ચોમાસામાં કેમિકલ માફિયાના પર્યાવરણ અને જાહેર આરોગ્ય સામે ગંભીર પડકાર સમાન કાળા કારોબાર સામે GPCB એક્શન મોડમાં
- નવા સભ્ય સચિવની ઉત્કૃષ્ટ કામગીરી ચર્ચામાં: પ્રદૂષણ સામે GPCBની કાર્યવાહીથી 21 ઔદ્યોગિક એકમો પર તવાઈ
- ચોમાસામાં કેમિકલ માફિયાઓ સક્રિય: વરસાદી પાણીની આડમાં જોખમી કેમિકલ વેસ્ટના ગેરકાયદે નિકાલની આશંકા
- ભારે વરસાદનો લાભ લઈ સંગ્રહિત Hazardous Waste નદી-નાળા, સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને કુદરતી જળમાર્ગોમાં ઠાલવવાના આક્ષેપ
- ચોમાસું એટલે કેમિકલ માફિયાઓ માટે ‘લાલ તક’? વરસાદી પાણી સાથે સંગ્રહિત Hazardous Waste ઠાલવવાનો ‘કાળો કારોબાર’ ફરી ચર્ચામાં
- ભારે વરસાદની આડમાં જોખમી ઔદ્યોગિક કચરો ગેરકાયદે નિકાલ કરવાના આક્ષેપો; નદીઓ, ભૂગર્ભ જળ અને ખેતીની જમીન માટે વધતું જોખમ
અંકલેશ્વર: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા અંકલેશ્વર GIDC વિસ્તારમાં પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન કરતી ઔદ્યોગિક એકમો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં બોર્ડ દ્વારા વધુ 21 ઔદ્યોગિક એકમો સામે ક્લોઝર ડાયરેકશન અને વિવિધ પ્રકારના નિયામક આદેશો જારી કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ઔદ્યોગિક પ્રદૂષણ પર નિયંત્રણ મેળવી પર્યાવરણ તેમજ જાહેર આરોગ્યનું રક્ષણ કરવાનો છે.
નવા સભ્ય સચિવના સમર્પિત અભિગમને લઈને કેમિકલ માફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઓપરેશનમાં નવા સભ્ય સચિવની કામગીરી ટોક ઓફ ધ ટાઉન બની છે. પદભાર સંભાળતાની સાથે જ તેમણે કોઈ પણ દબાણ વગર, અત્યંત નિષ્ઠા અને સમર્પણ સાથે પ્રદૂષણ ફેલાવતા એકમો પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. ગ્રાઉન્ડ લેવલ પરથી સચોટ માહિતી એકત્રિત કરી, પ્રદૂષિત વિસ્તારોનું ચોક્કસ મેપિંગ કરીને અને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર જીપીસીબીની કડક કાર્યવાહીનો રોડમેપ તૈયાર કરવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. તેમના આ કડક અને બાહોશ અભિગમથી કેમિકલ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેના તેમના સમર્પિત અભિગમને કારણે તેમની કામગીરી પર્યાવરણ ક્ષેત્રમાં પ્રેરણાદાયી તરીકે જોવામાં આવી રહી છે.
સમગ્ર ઘટનાક્રમ પ્રકાશ પાડીએ તો, હાલમાં જોવા મળી રહેલા ભારે વરસાદી માહોલનો ગેરલાભ ઉઠાવીને અંકલેશ્વર જીઆઈડીસીમાં ચોરીછૂપીથી રાતના અંધારામાં ઝેરી કેમિકલ અને જોખમી ઔદ્યોગિક પ્રવાહી કચરો (Hazardous Effluent) વરસાદી પાણીના ઓટા હેઠળ ખુલ્લા નાળા અને કુદરતી જળમાર્ગોમાં છોડી દેવાના કાળા કારોબારનો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. જીપીસીબી દ્વારા લાલઆંખ કરીને પર્યાવરણીય નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતી અંકલેશ્વરની 21 જેટલી ઔદ્યોગિક એકમો સામે તાત્કાલિક અસરથી ક્લોઝર ડાયરેક્શન ફટકારી વીજ-પાણીના જોડાણો કાપી નાખવાના આદેશો આપી દેવાતાં સમગ્ર ઉદ્યોગ આલમમાં ભારે સન્નાટો મચી ગયો છે.
GPCB દ્વારા હવા, પાણી અને જોખમી કચરાના સંચાલન સંબંધિત નિયમોના ભંગ બદલ DIR-IMM (Immediate Closure Direction) તથા DIR-D15 સહિતના આદેશો આપવામાં આવ્યા છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે સંબંધિત ઔદ્યોગિક એકમો જરૂરી સુધારાત્મક પગલાં પૂર્ણ કરીને GPCBની મંજૂરી મેળવ્યા બાદ જ ફરી કામગીરી શરૂ કરી શકશે.
પર્યાવરણ કાર્યકરોના જણાવ્યા અનુસાર ચોમાસાની ઋતુ દરમિયાન કેટલાક કથિત કેમિકલ માફિયા ભારે વરસાદનો લાભ લઈને જોખમી ઔદ્યોગિક પ્રવાહી કચરો (Hazardous Effluent) વરસાદી પાણી સાથે ભેળવી ખુલ્લા નાળા, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, કુદરતી જળમાર્ગો તથા આસપાસના વિસ્તારોમાં છોડતા હોવાના ગંભીર આક્ષેપો છે. ભારે વરસાદ દરમિયાન પ્રદૂષિત પાણી વરસાદી પાણીમાં ભળી જતાં તેની ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે, જેના કારણે નદીઓ, તળાવો, ખેતીની જમીન અને ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાની સંભાવના વધી જાય છે.
પર્યાવરણવિદોના મતે ચોમાસા દરમિયાન આવા ગેરકાયદે નિકાલને અટકાવવા માટે સતત મોનીટરિંગ, અચાનક નિરીક્ષણ અને કડક અમલવારી અત્યંત જરૂરી છે. આ દિશામાં GPCB દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલી કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
GPCBના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ પર્યાવરણના નિયમોનું પાલન ન કરતી ઔદ્યોગિક એકમો સામે વધુ કડક કાર્યવાહી ચાલુ રહેશે. પ્રદૂષણ નિયંત્રણ માટે બોર્ડ દ્વારા સતત દેખરેખ અને મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી પર્યાવરણને નુકસાન પહોંચાડતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાય.
GPCB દ્વારા જે ઔદ્યોગિક એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેની વિગત.
| ક્રમ | કંપનીનું નામ | કાર્યવાહી |
| 1 | સૂર્યા લાઈફ સાયન્સીસ લિમિટેડ | DIR-IMM । (તાત્કાલિક ક્લોઝર) |
| 2 | પારિજાત ઇન્ડસ્ટ્રિઝ (જૂની – અંકૂર ઇન્ડસ્ટ્રીઝ) | DIR-D15 । (15 દિવસની નોટિસ) |
| 3 | અનમોલ કેમિકલ્સ (ગુજરાત) પ્રા. લિ. | DIR-D15 । (15 દિવસની નોટિસ) |
| 4 | ક્લિન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ | DIR-IMM । (તાત્કાલિક ક્લોઝર) |
| 5 | ફર્ગ્યુશન કેમિકલ્સ | DIR-IMM । (તાત્કાલિક ક્લોઝર) |
| 6 | કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ | DIR-D15 । (15 દિવસની નોટિસ) |
| 7 | એસપીસી લાઈફસાયન્સીસ પ્રા. લિ. (યુનિટ-૧) | DIR-D15 । (15 દિવસની નોટિસ) |
| 8 | મયૂર ડાય કેમ | DIR-IMM । (તાત્કાલિક ક્લોઝર) |
| 9 | ઇન્ટીગ્રલ કેમિકલ ફેક્ટરી | DIR-IMM । (તાત્કાલિક ક્લોઝર) |
| 10 | મિલી ઇન્ડસ્ટ્રીઝ | DIR-IMM । (તાત્કાલિક ક્લોઝર) |
| 11 | એલિમેન્ટ કેમી લિંક પ્રાઇવેટ લિમિટેડ | DIR-IMM । (તાત્કાલિક ક્લોઝર) |
| 12 | તાઓ કેમિકલ્સ | DIR-D15 । (15 દિવસની નોટિસ) |
| 13 | ફિનોકેમ લિમિટેડ (યુનિટ-।।) (જૂનું નામઃ મરકેમ લિમિટેડ) | DIR-D15 । (15 દિવસની નોટિસ) |
| 14 | સર્વાઇવલ ટેક્નોલોજીસ પ્રા. લિ. | DIR-OTH (અધર્સ ડાયરેક્શન) |
| 15 | શ્રી બાલાજી પ્રોસેસર્સ | DIR-IMM । (તાત્કાલિક ક્લોઝર) |
| 16 | મયૂર એસોસિએટ્સ | DIR-IMM । (તાત્કાલિક ક્લોઝર) |
| 17 | મયૂર કલર એન્ડ કેમિકલ્સ | DIR-IMM । (તાત્કાલિક ક્લોઝર) |
| 18 | ગ્રીનકેમ ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ | DIR-IMM । (તાત્કાલિક ક્લોઝર) |
| 19 | ગ્લેક્સન ફાર્મ સાયન્સ એલએલપી | DIR-IMM । (તાત્કાલિક ક્લોઝર) |
| 20 | કાકડિયા કેમિકલ્સ | DIR-IMM । (તાત્કાલિક ક્લોઝર) |
| 21 | મેરિડિયન કેમ બોન્ડ પ્રાઇવેટ લિમિટેડ | DIR-D15 । (15 દિવસની નોટિસ) |











