પાટણના શહેરીજનો ભૂગર્ભ ગટરની ગંદકી અને દુષિત પાણીથી પરેશાન

પાટણના રામનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક સુવિધાઓને લઈને વિસ્તારના રહીશો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટરની લાઈનો અને પીવાનું દૂષિત પાણી આવવાને લીધે રહિશોમાં રોગ ચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે.

આ બાબતે પાલિકા તંત્ર સહિત વિસ્તારના કોર્પોરેટરોને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં તંત્ર વામણું પુરવાર થયું છે, ત્યારે જો પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે રામનગર વિસ્તારની વિવિધ સમસ્યાઓનું નિવારણ નહીં લાવે તો નાં છુટકે વિસ્તારના લોકોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી વિસ્તારના સામાજિક આગેવાન હરગોવન મકવાણા સહિતના રહિશોએ ઉચ્ચારી છે.

ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં સરેઆમ નિષ્ફળ નીવડી હોય તેવી પ્રતીતિ શહેરીજનો કરી રહ્યા છે. શહેરમાં ભૂગર્ભ ગટરોની સમસ્યા, પાણીની પાઇપલાઈન લીકેજ થવાની સમસ્યા, ઠેર ઠેર સર્જાતી ગંદકીની સમસ્યા, બંધ સ્ટ્રીટ લાઈટોની સમસ્યા તેમજ રખડતા ઢોરોની સમસ્યાઓ શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બની છે. શહેરીજનો દ્વારા સમસ્યાના નિવારણ અર્થે પાટણ નગરપાલિકાના સત્તાધીશો અને નગરસેવકોને અનેક વખત લેખિત તેમજ મૌખિકમાં રજૂઆત કરાઈ હતી. તેમ છતાં આજ દિન સુધી એક પણ સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી. જેને લઈ પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે.