પર્યાવરણ ટુડે બ્રેકિંગઃ જંબુસરના સારોદ ખાતે આવેલ પીઆઈ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ લિકેજ થતા દોડધામ

ભરૂચઃ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ તાલુકામાં આવેલી એક કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બનાવી પામી છે. ગેસ ગળતર થતા દોડધામ મચી જવા પામી હતી. કંપનીમાં કામ કરી રહેલા કામદારોને કોઈ અસર થઇ છે કે કેમ તે અંગે હાલ કોઇ જાણકારી મળી નથી.

મળતી વિગતો પ્રમાણે ભરૂત જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામમાં આવેલી પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બનવા પામી છે. કંપનીની સ્ટોરેજ ટેંકમાંથી બ્રોમીન ગેસ લીકેજ થતા આ ઘટના બનવા પામી છે. બ્રોમીન ગેસ લીકેજ થતા પીળા રંગના ધૂમાડાઓ આકાશમાં જોવા મળ્યા હતા, જેને લઇને દોડધામ મચી જવા પામી હતી. જોકે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. ઘટનાને લઇને ફાયરબ્રિગેડને કોલ મળતા ફાયર વિભાગનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે. આ ઘટનામાં કામદારોને કોઇ અસર થઇ છે કે નહીં તે જાણી શકાયું નથી. પરંતુ ગેસ લિકેજ થતા આજુબાજુના વિસ્તારમાં લોકોને દૂર રહેવા અને કામ વગર બહાર ન નીકળવા માટેની વિનંતી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં બ્રોમીન ગેસ લિકેજની આ ઘટનાને લઇને ભરૂચ સ્થિત સ્થાનિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) અને ફેક્ટરી ઇન્સપેક્ટર દ્વારા ગેસ લિકેજની ઘટના કેવી રીતે ઘટી તેને લઇને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.