયા ખાતે એકતા ક્રુઝ અને રિવરરાફટીંગ જેવી આનંદ-પ્રમોદની સુવિધાઓ સરકારે વિકસાવી છે એમ પણ તેમણે કહ્યું હતું. રાજ્ય સરકાર સુશાસનના પ્રણેતા પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીજીની સ્મૃત્તિમાં દરેક વ્યક્તિને સરળતાથી સરકારી સેવાઓના લાભ આપવા સાથે નાગરિકોની સમસ્યાઓ નિવારવાના અનેકવિધ પ્રયાસો કરી ‘સુશાસન સપ્તાહ’ની ઉજવણી કરવા પણ સંકલ્પબદ્ધ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ વેળાએ મુખ્યમંત્રી, મંત્રી અને શહેરીજનોએ નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાના સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા હતા. બાલિકાઓએ ‘ધન્ય ધન્ય તાપીના પાણી’ ગીત પર મનમોહક નૃત્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સવારે રાજ્યવ્યાપી ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત સાયક્લોથોન સ્પર્ધાને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ દેશની પ્રગતિ અને પ્રકૃત્તિમાં મહત્વનું યોગદાન આપતી નદીઓનું ગૌરવગાન અને સન્માન કરવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સુરતના સિંગણપોર વિયર કમ કોઝવે ખાતે રાજ્યકક્ષાનો “નદી ઉત્સવ” યોજાયો હતો. જ્યાં તાપી નદીના પાવન તટે મુખ્યમંત્રીએ ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂણ્યસલિલા તાપીમૈયાનું પૂજન-અર્ચન કર્યું હતું. તેમણે શ્રમદાન કરી નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાનો સંદેશ આપ્યો હતો. શારીરિક અને માનસિક સજ્જતા સાથે સંભવિત રોગચાળાને નાથવા માટે પ્રત્યેક જન સજ્જતા કેળવે તે આવશ્યક છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના આંગણેથી સાયક્લોથોનનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું.

શિયાળાની ફુલગુલાબી ઠંડી વચ્ચે મોજીલા સુરતીઓની ઉત્સાહપ્રેરક ઉપસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીએ ફિટ ઈન્ડિયા મુવમેન્ટના વડાપ્રધાનના નારાને ઝીલી લઈને રાજ્યના પ્રજાજનોના સ્વાસ્થ્ય પ્રત્યે આવેલી જાગૃતિને બિરદાવી હતી. કોરોનાની સંભવિત આપત્તિ સામે પ્રિકોસન ડોઝની તૈયારી સાથે વરિષ્ઠ નાગરિકો/કોમોર્બિલીટી ધરાવતા પ્રજાજનોને પણ કોરોનાનો પ્રિકોસન ડોઝ આપવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ આરંભી દીધી છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.