કોલકાતા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવની નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષ તરીકે નિમણૂક

નવીદિલ્હીઃ કોલકાતા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવની નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ બુધવારથી પોતાનો કાર્યભાર સંભાળશે.

જસ્ટિસ શ્રીવાસ્તવ જસ્ટિસ શિઓ કુમાર સિંહનું સ્થાન લેશે. ભૂતપૂર્વ અધ્યક્ષ જસ્ટિસ આદર્શ કુમાર ગોયલની નિવૃત્તિ બાદ જસ્ટિસ સિંહને 7 જુલાઈના રોજ ટ્રિબ્યુનલના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવની નિયુક્તિનો આદેશ સોમવારે જ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવનો જન્મ 31 માર્ચ, 1961ના રોજ થયો હતો. જસ્ટિસ શ્રીવાસ્તવે 11 ઓક્ટોબર, 2021થી 30 માર્ચ, 2023 સુધી તેમની નિવૃત્તિ સુધી કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી. આ પહેલા, તેમણે 1987માં વકીલ તરીકે નોંધણી કરી અને સુપ્રીમ કોર્ટમાં કર, નાગરિક અને બંધારણીય કાયદામાં પ્રેક્ટિસ કરી. તેઓની 18 જાન્યુઆરી, 2008ના રોજ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં અધિક ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી, બાદમાં તેઓએ 15 જાન્યુઆરી, 2010માં સ્થાયી ન્યાયાધીશનું પદ ગ્રહણ કર્યું હતું.