સોજિત્રા માં પ્રજા દૂષિત પાણી પીવા મજબૂર બની

સોજિત્રા નગરપાલિકા બન્યાના ૧૫ વર્ષ જેટલો સમય વિતિ ગયો છે. ૨૦ હજારથી વધુ પ્રજાની સુખાકારીનો વહિવટ ગ્રામ પંચાયત કરતાં પણ વધુ ખાડે ગયો છે. પાલિકાની કરોડો રૂપિયાની ગ્રાન્ટ માત્ર રસ્તા પાછળ જ ખર્ચાતી હોય તેમ અન્ય પ્રાથમિક સુવિધા તરફ ધ્યાન અપાઇ રહ્યું નથી. ખાસ કરીને પીવાના પાણી માટે ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે. વર્ષો અગાઉ નગરજનોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે ૮.૬૦ લાખના ખર્ચે ૯ લાખ લીટરની ક્ષમતા વાળી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. પાણીની ટાંકીનો વપરાશ શરૂ કરી દીધાં બાદ તેની સફાઇને લઇ લાલીયાવાડી ચાલી રહી છે. આ ટાંકી સુધી પહોંચવા માટે છેલ્લા છ વર્ષથી દાદર મૂકવામાં આવ્યો નથી. જૂનો દાદર તુટી ગયાં હતાં. તેના રીપેરીંગ માટે શાસકના કોઇ જ સભ્યને રસ નથી. જેના કારણે છેલ્લા છ વર્ષથી પાણીની ટાંકીની સફાઇ વગર જ પ્રજા સુધી પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે. જેના કારણે સમગ્ર નગરના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે. તેનાથી મહત્વની બાબત એ છે કે, શાસકોએ પોતાની ચૂંટણી ઢંઢેરામાં આ મુદ્દાને ઉમેર્યો હતો. છતાં હજુ સુધી કામ હાથ પર લીધું નથી.

સોજિત્રાના નગરજનો દ્વારા ૨૦૨૦માં પાણીના મુદ્દે આંદોલન છેડવામાં આવ્યું હતું. જેમાં ગાંધી દરવાજા વિસ્તાર, સમડી ચકલા વિસ્તાર સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો જોડાયાં હતાં. વળી ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ આ અંગેનો ઠરાવ પણ કરી દીધો હતો. જે તે સમયના સત્તાધીશોએ લોકડાઉન બાદ ટેન્ડર બહાર પાડવામાં આવશે તેવા વાયદા કર્યા હતા. બાદમાં ચૂંટણી આવતા કામ ટલ્લે ચઢ્યું હતું. જોકે, જે બાબત ને હાલ એક વર્ષ પૂરું થવા આવશે છતાં આજદિન સુધી કોઇ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી. તેમજ પાઇપ લાઇનની કામગીરી પણ વેઠ ઉતારવામાં આવી હોવાથી શહેરની વિવિધ વિસ્તારોમાં પાણી પુરતા ફોર્સ આવતું નથી, જે બાબતે ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ જ પગલા લેવાયા નથી તેવી પણ બુમરેંગ ઉઠી છે.

આ અંગે ચીફ ઓફિસર વિપુલ પનારાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, ક્લોરીનેશન નો પ્લાન્ટ ચાલુ છે જે નિયમિત થાય છે. વોશિંગ પણ થાય છે. દાદર સીડી માટેની ગ્રાંટ નહોતી જે માટે એસ્ટીમેટ સહિતની પ્રક્રિયા હાથ ઉપર છે. જે બાદ ટાંકીના દાદરનું કામ હાથ ઉપર લેવાશે.