અમદાવાદ જિલ્લાના બગોદરામાં ખેતરમાં કેમીકલ વેસ્ટમાં લાગી આગ

બાવળા તાલુકામાં બગોદરામાં પોલીસ સ્ટેશનની નજીક આવેલા ખુલ્લા ખેતરમાં નાંખવામાં આવેલા કેમીકલયુક્ત વેસ્ટનાં મોટાં ઢગલામાં કોઈ કારણસર આગ લાગી હતી.. આગે ધીમે-ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આકાશમાં આગનાં ધૂમાડાનાં ગોટેગોટા ફેલાવા લાગ્યા હતાં. આગને કાબુમાં લેવા માટે ધોળકા નગરપાલિકાનાં 3 અને ખાનગીનાં 2 મળી કુલ 5 ફાયર ફાઇટર દોડી ભારે જહેમત બાદ રાત સુધીમાં આગ કાબુમાં લીધી હતી.

આગની ઘટનાની જાણ વાયુવેગે ફેલાતાં બગોદરા પોલીસ, બાવળા મામલતદાર, ગામનાં સરપંચ અને ગ્રામજનો દોડી આવ્યા હતાં.તેમજ સામાજીક કાર્યકર પ્રફુલ મહેતાને જાણ થતાં તેમણે ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડને જાણ કરતાં જીપીસીબીનાં અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં. જીપીસીબીનાં અધિકારીઓએ કેમીકલ વેસ્ટનાં સેમ્પલ લઇને તપાસ કરતાં આ કેમીકલ વેસ્ટ બગોદરા પાસે આવેલા રોહીકા ગામની સીમમાં આવેલી આઈનોક્સ વીન્ડ પવનચક્કીનાં પાંખીયા બનાવતી કંપનીનો હોવાનું જાણવા મળેલ છે.