ગુજરાતના શ્રમયોગીઓના કલ્યાણ માટે રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં રૂ.૫૦૦ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી: શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત

શ્રમિકોને યોગ્ય વેતન પૂરૂં પાડવા રાજ્ય સરકાર દ્વારા તેમના લઘુતમ વેતનમાં આજસુધીનો સૌથી વધુ ૨૫ ટકા જેટલો વધારો કરાયો: રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ

⇒ ગાંધીનગર ખાતે ૧૧ જેટલી શ્રમયોગી કલ્યાણકારી યોજનાના ૨૯૬૧ લાભાર્થીઓને રૂ. ૨.૭૦ કરોડથી વધુની સહાય વિતરણ કરાઈ

⇒ શ્રમયોગીઓ માટેની રાજ્યની નવી ૦૮ મોબાઈલ મેડીકલ વાનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવતા શ્રમ અને રોજગાર મંત્રી

ગાંધીનગર ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત અને રાજ્ય મંત્રી  કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રમયોગી કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવાનો અને શ્રમ યોગીઓ માટે નવી મોબાઈલ મેડીકલ વાન લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોઈ પણ ઉદ્યોગ, કારખાના કે બાંધકામની સફળતાના મૂળમાં અનેક શ્રમિકોની મહેનત હોય છે. એટલે જ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર શ્રમિકોના કલ્યાણ માટે હરહંમેશ પ્રયત્નશીલ રહી આયોજનબદ્ધ કામ કરી રહી છે. એટલા માટે જ વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં શ્રમિકોના કલ્યાણ માટે રાજ્ય સરકારે રૂ. ૫૦૦ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી છે.

મંત્રી રાજપૂતે ઉમેર્યું હતું કે, રાજ્યના શ્રમયોગીઓ સન્માનભેર જીવન જીવી શકે તે માટે તેમના શિક્ષણ, આરોગ્ય, આવાસ અને આહાર સહિતની જીવન જરૂરિયાતની સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. શ્રમયોગીઓને તેમના કામકાજના સ્થળે જ જરૂરી આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે રાજ્યમાં કુલ ૧૬ જેટલી મોબાઈલ મેડીકલ વાન કાર્યરત છે, જેમાં નવી ૮ વાનનો આજથી વધારો થતા રાજ્યમાં કુલ ૨૪ મોબાઈલ મેડીકલ વાનની સેવાઓ શ્રમિકોને મળશે.

શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતના શ્રમિકોની ચિંતા કરીને રાજ્ય સરકાર વખતો-વખત નવી શ્રમયોગી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી શ્રમિકોને મુખ્ય હરોળમાં લાવવાનું કામ કરી રહી છે. જેના પરિણામે ગુજરાતમાં આજે ૩૦ જેટલી શ્રમયોગી કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. શ્રમિકોને યોગ્ય વેતન મળે તે માટે રાજ્ય સરકારે શ્રમિકોના લઘુતમ વેતનમાં આજસુધીનો સૌથી વધુ ૨૫ ટકા જેટલો વધારો કર્યો છે. આ ઉપરાંત માત્ર પાંચ રૂપિયાના નજીવા દરે શ્રમિકોને ભોજન પૂરું પાડનારું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની ૧૧ જેટલી કલ્યાણકારી યોજનાના ૨૯૬૧ જેટલા લાભાર્થીઓને રૂ. ૨.૭૦ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી. આ ઉપરાંત શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત અને રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિના દ્વારા નવી ૦૮ મોબાઈલ મેડીકલ વાનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, શ્રમ આયુક્ત  અનુપમ આનંદ, વેલ્ફેર કમિશ્નર આર. ડી. સિંહ અને સભ્ય સચિવ વી. આર. સક્સેના સહિત અધિકારીશ્રીઓ, વિવિધ યોજનાના લાભાર્થીઓ અને શ્રમયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.