સુરતમાં ગેસની અસરથી ૫ બાળકો સહિત ૧૦ લોકોને ખાંસી અને ઊલટીની તકલીફ

  • અચાનક ગુંગળામણ શરૂ થતાં તમામને સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા

સુરત વેસુ-યુનિવર્સીટી રોડ પર ગેસની અસરના કારણે લોકોની તબિયત લથડવાની ઘટના બની છે. દુર્ગધ બાદ ૫ બાળકો સહિત ૧૦ લોકોને ખાંસી અને ઊલટીની તકલીફ થઈ હતી. સારવાર માટે તમામને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૦થી વધુ લોકોને ગેસની અસર થઇ હતી.

સૂત્રો અનુસાર અચાનક ગુગળાયા બાદ ખાંસી અને ઊલટીની તકલીફ શરૂ થતા તમામને તાત્કાલિક સિવિલમાં લવાયા હતા. આ ગેસ કયો હતો જેની લોકોને અસર થઇ હતી તે હજુ સામે આવ્યું નથી. સદનસીબે તમામની તબિયતમાં સુધારો હોવાનું જાણવા મળ્યું છે.

ગત રોજ રાત્રીના સાડા દસ વાગ્યાના સમય દરમ્યાન ઝૂંપડામાં સુતેલા ૫ નાના બાળકો સહિત કુલ દસ લોકોને ગેસની અસર થઈ હતી. આ લોકોને ગળામાં બળતરા, ખાંસી, ઉલટી તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતાં તમામને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરત ફાયર વિભાગ, જીપીસીબી, પોલીસ તેમજ ગેસ કંપનીના અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી હતી. ઘટનામાં હજુ કોઈ સત્તવાર નિવેદન સામે આવ્યું નથી.