શા માટે ગુજરાત વનવિભાગ દ્વારા કોનોકાર્પસ વૃક્ષ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કરાયો, જાણો કારણ

અમદાવાદઃ કોનોકાર્પસ વૃક્ષ અંગે ગુજરાત વનવિભાગ દ્વારા પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કરાયો છે. આ વિશે એએમસીના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જિગ્નેશ પટેલે જણાવ્યું કે, અમને પરિપત્ર મળ્યો એ બાદ અમે અમારી નર્સરીમાં હવે આનો ઉછેર નહીં કરીએ. એએમસી દ્વારા નવા વૃક્ષારોપણ હેઠળ હવે આ છોડ રોપવામાં નહીં આવે. જ્યાં આ છોડ છે ત્યાં ૫-૬ ફૂટથી ઉપરના છોડનું ટ્રિમિંગ કરવાનું શરૂ કરી દેવાઈ છે. રહેણાંક વિસ્તારોમાં પણ અમારી વિનંતી છે આ છોડનું નિયમિત કટિંગ કરતા રહેવું.

વર્ષ ૨૦૧૫ બાદ એએમસી દ્વારા શહેર આ છોડ લગાવવામાં આવ્યા છે, અંદાજે ૧ લાખ કરતા વધુ છોડ વાવવામાં આવ્યા છે. કોનોકાર્પસના મૂળ જમીનમાં ઊંડા જવાથી પાઇપલાઇન અને કેબલને નુકસાન કરે છે. તેમણે વધુમાં કહ્યું કે, મૂળ ઊંડે સુધી વધવાને કારણે જમીન નીચેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જોખમી છે. વનસ્પતિનો મૂળ ગુણ ઊંડે સુધી મૂળને સ્થાપિત કરવાનો છે. કોનોકાર્પસ અંગે નિયમન અને નિયંત્રણ ખૂબ જરૂરી છે. પુષ્પમાં ઉત્પન્ન થતી પરાગરજ શ્વાસમાં જતા નુકસાન કરતા હોય છે. આ સિવાયના પણ ઘણા વૃક્ષની પરાગરજ નુકસાન કરતા હોય છે. ભૂગર્ભજળને ઊંચા લાવવાની ક્ષમતા કોનાકાર્પસમાં રહેલી છે. ઘણીવાર ખારાશને વધતી અટકાવવા માટે પણ કોનોકાર્પસ ઉપયોગી સાબિત થતા હોય છે.

ઉલ્લેખનીય છે કે વન વિસ્તાર અને વન વિભાગની નર્સરીઓમાં કોનોકાર્પસના રોપાના ઉછેર અને તેના વાવેતર કરવા પર પ્રતિબંધ મુકાયો છે. વન વિભાગની નર્સરીઓમાં અને વન વિભાગના વિસ્તારમાં નુકશાનકારક કોનોકાર્પસના રોપા ઉછેર ન કરવા વન વિભાગ દ્વારા આદેશ કરાયો છે. સમગ્ર ગુજરાતમાં ખાનગી ધોરણે પણ કોનોકાર્પસના વાવેતર ઉછેર પર પણ પ્રતિબંધ લગાવવા માટે પણ વન વિભાગે દરખાસ્ત તૈયાર કરી છે.

મોટા ભાગે લીલાછમ, સુંદર અને આકર્ષક ‘કોનોકાર્પસ’ વૃક્ષ રસ્તાની વચ્ચે ડિવાઇડર પર જોવા મળે છે. ઘણા દેશોએ શહેરોમાં હરિયાળી વધારવા માટે આ વૃક્ષોને અપનાવ્યાં છે. આ વૃક્ષ શંકુ આકારમાં વધે છે. જેના લીધે ભારતના વનસ્પતિ વિશેષજ્ઞો તેને અહીં લાવ્યા. અહીં મૂળ સ્વરૂપે પાલિકાઓ દ્વારા શહેરી વિસ્તારમાં તેને રોપવામાં આવે છે. આ વૃક્ષનો મોટામાં મોટો ગુણધર્મ છે હરિયાળી. તેનાથી જગ્યા લીલીછમ દેખાય છે. અનેક દેશોમાં મોટી સંખ્યામાં આ વૃક્ષ ઉગાડવામાં આવે છે કારણ કે તે હરિયાળીની સાથેસાથે જળવાયુ નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે અને રણના વાતાવરણમાં ધૂળ, ગંદકી અને હવામાંથી ઉડતી રેતીને રોકે છે.