મુંબઈનાં કાંદિવલીમાં પવન ધામ વીણા સંતૂર બિલ્ડિંગમાં આગ લગતા ૨નાં મોત

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી આગના ન્યૂઝ આવી રહ્યા છે. હવે એવું સામે આવ્યું છે કે કાંદિવલીમાં પણ એક રહેણાંક મકાનમાં આગ લાગી છે. માહિતી સામે આવી છે કે કાંદિવલી પશ્ચિમના મહાવીર નગર વિસ્તારમાં પવન ધામ વીણા સંતૂર બિલ્ડિંગની આ ઘટના છે. આ નવ માળની ઈમારતના પહેલા માળે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી.

આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. આગના કારણે ૫ રહેવાસીઓ ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેમાંથી બેને ત્યાંના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. આગની જાણ થતાં જ ફાયરની ૮ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમજ પાલિકાના અધિકારીઓ, પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગના કારણે બિલ્ડીંગમાં ફસાયેલા નાગરિકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. અગ્નિશમન દળના જવાનોએ આગને કાબૂમાં લેવા માટે તમામ પ્રયાસો કર્યા હતા અને તેઓ સફળ પણ રહ્યા હતા. બચાવ કામગીરી ચાલી રહી હતી ત્યારે ઈમારતનો વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. જો કે આગનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.