ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ખાતે ‘સસ્ટેનેબલ પેકેજિંગ: રીથિંકિંગ પેકેજિંગ ફોર ગ્રિનર ટુમોરો’ વિષય પર સેમિનાર તથા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

‘સસ્ટેનેબલ પેકેજિંગ: રીથિંકિંગ પેકેજિંગ ફોર ગ્રિનર ટુમોરો’

પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝનું વૈશ્વિક વ્યાપારમાં મહત્વપૂર્ણ સ્થાન; ટેક્નોલોજીમાં નવીનતા થકી પર્યાવરણ સાથે સુમેળ સાધી કાર્ય કરીએ : વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા

પ્લાસ્ટિકથી થતા નુકશાન અને તેના વિકલ્પ વિશે વિદ્યાર્થી કાળથી જ જનજાગૃતિ કેળવવામાં આવે તો તેના વધુ સારા પરિણામો જોવા મળશે : રાજ્ય મંત્રી મુકેશ પટેલ

દેશના ૭૦ ટકા રિસાયકલર્સ ગુજરાતમાં : અગ્ર સચિવશ્રી સંજીવ કુમાર

જો સિમેન્ટની તમામ પ્રોડક્ટનું પેકેજિંગ બ્રાઉન પેપરમાં કરવામાં આવે તો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી સંતુલિત વિકાસમાં ખુબ મોટુ યોગદાન આપી શકાય

ગાંધીનગરઃ ‘વિકસિત ભારત@2047’ના વિઝન સાથે ગુજરાતમાં ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન થઈ રહ્યું છે ત્યારે સંતુલિત વિકાસની સંકલ્પના અને પ્લાસ્ટિકના સુચારૂ ઉપયોગ માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આજે ગાંધીનગર ખાતે ‘સસ્ટેનેબલ પેકેજિંગ: રીથિંકિંગ પેકેજિંગ ફોર ગ્રિનર ટુમોરો’ વિષય પર સેમિનાર તથા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પેકેજીંગના ઉદ્યોગમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડવા માટે તથા પ્લાસ્ટિક સિવાયના ટકાઉ મટીરીયલના ઉપયોગમાં વધારો થાય તે ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું કે, આપણા વેદોએ ખૂબ જ સચોટ રીતે કહ્યું છે કે હવા, પાણી, જમીન અને કુદરત તમામ આપણા અસ્તિત્વનો આધાર છે. વર્તમાન સમયમાં આપણે સૌ ક્લાઇમેટ ચેન્જની અસરો અનુભવીએ રહ્યા છીએ. છેલ્લા કેટલાક દાયકાઓમાં આ અસરને વધુ તીવ્ર બનતી જોઈ છે અને અણધારી આફતોનો સામનો પણ કર્યો છે. આજે ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે, સમુદ્રનું સ્તર વધી રહ્યું છે,  નદીઓ સુકાઈ રહી છે. વાતાવરણના આ ફેરફારોએ આપણને સૌને વિચારવા માટે મજબૂર કર્યા છે. સમગ્ર વિશ્વને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીનો વિચાર ”મિશન લાઇફ” રૂપે આપ્યો અને આ જ વિચારને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેગવંતો બનાવ્યો છે.

મંત્રી મુળુભાઇ બેરાએ વધુમાં કહ્યુ કે, સિમેન્ટ ઉધોગોની પ્રાઇમ પ્રોડક્ટનું પેકેજીંગ બ્રાઉન પેપરમાં કરવામાં આવે છે જ્યારે ઓપીસી અને પીપીસી જે રેગ્યુલર ઉપયોગ માટે વપરાય છે તે પ્રકારની સિમેન્ટનું પેકેજિંગ પ્લાસ્ટિકમાં કરવામાં આવે છે. જો સિમેન્ટની તમામ પ્રોડક્ટનું પેકેજિંગ બ્રાઉન પેપરમાં કરવામાં આવે તો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી સંતુલિત વિકાસમાં ખુબ મોટુ યોગ દાન આપી શકાય. સિમેન્ટ પ્લાસ્ટિક તેમજ અન્ય ઉદ્યોગ જગતના અગ્રણીઓ આ સેમિનારમાં ઉપસ્થિત છે ત્યારે સાથે મળી સંતુલિત વિકાસનો રોડ મેપ તૈયાર થાય તે જરૂરી છે.

મંત્રી મુળુભાઈ બેરાએ ઉમેર્યુ કે, તાજેતરમાં રાજ્યના વન વિભાગે સ્વચ્છતા જાળવવાના ઉદ્દેશ સાથે ગિરનારની લીલી પ્રરિક્રમા દરમિયાન તથા બાદમાં સામાજિક સંસ્થાઓ (NGO) અને વિદ્યાર્થીઓની મદદથી યાત્રા રૂટ પરથી કચરો એકત્રિત કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. આશરે ૫૦ ટનથી વધુ કચરો એકત્રિત કરવામાં આવ્યો તેનો મોટો ભાગ એ પ્લાસ્ટીક પેકેજીંગનો હતો. આ બાબત ગંભીર છે અને આજે જે સેમિનાર યોજવામાં આવ્યો છે તેનું ચિંતન પણ આ વિષય પર છે જે ખૂબ સારી બાબત છે.

મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યુ કે, પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ વૈશ્વિક વ્યાપારમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આપણે હવે એ તબક્કે છીએ જ્યાં ટેક્નોલોજીમાં નવીનતા થકી પર્યાવરણ સાથે સુમેળ સાધી કાર્ય કરીએ. સરકાર, ઉદ્યોગો અને ઉપભોક્તા સંતુલિત પેકેજિંગ થકી સ્વસ્થ ભાવિને આકાર આપવામાં નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે. સરકારે એવી નીતિઓ ઘડવાની જવાબદારી ઉઠાવી છે જે પર્યાવરણ અનુકૂળ પ્રથાઓને પ્રોત્સાહન આપે છે. ઉદ્યોગોએ પેકેજિંગ સોલ્યુશન્સ માટે સંશોધનમાં નવીનતા લાવવી પડશે અને ઉપભોક્તા તરીકે આપણી પસંદગીઓ ખૂબ શક્તિ ધરાવે છે તેથી આપણે ટકાઉ ઉત્પાદનોની માંગ પણ વધારવી પડશે. આપણો વિવેકપૂર્ણ ઉપયોગ પૃથ્વીને હરિયાળા ભવિષ્ય તરફ લઈ જશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, એક સમાજ તરીકે આપણે ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગ પધ્ધતિઓ તરફ પ્રયાણ કરવું જોઇએ જે પર્યાવરણ પર પડતી કચરાની અસરને ઘટાડે છે. સંતુલિત પેકેજિંગ માત્ર પૃથ્વીની રક્ષા કરવાની આપણી જવાબદારી સાથે સિમિત નથી પરંતુ નવીનતા અને પ્રગતિની પણ એક તક આપે છે.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લાલ કિલ્લા પરથી સ્વચ્છતા અભિયાનના કરેલા અહવાનને દેશના સૌ નાગરિકોએ જનઆંદોલન બનાવી ખૂબ સારો સહકાર આપ્યો છે, જે સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત પર્યાવરણ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આજના આ સેમિનાર પાછળ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિચારે પ્રેરકબળ પૂરું પાડ્યું છે. મોર્નિંગ વોક દરમિયાન રસ્તામાં ઠેર ઠેર જોવા મળેલી પ્લાસ્ટિકની ખાલી બોટલો જોઈને મુખ્યમંત્રીએ લોકોમાં જનજાગૃતિ લાવવા પ્રયાસો કરવા સૂચન કર્યું હતું.

મંત્રી મુકેશ પટેલે વધુમાં ઉમેર્યું કે, આ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો શાળા કોલેજોમાં થવા જરૂરી છે. વિદ્યાર્થી કાળથી જ પ્લાસ્ટિકથી થતા નુકશાન અને તેના વિકલ્પ વિશે જનજાગૃતિ કેળવવામાં આવે તો તેની અસર વધુ સકારાત્મકતા સાથે જોવા મળશે. એટલું જ નહિ, આ અભિયાનમાં વધુ સારા પરિણામો મેળવવા સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓએ પણ વિશેષ ભાગીદારી નોંધાવવી ખૂબ જરૂરી છે.

વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમારે પ્રાસંગિક ઉદ્બબોધન કરતા જણાવ્યું હતું કે, આવનારા સમયમાં પર્યાવરણની સુરક્ષા અને સંરક્ષણની દિશામાં આ પ્રકારના સેમિનાર મહત્વના સાબિત થશે. ગુજરાત માટે ઉત્પાદિત પ્લાસ્ટિકમાંથી આશરે 36%નો ઉપયોગ માત્ર પેકેજિંગમાં થાય છે, જેમાં ખાદ્યપદાર્થો અને પીણાના કન્ટેનર માટે સિંગલ-યુઝ પ્લાસ્ટિક ઉત્પાદનોનો સમાવેશ થાય છે. જેમાંથી લગભગ 85%નો લેન્ડફિલ કચરા તરીકે નિકાલ થાય છે. દેશના 70% રિસાયકલર્સ ગુજરાતમાં છે. મહત્વનું છે કે, ગુજરાત કચરામાંથી કંચન બનાવવાની માનસિકતા ધરાવે છે ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગોમાં પ્લાસ્ટિકના કચરાના કો-પ્રોસેસિંગ માટેના 13 પ્લાન્ટ પણ છે. વર્ષ 2009થી ઓક્ટોબર 2023 સુધીમાં રાજ્યમાં લગભગ 9.6 મિલિયન મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરો સિમેન્ટ ભઠ્ઠામાં કો- પ્રોસેસિંગ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ના અધ્યક્ષ આર. બી. બારડે સ્વાગત પ્રવચન કર્યું હતું તથા જીપીસીબીના સભ્ય સચિવશ્રી ડી. એમ. ઠાકરે આભારવિધી કરી હતી.

આ પ્રસંગે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજનલ ડાયરેક્ટર પ્રસુન ગાર્ગવ, કેન્દ્રીય પર્યાવરણ વન અને ક્લાયમેટ ચેન્જ વિભાગના અધિકારી યોગેશ કુમાર, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ પરીખ, ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેકચરિંગ એસોસિયેશનના પ્રમુખ વિજયભાઈ જાવિયા તેમજ સિમેન્ટ, પ્લાસ્ટિક, પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો તથા વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતાં.